ક્રિકેટમાં મિડલ સ્ટમ્પની શરૂઆત કેવી રીતે થઈ? એક રસપ્રદ ઘટનાએ બદલી નાખી વિકેટની રચના
ક્રિકેટમાં જ્યારે કોઈ બોલ સીધો બેટ્સમેનના મિડલ સ્ટમ્પને ઉડાવી દે છે, ત્યારે કોમેન્ટ્રી બોક્સથી લઈને મેદાનમાં બેઠેલા ચાહકો સુધી ઉત્સાહ જોવા મળે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ક્રિકેટમાં મિડલ સ્ટમ્પ આવ્યો કેવી રીતે? આજે દરેક વિકેટમાં ઓફ, મિડલ અને લેગ એમ ત્રણ સ્ટમ્પ જોવા મળે છે, પરંતુ શરૂઆતના ક્રિકેટમાં માત્ર બે જ સ્ટમ્પનો ઉપયોગ થતો હતો. એક રસપ્રદ મેચ દરમિયાન બનેલી ઘટનાએ આ વ્યવસ્થામાં મોટો ફેરફાર લાવ્યો અને મિડલ સ્ટમ્પ ક્રિકેટનો અભિન્ન ભાગ બની ગયો.
ક્રિકેટનો ઉદ્ભવ 16મી સદીમાં થયો હોવાનું માનવામાં આવે છે. તે સમયની રમત અને આજની ક્રિકેટ વચ્ચે ઘણા તફાવત હતા. શરૂઆતમાં વિકેટમાં માત્ર બે સ્ટમ્પ લગાવવામાં આવતા હતા અને તેની ઉપર એક લાંબી બેલ મૂકવામાં આવતી હતી. બે સ્ટમ્પ વચ્ચેની જગ્યા મોટી હોવાથી બોલ ઘણીવાર તેમની વચ્ચેથી પસાર થઈ જતો હતો. આવી સ્થિતિમાં બેલ પડતી નહોતી અને બેટ્સમેનને આઉટ જાહેર કરી શકાયો નહોતો. આ સમસ્યાથી બોલરો પરેશાન હતા. આખરે 18મી સદીમાં આ મુશ્કેલી દૂર કરવા માટે ત્રીજો સ્ટમ્પ ઉમેરવાનો વિચાર આવ્યો.

1775ની એક મેચે બદલી નાખી ક્રિકેટની વિકેટ
મિડલ સ્ટમ્પની શરૂઆત પાછળ મે 1775માં લંડનના આર્ટિલરી ગ્રાઉન્ડ પર રમાયેલી એક મેચનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ મેચ હેમ્બલ્ડન ક્લબ અને કેન્ટની ટીમ વચ્ચે રમાઈ હતી. તેમાં તે સમયના જાણીતા બોલર એડવર્ડ સ્ટીવન્સ સામે જાણીતા બેટ્સમેન જ્હોન સ્મોલ બેટિંગ કરી રહ્યા હતા.
મેચ દરમિયાન સ્ટીવન્સે સ્મોલને સતત ત્રણ એવા બોલ ફેંક્યા, જે બેટને સંપૂર્ણપણે થાપ આપીને બે સ્ટમ્પની વચ્ચેથી પસાર થઈ ગયા. તેમ છતાં બેલ્સ નીચે પડી નહીં. પરિણામે, તે સમયના નિયમો પ્રમાણે સ્મોલ આઉટ થયા નહીં. આ ઘટનાએ બોલરોમાં અસંતોષ ઊભો કર્યો. તેમની દલીલ હતી કે બોલ સ્ટમ્પની વચ્ચેથી પસાર થાય છતાં બેટ્સમેનને આઉટ ન ગણવો એ રમતની દૃષ્ટિએ યોગ્ય નથી.
