મેળામાં તાત્કાલિક સારવાર અને રોગચાળો નિવારણ માટે છ દિવસની વિશેષ વ્યવસ્થા
ડાંગ જિલ્લાના પરંપરાગત ઉત્સવ ‘ડાંગ દરબાર’ના મેળામાં ઉમટી પડતી લાખોની મેદનીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર શાલિની દુહાનના માર્ગદર્શન હેઠળ મેડિકલ ચેકઅપ અને ફર્સ્ટ એઇડ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા મેળામાં આવતા દર્દીઓને કોઈપણ સમયે તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી રહે તે માટે જુદા જુદા સ્થળોએ આરોગ્ય કર્મીઓની ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી છે.
૨૫થી વધુ ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ છ દિવસ સુધી ખડેપગે રહેશે
આરોગ્ય સેવાઓને સુદ્રઢ બનાવવા માટે આહવાના સિવિલ સર્જન અને જિલ્લા આરોગ્ય અધિકારીના નેતૃત્વમાં ૨૫થી વધુ ડોક્ટરો અને સહાયક સ્ટાફને ફરજ સોંપવામાં આવી છે. ડાંગ પ્રદર્શન સ્ટોલ, રંગ ઉપવન મેદાન અને સાપુતારા નાકા જેવા મુખ્ય સ્થળો પર આ ટીમો કુલ છ દિવસ સુધી સતત કાર્યરત રહેશે. આ ટીમો માત્ર દવાઓ જ નહીં આપે, પરંતુ જરૂર જણાયે દર્દીઓને યોગ્ય માર્ગદર્શન અને રોગચાળાને અટકાવવા માટે જરૂરી તપાસ પણ કરશે.
પીવાના પાણીનું ક્લોરિનેશન અને રોગચાળા સામે સાવચેતીના પગલાં
મેળા દરમિયાન પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આહવા ટાઉનમાં આવેલા તમામ કુવાઓનું દરરોજ નિયમિત ક્લોરિનેશન કરવામાં આવશે. ક્લોરિનેશન કરતા પહેલા અને પછી તેના જરૂરી ટેસ્ટ કરીને રિપોર્ટ તૈયાર કરવા માટે કર્મચારીઓને સૂચના અપાઈ છે. આ પ્રક્રિયા દ્વારા પ્રવાસીઓ અને સ્થાનિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે.
ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા પર તંત્રની કડક નજર
ડાંગ દરબારના મેળામાં ખાણી-પીણીના સ્ટોલ્સ પર વેચાતી સામગ્રીની સ્વચ્છતા બાબતે પણ તંત્ર સાબદું થયું છે. ખાદ્ય પદાર્થો હાઈજેનિક રીતે બનાવવામાં આવે અને તેમાં સેનિટેશનના નિયમોનું પાલન થાય તે માટે નિયમિત તપાસ કરવામાં આવશે. પ્રવાસીઓના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે માટે ખાદ્ય સામગ્રીની ચકાસણીની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે સંબંધિત અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે.

