- પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરીને નાગરીકો લોકશાહીના મહાપર્વમાં ભાગીદારી નોંધાવે તે માટે રેલી દ્વારા લોકોને જાગૃત કરાયા
Dang: લોકસભાની સામાન્ય ચૂંટણી, ૨૦૨૪ અંતર્ગત, ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ, સ્વિપ પ્રવૃતિ અંતર્ગત મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરાવામાં આવ્યું હતુ.
ડાંગના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ ખાંટ તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી વ પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલિયાએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી લીલીં ઝંડી આપી આ રેલીને પ્રસ્થાન કરાવી હતી.
લોકશાહીના આ મહાપર્વમાં મતદાન થકી ડાંગ જિલ્લાના તમામ મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે.
તેમજ લોકશાહીમાં તેઓની ભાગીદારી સુનિશ્ચિત થાય તે માટે, ડાંગ જિલ્લાના તમામ અધિકારી/કર્મચારીઓ, શિક્ષકો, પોલીસકર્મીઓ, વનકર્મીઓ, આરોગ્યકર્મીઓ તેમજ જુદાં જુદાં વિભાગના કર્મચારીઓએ, રેલીમાં જોડાઇને મતદાન માટે નાગરીકોને આહવાન કર્યું હતુ.
જિલ્લા કલેક્ટર કચેરીથી શરૂ થયેલી આ જનજાગૃતિ રેલી, આહવાના ફુવારા સર્કલથી તાલુકા શાળા ખાતે પુર્ણ કરવામાં આવી હતી.જ્યાં તમામ અધિકારી/કર્મચારીઓ દ્વારા, મતદાન અંગેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. જેના શબ્દો છે ; “અમે, ભારતના નાગરીકો, લોકશાહીમાં સંપુર્ણ વિશ્વાસ રાખીને પ્રતિજ્ઞા લઇએ છીએ કે અમે, આપણાં દેશની લોકતાંત્રિક પ્રક્રિયાઓની મર્યાદા જાળવીશું, અને સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરીમાને જાળવીને, નિર્ભયતાથી ધર્મ, વર્ગ, જાતિ, સમાજ, ભાષા અથવા અન્ય પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય, દરેક ચૂંટણીમાં અમારા મતાધિકારનો ઉપયોગ કરીશું.”