વસ્તી ગણતરી 2027: 1 એપ્રિલથી પ્રથમ તબક્કાનો પ્રારંભ, જાણો જાતિ આધારિત ગણતરી અને ડેટાની સુરક્ષા વિશેની સંપૂર્ણ વિગતો
ભારતની આગામી વસ્તી ગણતરીને લઈને છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી રાહ હવે અંતિમ તબક્કામાં છે. ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનર મૃત્યુંજય કુમાર નારાયણે સોમવારે જાહેરાત કરી છે કે ૨૦૨૭ની વસ્તી ગણતરીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો આગામી 1 એપ્રિલથી કેટલાક રાજ્યોમાં ફિલ્ડ ઓપરેશન સાથે શરૂ થશે. ખાસ વાત એ છે કે આ વખતે વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે, જે ભારતના ઈતિહાસમાં એક નવો અધ્યાય જોડશે.
બે તબક્કામાં થશે ગણતરી: ડિજિટલ ઈન્ડિયાનો પ્રભાવ
વસ્તી ગણતરી કમિશનરના જણાવ્યા અનુસાર, ૨૦૨૭ની આ ગણતરી બે મુખ્ય તબક્કામાં વહેંચાયેલી હશે. પ્રથમ તબક્કામાં ‘હાઉસ લિસ્ટિંગ’ (મકાનોની યાદી તૈયાર કરવી) નું કામ કરવામાં આવશે, જે એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન ચાલશે. આ પ્રક્રિયાને પાર પાડવા માટે દેશભરમાં અંદાજે 31 લાખ ગણતરીકારો (Enumerators) અને સુપરવાઈઝર તૈનાત કરવામાં આવશે.
આ વખતે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. નાગરિકોને ‘સેલ્ફ-એન્યુમરેશન’ (પોતાની ગણતરી પોતે કરવી) ની સુવિધા આપવામાં આવશે, જ્યાં તેઓ પોર્ટલ પર જઈને ૧૬ અલગ-અલગ ભાષાઓમાં પોતાની વિગતો ભરી શકશે. આ માટે ૧૬ અંકોનો એક ખાસ આઈડી (ID) જનરેટ કરવામાં આવશે, જે બાદમાં જ્યારે ગણતરીકાર ઘરે આવે ત્યારે તેમને સોંપવાનો રહેશે.
જાતિ અને ધર્મની ગણતરી: બીજા તબક્કાનું આયોજન
વસ્તી ગણતરીના બીજા તબક્કામાં વસ્તીની ગણતરીની સાથે સાથે જાતિ અને ધર્મ આધારિત આંકડાઓ પણ એકત્રિત કરવામાં આવશે. કેબિનેટે આ માટે મંજૂરી આપી દીધી છે, જોકે જાતિ ગણતરીની પદ્ધતિ (Methodology) ને હજુ અંતિમ રૂપ આપવાનું બાકી છે. કમિશનર નારાયણે સ્પષ્ટ કર્યું હતું કે વસ્તી ગણતરી દરમિયાન કોઈપણ પ્રકારના દસ્તાવેજો કે પુરાવા જમા કરાવવાની જરૂર રહેશે નહીં. લોકોએ આપેલી માહિતીના આધારે જ ડેટા તૈયાર થશે.
ડેટાની ગોપનીયતા: ‘તમારી માહિતી સુરક્ષિત છે’
લોકોમાં આંકડાઓની સુરક્ષાને લઈને રહેલી ચિંતાઓ પર કમિશનરે મોટું આશ્વાસન આપ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વસ્તી ગણતરી દરમિયાન એકત્રિત કરવામાં આવેલ ડેટા સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવશે. આ આંકડાઓ કોઈપણ એજન્સી સાથે શેર કરવામાં આવશે નહીં અને તેનો ઉપયોગ કોઈ અદાલતી કાર્યવાહી (Court Proceedings) માં પણ થઈ શકશે નહીં. તેમણે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પૂરી સત્યતા સાથે પોતાની માહિતી શેર કરે, કારણ કે આ આંકડાઓ દેશના ભવિષ્યના આયોજન અને નીતિ ઘડતર માટે અત્યંત મહત્વના છે.
આ ભારતની કુલ 16મી વસ્તી ગણતરી છે અને આઝાદી પછીની આ 8મી ગણતરી હશે. સામાન્ય રીતે દર ૧૦ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે, પરંતુ ૨૦૨૧માં કોવિડ-૧૯ મહામારીને કારણે તેને મોકૂફ રાખવી પડી હતી. છેલ્લે ૨૦૧૧માં વસ્તી ગણતરી કરવામાં આવી હતી, તેથી ૧૬ વર્ષના લાંબા અંતરાલ બાદ આ પ્રક્રિયા ફરી શરૂ થઈ રહી છે.
