ચીને બનાવ્યા નાના વિસ્તારોને તબાહ કરી શકે તેવા ‘મિની’ પરમાણુ બોમ્બ, અમેરિકાના રિપોર્ટમાં મોટો ખુલાસો
ચીનની વધતી જતી સૈન્ય તાકાત અને તેના પરમાણુ હથિયારોના જથ્થાને લઈને અમેરિકાએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. એક નવા અહેવાલ મુજબ, ચીને ખૂબ જ ઓછી ક્ષમતા ધરાવતા એવા પરમાણુ બોમ્બ તૈયાર કર્યા છે જે કોઈ મોટા શહેરને બદલે ચોક્કસ નાના વિસ્તારને નિશાન બનાવીને તેને સંપૂર્ણપણે નષ્ટ કરી શકે છે. અમેરિકાનો આરોપ છે કે ચીને શિનજિયાંગ પ્રાંતના લોપ નૂર વિસ્તારમાં ખૂબ જ ગુપ્ત રીતે આ પરમાણુ પરીક્ષણો કર્યા છે, જેનાથી વૈશ્વિક સ્તરે હથિયારોની સ્પર્ધા વધવાનું જોખમ ઉભું થયું છે.
હિરોશિમાના બોમ્બ કરતા 1500 ગણો નાનો વિસ્ફોટ
અમેરિકી અધિકારીઓના દાવા મુજબ, ચીને જૂન 2020માં લોપ નૂર ખાતે જમીનની નીચે એક પરમાણુ પરીક્ષણ કર્યું હતું, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.75 નોંધાઈ હતી. આ વિસ્ફોટની ક્ષમતા માત્ર 5 થી 10 ટન TNT જેટલી હોવાનું મનાય છે. સરખામણી કરીએ તો, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનના હિરોશિમા પર જે બોમ્બ ફેંકવામાં આવ્યો હતો તેની ક્ષમતા 15 કિલોટન હતી. એટલે કે, ચીનનું આ નવું હથિયાર હિરોશિમાના બોમ્બ કરતા લગભગ 1500 ગણું નાનું છે. જોકે, કદમાં નાનું હોવા છતાં આ હથિયાર અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે.
2030 સુધીમાં ચીન પાસે હશે 1000થી વધુ વોરહેડ્સ
જીનીવામાં નિઃશસ્ત્રીકરણ સંમેલન દરમિયાન અમેરિકાના સહાયક વિદેશ મંત્રી ક્રિસ્ટોફર યીવે જણાવ્યું કે, ચીન ખૂબ જ ઝડપથી પોતાની પરમાણુ ક્ષમતા વધારી રહ્યું છે. અમેરિકાનો અંદાજ છે કે 2030 સુધીમાં ચીન પાસે 1000 થી વધુ ન્યુક્લિયર વોરહેડ્સ તૈયાર થઈ જશે. આગામી 4 થી 5 વર્ષમાં ચીન પરમાણુ ક્ષમતાની દ્રષ્ટિએ વિશ્વના ટોચના દેશોની હરોળમાં આવી જશે. જોકે, ચીને આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને કહ્યું છે કે તેઓ કોઈ પણ દેશ સાથે પરમાણુ હથિયારોની રેસમાં સામેલ નથી.
નાના પરમાણુ વિસ્ફોટ કેટલા જોખમી?
વૈજ્ઞાનિક અભ્યાસો મુજબ, ‘લો-યીલ્ડ’ (ઓછી ક્ષમતાવાળા) પરમાણુ હથિયારો દેખાવમાં ભલે નાના હોય, પણ તેની અસર ભયાનક હોય છે.
- વિનાશક ક્ષમતા: માત્ર 1 ટનનો પરમાણુ વિસ્ફોટ 150 મીટર સુધીના વિસ્તારને રાખ કરી શકે છે.
- રેડિયેશનનું જોખમ: 1 કિલોટનનો વિસ્ફોટ 440 મીટરના અંતર સુધી ઘાતક રેડિયેશન ફેલાવે છે, જે માનવ શરીર માટે અત્યંત જોખમી છે.
- ચોક્કસ નિશાન: આવા નાના બોમ્બનો ઉપયોગ યુદ્ધના મેદાનમાં કોઈ ચોક્કસ સૈન્ય મથક કે બંકરને ઉડાવવા માટે થઈ શકે છે, જેનાથી આસપાસના મોટા વિસ્તારને ઓછું નુકસાન થાય પણ લક્ષ્યાંક સંપૂર્ણ નષ્ટ થઈ જાય.
વૈશ્વિક સંધિઓ પર તોળાતું જોખમ
અમેરિકા અને રશિયા વચ્ચેની ‘ન્યૂ સ્ટાર્ટ’ સંધિ ફેબ્રુઆરીમાં પૂરી થઈ ગઈ છે, જે પરમાણુ હથિયારોના નિયંત્રણ માટેની છેલ્લી મોટી સંધિ હતી. આ સંધિ હેઠળ બંને દેશોએ પોતાના વોરહેડ્સની સંખ્યા મર્યાદિત રાખી હતી. હવે જ્યારે ચીન જેવો દેશ આ રેસમાં કૂદ્યો છે અને કોઈ પણ નિયંત્રણ વગર હથિયારો બનાવી રહ્યો છે, ત્યારે વિશ્વમાં પરમાણુ યુદ્ધનો ખતરો પહેલા કરતા વધુ વધી ગયો છે.

