ચોમાસામાં પણ AC ચાલશે અને વીજળીનું બિલ આવશે અડધું! અજમાવો આ પાંચ સરળ યુક્તિઓ
ચોમાસાની ઋતુમાં વરસાદ પછી વાતાવરણમાં વધતી અસહ્ય ભેજ (Humidity) અને બફારાથી બચવા માટે એર કંડિશનર (AC) ચલાવવું અનિવાર્ય બની જાય છે. પરંતુ વરસાદી દિવસોમાં સતત AC ચાલવાને કારણે વીજળીનું બિલ ખૂબ ઊંચું આવે છે. સામાન્ય રીતે લોકો કૂલિંગ મેળવવા માટે તાપમાન ખૂબ નીચું કરી દે છે, જેનાથી AC ના કોમ્પ્રેસર પર ભાર વધે છે અને વીજ વપરાશ બે ગણો થઈ જાય છે.
ચોમાસાની ઋતુમાં વરસાદ પડ્યા બાદ વાતાવરણમાં ભેજનું પ્રમાણ અચાનક વધી જાય છે. આ ભેજ અને ગરમીનું મિશ્રણ ઘરોમાં અસહ્ય બફારો અને ચીકણાશ ઊભી કરે છે. આવી પરિસ્થિતિમાં પંખાની હવા પણ બે અસરકારક લાગે છે અને લોકોએ મજબૂરીમાં એર કંડિશનર (AC) ચાલુ કરવું પડે છે.
પરંતુ ચોમાસામાં કલાકો સુધી AC ચલાવવાથી મહિનાના અંતે આવતું વીજળીનું બિલ ખિસ્સા પર મોટો બોજ નાખે છે. મોટાભાગના લોકો માને છે કે AC વાપરવાથી મોટું બિલ આવવું સ્વાભાવિક છે. પરંતુ જો તમે AC ના કેટલાક ખાસ સેટિંગ્સ અને ઉપયોગ કરવાની યોગ્ય રીત સમજી લો, તો તમે વીજ બિલમાં નોંધપાત્ર બચત કરી શકો છો.
૧. ‘કૂલ મોડ’ ને બદલે ‘ડ્રાય મોડ’ નો ઉપયોગ કરો
ચોમાસામાં વીજળી બચાવવાની સૌથી મોટી અને અસરકારક ટ્રિક ‘ડ્રાય મોડ’ (Dry Mode) છે. વરસાદના દિવસોમાં રૂમનું તાપમાન એટલું ઊંચું નથી હોતું જેટલું વાતાવરણમાં ભેજ હોય છે. જો તમે AC ને નિયમિત ‘કૂલ મોડ’ પર ચલાવશો તો કોમ્પ્રેસર સતત ચાલશે.
તેના બદલે રિમોટમાંથી ‘ડ્રાય મોડ’ (જે રિમોટ પર ડ્રોપ અથવા વરસાદના ટીપાં જેવા આઇકોનથી દર્શાવાય છે) સક્રિય કરો. આ મોડ હવામાંથી વધારાનો ભેજ ખેંચી લે છે. આનાથી કોમ્પ્રેસર પર ઓછો ભાર પડે છે, રૂમમાંથી ચીકણાશ દૂર થાય છે અને વીજળીની મોટી બચત થાય છે.
૨. આદર્શ તાપમાન: ૨૪°C થી ૨૬°C ની શ્રેણી
ઘણા લોકો રૂમને ઝડપથી ઠંડો કરવા માટે AC નું તાપમાન ૧૬°C કે ૧૮°C કરી દે છે. આ એક મોટી ભૂલ છે, કારણ કે તાપમાન ગમે તેટલું નીચું કરો, હવા ફેંકવાની ઝડપ સમાન જ રહે છે પરંતુ કોમ્પ્રેસરને સતત તેની પૂર્ણ ક્ષમતા પર કામ કરવું પડે છે.
બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) મુજબ, માનવ શરીર માટે ૨૪°C થી ૨૬°C નું તાપમાન સૌથી આરામદાયક અને ઊર્જા-બચત આપનારું છે. AC ના તાપમાનમાં માત્ર ૧ ડિગ્રીનો વધારો કરવાથી લગભગ ૬% વીજળી બચાવી શકાય છે.
૩. AC ની સાથે સીલિંગ ફેન ચાલુ રાખો
AC ચાલુ કરતી વખતે રૂમનો સીલિંગ ફેન (છતનો પંખો) ધીમી કે મધ્યમ ગતિએ ચાલુ રાખવો ખૂબ જ ફાયદાકારક છે. પંખો ચલાવવાથી AC માંથી નીકળતી ઠંડી હવા ઝડપથી અને સમાન રીતે આખા રૂમમાં ફેલાઈ જાય છે. આનાથી રૂમ ઝડપથી ઠંડો થાય છે અને AC નું થર્મોસ્ટેટ સમયસર રૂમનું તાપમાન ડિટેક્ટ કરીને કોમ્પ્રેસરને ઓટો-કટ (Auto-cut) કરી દે છે, જેથી વીજળીનો વપરાશ અટકી જાય છે.
૪. એર ફિલ્ટરની નિયમિત સફાઈ
ચોમાસાના ભેજવાળા વાતાવરણમાં ધૂળ અને કચરો AC ના એર ફિલ્ટર પર ઝડપથી જામી જાય છે. ફિલ્ટર ગંદુ થવાથી હવાનો પ્રવાહ અટકે છે, જેના કારણે રૂમને ઠંડો કરવા માટે AC ના ઇન્ડોર અને આઉટડોર યુનિટને વધુ મહેનત કરવી પડે છે. દર ૧૫ દિવસે AC નું ફ્રન્ટ પેનલ ખોલીને ફિલ્ટર જાતે જ પાણીથી સાફ કરી લેવું જોઈએ. સાફ ફિલ્ટરથી કૂલિંગ ઝડપી થાય છે અને વીજળીનો વપરાશ ઘટે છે.
૫. સ્લીપ મોડ અને ટાઈમરનો ઉપયોગ
રાત્રે સૂતી વખતે લોકો અતિશય ઠંડી લાગવા છતાં આળસમાં AC બંધ કરતા નથી. રાત્રે સૂતી વખતે AC માં ‘સ્લીપ મોડ’ (Sleep Mode) ચાલુ રાખવો જોઈએ. આ મોડમાં AC દર કલાકે ૧ ડિગ્રી તાપમાન મેળવીને આપોઆપ સેટ કરે છે, જેથી રાત્રે અતિશય ઠંડી પણ નથી લાગતી અને પાવર પણ બચે છે. જો સ્લીપ મોડ ન વાપરવો હોય, તો ૨ થી ૩ કલાકનું ‘ટાઈમર’ સેટ કરી દેવું, જેથી રૂમ ઠંડો થઈ ગયા પછી AC ઓટોમેટિક બંધ થઈ જાય.
આ નાની પણ અત્યંત ઉપયોગી ટિપ્સ અપનાવીને તમે ચોમાસાના અસહ્ય બફારા સામે આરામદાયક કૂલિંગ મેળવી શકશો અને તમારા વીજળીના બિલને પણ નિયંત્રણમાં રાખી શકશો.