આ ચર્ચા બાદ વિકેટની વચ્ચે ત્રીજો સ્ટમ્પ ઉમેરવાનો વિચાર આગળ આવ્યો. શરૂઆતમાં ત્રીજા સ્ટમ્પનો ઉપયોગ ફરજિયાત નહોતો, પરંતુ ધીમે ધીમે ત્રણ સ્ટમ્પવાળી વિકેટ સ્વીકારવામાં આવી. 6 સપ્ટેમ્બર, 1776ના રોજ લેલેહામ બરવે ખાતે ચર્ટસી અને કૌલ્સડન વચ્ચે રમાયેલી મેચમાં ત્રણ સ્ટમ્પનો ઉપયોગ થયો હોવાનો પ્રથમ નોંધાયેલ કિસ્સો જોવા મળે છે. આ રીતે મિડલ સ્ટમ્પે ક્રિકેટમાં સ્થાન મેળવ્યું.
સમય સાથે બદલાતાં રહ્યાં સ્ટમ્પનાં માપ
મિડલ સ્ટમ્પ ઉમેરાયા પછી પણ ક્રિકેટની વિકેટની રચનામાં ફેરફારો ચાલુ રહ્યા. શરૂઆતના સમયમાં સ્ટમ્પની ઊંચાઈ અને પહોળાઈ આજની સરખામણીએ અલગ હતી. 1744ના નિયમો અનુસાર, બે સ્ટમ્પવાળી વિકેટની ઊંચાઈ 22 ઇંચ હતી અને બેલની લંબાઈ 6 ઇંચ હતી. ત્યારબાદ 1798માં વિકેટની ઊંચાઈ વધારીને 24 ઇંચ અને પહોળાઈ 7 ઇંચ કરવામાં આવી હતી. આ સમયગાળામાં બે બેલ્સનો ઉપયોગ પણ પ્રમાણભૂત બનવા લાગ્યો.
1819માં સ્ટમ્પની ઊંચાઈ 26 ઇંચ અને પહોળાઈ 7 ઇંચ નક્કી કરવામાં આવી હતી. ત્યારબાદ 1823 સુધીમાં તેમાં ફરી ફેરફાર કરીને ઊંચાઈ 27 ઇંચ અને પહોળાઈ 8 ઇંચ કરવામાં આવી. અંતે આધુનિક ક્રિકેટમાં વિકેટનું પ્રમાણભૂત માપ 28 ઇંચ ઊંચાઈ અને 9 ઇંચ પહોળાઈ નક્કી થયું. MCCના નિયમો અનુસાર, વિકેટ પર બે બેલ્સ મૂકવામાં આવે છે અને દરેક બેલની લંબાઈ 4.31 ઇંચ હોય છે. આ માપદંડો 1931માં વિકલ્પ તરીકે રજૂ થયા હતા અને 1947થી ફરજિયાત બન્યા હતા.

લાકડાના સ્ટમ્પથી LED ટેક્નોલોજી સુધીની સફર
પરંપરાગત રીતે ક્રિકેટના સ્ટમ્પ લાકડામાંથી બનાવવામાં આવતા હતા. તેમના નીચેના છેડા અણીદાર હોય છે, જેથી તેમને પીચમાં ખોડી શકાય. ઉપરના ભાગમાં ખાંચા હોય છે, જેમાં બે બેલ્સ ગોઠવવામાં આવે છે. જોકે, 21મી સદીમાં ટેક્નોલોજીના વિકાસ સાથે સ્ટમ્પની રચનામાં પણ નવો અધ્યાય શરૂ થયો.
આધુનિક વ્હાઇટ-બોલ ક્રિકેટમાં LED સ્ટમ્પ અને બેલ્સનો ઉપયોગ જોવા મળે છે. તેમાં સેન્સર અને લાઇટ લગાવવામાં આવે છે. બેલ્સ સ્ટમ્પ પરથી અલગ થતાં જ લાઇટ ઝળહળી ઊઠે છે. તેનાથી રનઆઉટ અને સ્ટમ્પિંગ જેવી પરિસ્થિતિઓમાં નિર્ણય વધુ સ્પષ્ટ બનાવવામાં મદદ મળે છે. આ ટેક્નોલોજીનો સૌપ્રથમ ઉપયોગ 2013માં ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ દરમિયાન થયો હતો. ત્યારબાદ 2014ના T20 વર્લ્ડ કપમાં ICCની ટુર્નામેન્ટમાં તેનો પ્રથમ ઉપયોગ થયો હતો.
