પગારદાર વર્ગ માટે મોટી માહિતી: શું મોંઘવારી ભથ્થા પર પણ ચૂકવવો પડે છે ટેક્સ? અહીં છે તમારા દરેક પ્રશ્નનો જવાબ
વધતી જતી મોંઘવારી વચ્ચે સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકો માટે તેમનો માસિક પગાર અને ભથ્થાં હંમેશા ચર્ચાના કેન્દ્રમાં રહે છે. ખાસ કરીને જ્યારે પગાર વધારા કે ટેક્સ આયોજનની વાત આવે, ત્યારે ‘મોંઘવારી ભથ્થું’ એટલે કે ડિયરનેસ એલાઉન્સ (DA) સૌથી મહત્વનો ઘટક બની જાય છે. દેશના લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ આ ભથ્થાનો લાભ મેળવે છે, પરંતુ હજુ પણ ઘણા કરદાતાઓમાં તેના ટેક્સેશન અને આઈટીઆર (ITR) ફાઈલિંગને લઈને અસ્પષ્ટતા પ્રવર્તે છે. હાલમાં સંરક્ષણ કર્મચારીઓ સહિત આશરે ૫૦ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૫ લાખથી વધુ નિવૃત્ત પેન્શનધારકોને વિવિધ ૧૮ સ્તરો (Levels) પર આનો સીધો લાભ મળી રહ્યો છે.
દેશમાં જીવનનિર્વાહનો ખર્ચ સતત વધી રહ્યો છે. સરકારી આંકડાઓ પર નજર કરીએ તો, તાજેતરમાં એપ્રિલ મહિનામાં છૂટક ફુગાવો (Retail Inflation) વધીને ૩.૪૮ ટકા અને ખાદ્ય ફુગાવો (Food Inflation) ૪.૨૦ ટકાની સપાટીએ પહોંચી ગયો હતો. રોજિંદા જીવનમાં વપરાતી આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી તેમજ સીએનજી, પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણના ભાવવધારાથી મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોના બજેટ પર ભારે દબાણ આવી રહ્યું છે. આવા સમયે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થું (DA) એક મોટા આર્થિક ટેકારૂપ સાબિત થાય છે. ચાલો સરળ પ્રશ્નોત્તરી દ્વારા સમજીએ કે આ ભથ્થાનું માળખું અને ટેક્સના નિયમો શું કહે છે.
૧. મોંઘવારી ભથ્થું (DA) એટલે શું અને તેની ગણતરી કેવી રીતે થાય છે?
મોંઘવારી ભથ્થું એ કેન્દ્રીય અને જાહેર ક્ષેત્રના કર્મચારીઓના પગારનો એક અનિવાર્ય હિસ્સો છે, જે વધતી જતી મોંઘવારીની અસરોને સરભર કરવા માટે આપવામાં આવે છે. ૭મા પગાર પંચ (7th CPC) હેઠળ, ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI) ના ૧2 મહિનાના સરેરાશ ફુગાવાના ડેટાને આધારે વર્ષમાં બે વાર આ ભથ્થાની ગણતરી થાય છે. સામાન્ય રીતે માર્ચ અને ઓક્ટોબરમાં ડેટાનું વિશ્લેષણ કરીને દર છ મહિને તેમાં સુધારો જાહેર કરવામાં આવે છે, જે જાન્યુઆરી અને જુલાઈથી પૂર્વવર્તી અસરે લાગુ કરવામાં આવે છે.
૨. હાલમાં કર્મચારીઓને કેટલું મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે?
