દાહોદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી પંચમહાલ રેન્જના અધિક પોલીસ મહાનિદેશક મનોજ શશીધર તરફથી દાહોદ જિલ્લામાં મધ્યપ્રદેશ તરફથી ગેરકાયદે હથિયારોની હેરાફેરી થવાની શકયતાઓ ધ્યાને લઇ દાહોદ પોલીસ અધીક્ષક હિતેશ જોયસરને વ્યૂહાત્મક વાહન ચેકિંગ કરવા સારું તથા એ.ટી.એસ. ચાર્ટર લગતી કામગીરી કરવા સારું સૂચના આપી હતી.
જિલ્લા પોલીસ તથા એસ.ઓ.જી. શાખાને મળેલી સીધી સૂચના મુજબ ગેરકાયદે હથિયારોની હેરફેરીના રૂટ તથા એમ.પી. સરહદને અડીને આવેલ ગામડાના રસ્તાઓ ઉપર સરપ્રાઇઝ ચેકિંગ રાખવા તેમજ બાતમીદારો રોકી આવા કેસ શોધી કાઢવા સૂચના આપી હતી.
દરમ્યાન કતવારા પો.સ્ટે. વિસ્તારના આગાવાડા-ગુલબાર ચોકડી રોડ ઉપર અંગત બાતમી રાહે એક નંબર વગરની મોટર સાઇકલ સાથે મધ્યપ્રદેશના મનાવરના પ્રહ્લાદસિંહ ગુલઝારસિંહ ચીખલીગર (ભાટિયા) તથા કાલસિંગ તારાસિંગ ચીખલીગર (બાવરી) નામે બે યુવકો પાસેથી રૂ.પ૦,૦૦૦ની કિંમતની દેશી હાથ બનાવટની પિસ્ટલ ૬ તથા જીવંત કારતૂસ ર૦ અને નંબર વગરની પેશન-પ્રો મોટર સાઇકલ મળી રૂ.૯ર૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ બાબતે કતવારા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.