લખપતથી કોચી સુધીની ૬,૫૦૦ કિમી લાંબી CISF સાયકલોથોનનું માળીયા તાલુકામાં ઉર્જાભર્યું આગમન
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્વારા રાષ્ટ્રીય એકતા અને સુરક્ષિત દરિયાકાંઠાના સંદેશ સાથે આયોજિત “વંદે માતરમ કોસ્ટલ સાયકલોથોન-૨૦૨૬” નું મોરબી જિલ્લાના સરવડ ગામે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ‘સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત’ થીમ હેઠળ આયોજિત આ યાત્રામાં CISF ના જવાનો અને સાયકલવીરોનું ગ્રામજનોએ ઢોલ-નગારા અને પુષ્પવર્ષા સાથે અભિવાદન કર્યું હતું. આ યાત્રા દરિયાઈ સીમાની સુરક્ષા અને દેશની અખંડિતતા પ્રત્યે જાગૃતિ લાવવાનું પ્રશંસનીય કાર્ય કરી રહી છે.
CISF ના જવાનો દ્વારા શૌર્ય પ્રદર્શન
સરવડ ગામે આયોજિત કાર્યક્રમમાં CISF ના જવાનોએ પોતાની શારીરિક ક્ષમતા અને શિસ્તના અદભૂત કરતબો રજૂ કર્યા હતા. જેમાં સૂર્ય નમસ્કાર, કર્વ માગા (ઇઝરાયેલી માર્શલ આર્ટ), લાઠી દાવ અને પિરામિડ જેવા શૌર્યપૂર્ણ પ્રદર્શનોએ ઉપસ્થિત ગ્રામજનોમાં જોશ ભરી દીધો હતો. ‘ફિટ ઇન્ડિયા – ફિટ ફોર્સ’ ના મંત્ર સાથે જવાનોએ યુવાનોને શારીરિક તંદુરસ્તી અને દેશસેવા માટે પ્રેરાઈ તેવો જીવંત સંદેશ આપ્યો હતો.
નારી શક્તિ અને લાંબી મજલ
આ સાયકલોથોન કચ્છના ઐતિહાસિક લખપત કિલ્લાથી ૨૮ જાન્યુઆરીએ શરૂ થઈ હતી અને તે ૨૨ ફેબ્રુઆરીએ કેરળના કોચી ખાતે પૂર્ણ થશે. આશરે ૬,૫૦૦ કિલોમીટર લાંબી આ યાત્રાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ૫૦ ટકા જેટલી મહિલા સાયકલવીરો જોડાયેલી છે, જે ખરા અર્થમાં ‘નારી શક્તિ’ નું પ્રતીક છે. આ યાત્રાનો મુખ્ય હેતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા માછીમારો અને યુવાનોને રાષ્ટ્રીય સુરક્ષાના મહત્વથી માહિતગાર કરવાનો છે.
વહીવટી તંત્ર અને મહાનુભાવોની ઉપસ્થિતિ
આ ગરિમામય કાર્યક્રમમાં ડીઆઈજી ધનંજય નાયક, સિનિયર કમાન્ડન્ટ બી.સી. યાદવ અને મોરબી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. સ્થાનિક કલાકારો દ્વારા પ્રસ્તુત સાંસ્કૃતિક કાર્યક્રમોએ દેશભક્તિના વાતાવરણને વધુ પ્રગાઢ બનાવ્યું હતું. CISF ની આ પહેલ દરિયાઈ સુરક્ષા પ્રણાલીને મજબૂત કરવાની સાથે જનભાગીદારી વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.