વર્ષ ૨૦૨૧ થી અત્યાર સુધીમાં ૭મા પગાર પંચ હેઠળ કુલ ૧૦ વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં જુલાઈ ૨૦૨૧ માં સૌથી મોટો ૧૧ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. અગાઉ, જાન્યુઆરી અને જુલાઈ ૨૦૨૫ દરમિયાન અનુક્રમે ૨ ટકા અને ૩ ટકાનો વધારો કરાયો હતો. જ્યારે તાજેતરમાં એપ્રિલ મહિનામાં કરાયેલા ૨ ટકાના નવા વધારા સાથે હવે કર્મચારીઓનું કુલ મોંઘવારી ભથ્થું તેમના મૂળ પગાર (Basic Salary) ના ૬૦ ટકાના સ્તરે પહોંચી ગયું છે. આ ભથ્થું કર્મચારીના કંપની ખર્ચ (CTC) નો ભાગ હોવાથી દર મહિને નિયમિત પગાર સાથે જમા થાય છે.
૩. શું મોંઘવારી ભથ્થા (DA) પર પણ ઇન્કમ ટેક્સ ચૂકવવો પડે છે?
હા, આ બાબતે કરદાતાઓએ ખાસ સાવધ રહેવાની જરૂર છે. આવકવેરાના નિયમો અનુસાર, સરકારી કર્મચારીઓ કે પેન્શનર્સને મળતું મોંઘવારી ભથ્થું સંપૂર્ણપણે કરપાત્ર (Fully Taxable) છે. કર્મચારી જે તે નાણાકીય વર્ષમાં જે આવકવેરાના સ્લેબ (Tax Slab) હેઠળ આવતો હોય, તે મુજબ આ ભથ્થાની રકમ પર ટેક્સ વસૂલવામાં આવે છે. આથી જ, જ્યારે તમે તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરો, ત્યારે નિયમો મુજબ કુલ સેલરીના ભાગ રૂપે DA ની રકમને અલગથી અને સ્પષ્ટપણે જાહેર કરવી કાયદાકીય રીતે ફરજિયાત છે.
૪. શું આગામી જુલાઈ મહિનામાં ફરી ભથ્થું વધી શકે છે?
જો કે આ અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કે નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ બજારના સમીકરણો અલગ સંકેત આપી રહ્યા છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ઊંચા ભાવો, આંતરરાષ્ટ્રીય સ્તરે વધતો પરિવહન ખર્ચ અને સ્થાનિક બજારમાં ખાદ્યપદાર્થોના અસ્થિર ભાવોને કારણે ફુગાવાનું દબાણ યથાવત છે. આ સ્થિતિને જોતા કર્મચારી સંગઠનો અને પેન્શનર્સ આ વર્ષે જુલાઈ મહિનામાં પણ મોંઘવારી ભથ્થામાં વધુ એક આકર્ષક વધારાની આશા રાખી રહ્યા છે.
૫. દેશમાં ૮મા પગાર પંચની શું સ્થિતિ છે અને તેની ભૂમિકા શું છે?
સરકારી કર્મચારીઓના પગાર, ભથ્થાં, પેન્શન અને નિવૃત્તિ પછીના લાભોની સમીક્ષા કરવા અને તેમાં સમયાનુકૂળ સુધારો કરવા માટે દેશમાં દર ૧૦ વર્ષે સેન્ટ્રલ પે કમિશન (CPC) એટલે કે પગાર પંચની રચના કરવામાં આવે છે. આ સમિતિ વિવિધ કર્મચારી સંગઠનો, મંત્રાલયો અને પેન્શન સંસ્થાઓ પાસેથી સૂચનો મેળવીને ડેટાના આધારે ભલામણો તૈયાર કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી ૨૦૨૫ માં દેશના આઠમા પગાર પંચની સત્તાવાર રચના કરી હતી અને તેના સંદર્ભ નિયમો (ToR) નવેમ્બર ૨૦2૫ માં જારી કરાયા હતા. આ મહત્વપૂર્ણ પંચના અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ સેવા આપી રહ્યા છે, જ્યારે સભ્યોમાં પીએમની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય પ્રોફેસર પુલક ઘોષ અને સભ્ય-સચિવ તરીકે ભૂતપૂર્વ આઈએએસ (IAS) અધિકારી પંકજ જૈનનો સમાવેશ થાય છે. આ પંચની ભલામણો આગામી સમયમાં લાખો કર્મચારીઓનું આર્થિક ભવિષ્ય નક્કી કરશે.