દિલ્હીથી દહેરાદૂન માત્ર અઢી કલાકમાં! PM મોદીએ 12 હજાર કરોડના ઈકોનોમિક કોરિડોરનું કર્યું ઉદ્ઘાટન
ઉત્તરાખંડ અને ઉત્તર ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે 213 કિમી લાંબા દિલ્હી-દહેરાદૂન ઈકોનોમિક કોરિડોરનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ એક્સપ્રેસ-વે શરૂ થવાથી હવે દિલ્હી અને દહેરાદૂન વચ્ચેનું અંતર જે કાપતા પહેલા 6 કલાક લાગતા હતા, તે હવે ઘટીને માત્ર અઢી કલાક થઈ જશે. આ પ્રોજેક્ટ માત્ર મુસાફરીનો સમય જ નહીં બચાવે, પરંતુ પર્યટન અને આર્થિક વિકાસના નવા દ્વાર પણ ખોલશે.
મા ડાટ કાલીના આશીર્વાદ અને પરિયોજનાનું નિરીક્ષણ
એક્સપ્રેસ-વેના ઉદ્ઘાટન પૂર્વે વડાપ્રધાન મોદીએ દહેરાદૂન સ્થિત સુપ્રસિદ્ધ ‘જઈ મા ડાટ કાલી’ મંદિરમાં પૂજા-અર્ચના કરી આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ તેમણે સહારનપુર પાસે એક્સપ્રેસ-વેના એલિવેટેડ સેક્શન પર બનેલા વાઇલ્ડલાઇફ કોરિડોરનું નિરીક્ષણ કર્યું હતું. આ અવસરે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
12,000 કરોડનો ખર્ચ અને હાઈ-ટેક સુવિધાઓ
આ છ-લેનનો કોરિડોર આશરે 12,000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. તેની વિશેષતાઓ તેને અન્ય એક્સપ્રેસ-વેથી અલગ પાડે છે:
હાઈ-સ્પીડ કનેક્ટિવિટી: આ કોરિડોરમાં 10 ઈન્ટરચેન્જ, 3 રેલવે ઓવર બ્રિજ અને 12 થી વધુ વે-સાઈડ સુવિધાઓ છે.
એડવાન્સ્ડ મેનેજમેન્ટ: મુસાફરોની સુરક્ષા માટે એડવાન્સ્ડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (ATMS) લગાડવામાં આવી છે, જે રીઅલ-ટાઇમ મોનિટરિંગમાં મદદ કરશે.
ત્રણ રાજ્યોનો સંગમ: આ કોરિડોર દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ એમ ત્રણેય રાજ્યોના મહત્વના શહેરોને સીધો જોડશે.
પર્યાવરણ અને વન્યજીવોનું ખાસ ધ્યાન: એશિયાનો સૌથી લાંબો કોરિડોર
આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત તેનું ઈકો-ફ્રેન્ડલી ડિઝાઇન છે. વન્યજીવો અને માનવો વચ્ચેનો સંઘર્ષ ટાળવા માટે અહીં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે:
વન્યજીવ એલિવેટેડ કોરિડોર: અહીં 12 કિમી લાંબો એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવ્યો છે, જે એશિયાના સૌથી લાંબા કોરિડોરમાંનો એક છે. તેની નીચેથી વન્યજીવો મુક્તપણે અવરજવર કરી શકશે.
એનિમલ પાસ અને ટનલ: હાથીઓ માટે 200 મીટર લાંબા બે અન્ડરપાસ અને ડાટ કાલી મંદિર પાસે 370 મીટર લાંબી ખાસ સુરંગ તૈયાર કરવામાં આવી છે. આનાથી પર્યાવરણ અને વિકાસ વચ્ચે સંતુલન જળવાઈ રહેશે.
આર્થિક વિકાસ અને પર્યટનને મળશે વેગ
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ પ્રોજેક્ટ વિશે જણાવ્યું હતું કે, આ એક્સપ્રેસ-વે ઉત્તરાખંડના આર્થિક અને સામાજિક વિકાસ માટે ‘લાઈફલાઈન’ સાબિત થશે. તેનાથી રોજગારીની નવી તકો ઉભી થશે અને ચારધામ યાત્રા તેમજ અન્ય પર્યટન સ્થળો પર પહોંચવું ખૂબ જ સરળ બની જશે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી જેઓ આ પ્રસંગે ભાવુક દેખાતા હતા, તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટ ઉત્તરાખંડના વિકાસમાં માઈલસ્ટોન સમાન છે. તેમણે આજનો દિવસ એટલા માટે પણ ખાસ ગણાવ્યો કારણ કે આજે બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ છે, અને આ દિવસે વંચિતોને મુખ્યધારામાં જોડતા વિકાસકાર્યોનું ઉદ્ઘાટન એ સાચી શ્રદ્ધાંજલિ છે.

