Dang: ડાંગ જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે પીવાના પાણી સહીત સિંચાઈ માટે ખેડૂતોની કકળાટ વચ્ચે દમણગંગા વેર -2 વિભાગ દ્વારા આહવા તાલુકા ખાપરી નદી પર ચેઇન સિસ્ટમથી નિર્માણ થઈ રહેલ ચેકડેમોમાં ધારાધોરણ વિના તકલાદી મટીરીયલ્સ વાપરવામાં આવતું હોવાની સ્થાનિકોમાં ફરિયાદ ઉઠી રહી છે.
મળતી માહિતી મુજબ ગુજરાતનું ચેરાપુંજી ગણાતું ડાંગ જિલ્લા માં સૌથી વધુ વરસાદ ખાબકે છે,
પરંતુ તેને યોગ્ય આયોજન કે ગુણવતા યુક્ત બાંધકામ ન કરવાને કારણે આજદિન સુધી કરોડ઼ોં રૂપિયાનો આંધણ કરવા છતાં પાણી સંગ્રહ કરી શક્યા નથી. ગત વર્ષે દમણગંગા અને વેર – જળ સંપત્તિ વિભાગ દ્વારા ત્રણેય નદીઓ પર કરોડો રૂપિયાના ખર્ચે ચેકડેમો નિર્માણ કર્યા હતા,જેમાં મોટાભાગના ચેકડેમો લીકેજ અથવા વ્યાપક ધોવાણ થતા બિનઉપયોગી બનતા સરકારી કરોડો રૂપિયા પાણી માં ગયા હોવાનો અહેસાસ આદિવાસી ખેડૂતો કરી રહ્યા છે,તેવીજ પરિયોજનાનું પુનરાવર્તન હાલ આહવા તાલુકાના ગાયખાસ, ટાંકલીપાડા, ગોળષ્ટ,અને સતિ ગામે ખાપરી નદી ના કેચમેન્ટ એરિયામાં કરોડો રૂપિયાના ખર્ચે ચેકડેમ નિર્માણમાં ઇજારદાર દ્વારા નિમ્ન કક્ષાનું મટીરીયલ્સ વાપરી વ્યાપક ગેરરીતિઓ આચરતા હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે.હાલ ગાયખાસ અને ટાંકલીપાડા ખાતે કરોડો ના ખર્ચે બની રહેલા ચેકડેમોની સુપરવિઝન માટે સરકારી ઇજનેરો પણ ધોમધખતા તડકામાં વિઝીટ લેવાના બદલે પોતાની એરકંડીશન ઓફિસ માંથી જ઼ સુપરવિઝન કરતા ઇજારદારને ગેરરિતી આચરવા મોકળું મેદાન મળી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સ્થાનિકોની ફરિયાદ ના પગલે રૂબરૂ સ્થળ મુલાકાત લેતા ચેકડેમ ઇજારદાર દ્વારા માસ્ક કોન્ક્રીટ માં રેતી ને બદલે કપચી ની ગ્રીડ અને ડસ્ટ નો બેફામ ઉપયોગ કરતો હોવાની ચોંકાવનારી વિગતો જોવા મળી હતી , જેમાં કપચી ની ગ્રીડ અને ડસ્ટ નો ઉપયોગ કરી ઓછી સિમેન્ટ વાપરી ચેકડેમના પાયો જ નબળો રહી જતા ચેકડેમ પ્રથમ વરસાદમાં જ લીકેજ થઈ જવા કે ધોવાણ થયાના કિસ્સા વધુ જોવા મળે છે, ત્યારબાદ દર વર્ષે ચેકડેમ રીપેર ના નામે લાખ્ખોના બીલો મૂકી ભ્રસ્ટાચાર ની ગંગોત્રી વહેતી હોય છે. ગતવર્ષે પણ દમણગંગા વેર -2 વિભાગ દ્વારા પાંડવા, ચોંક્યા,ગલકુંડ, વિહિરઆંબા, અને ટાંકલીપાડા વિસ્તારોમાં ચેકડેમ મરામત અને નવા નિર્માણ કરાયા હતા. તેમાં પણ પાણી નો સંગ્રહ થવાને બદલે લીકેજ થઈ જતા દમણ ગંગા અને વેર -2 વિભાગ ના ઇજનેરો નો ટેક્નિકલ જ્ઞાન સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. તેવા સંજોગોમાં હાલ કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ થતા ચેકડેમોની ગુણવતા જાળવવા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હસ્તક્ષેપ કરી સારા અને ટકાઉ ચેકડેમ બને તેવી તકેદારી ઉઠાવે તે જરૂરી બન્યું છે.અત્રે ઉલ્કેખનીય છે કે હાલ લોકસભાની ચૂંટણી હોય તંત્ર આદર્શ ચૂંટણી આચારસંહિતા ની ગુલબાંગો હાંકે છે.
જયારે વાસ્તિવિક જોતા ટાંકલીપાડા ગામે આચારસંહિતા બાદ ચેક્ડર્મ નો વિકાસ કઇ પાર્ટી ના પ્રચાર માટે કરાઈ રહ્યો છે
તે તપાસનો વિષય બન્યો છે. તેમજ કેટલાક ચેકડેમોની તાપી ભાજપના અગ્રણીએ કોન્ટ્રાકટ લીધો હોવાનું અને તેના દ્વારા બાંધકામમાં ગેરરીતિઓ કરવા છતાં અધિકારીઓ તેની સામે પગલાં લેવાનું ટાળતાં હોવાથી ચેકડેમ બાંધકામમાં ગેરરીતિઓ બેફામ બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે કારણ ભલે જે કઈ પણ હોય પરંતુ હાલ અત્યંત જરૂરિયાત પાણીની તંગી માંથી બહાર આવવું હોય તો પાણીના સંગ્રહ માટે ગુણવત્તા યુક્ત ચેકડેમ બને તે અનિવાર્ય બાબત છે. ત્યારે ડાંગ જિલ્લામાં દમણગંગા અને વેર -2વિભાગ દ્વારા નિર્માણ થતા ચેકડેમોની ગુણવત્તાની ચકાશણી કરી કસુરવારો સને શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.