El Mencho કરોડની સંપત્તિ અને ખૂની સામ્રાજ્ય: ડ્રગ લોર્ડ ‘એલ મેન્ચો’ ના રહસ્યમયી પરિવારની કહાની

2 Min Read

El Mencho મેક્સિકોના સૌથી ભયાનક ડ્રગ કાર્ટેલ ‘જાલિસ્કો ન્યૂ જનરેશન’ (CJNG) ના નેતા એલ મેન્ચોના મોતના સમાચાર સાથે જ તેની અઢળક સંપત્તિ અને તેના પરિવાર વિશેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. નેમેસિયો રુબેન ઓસેગુએરા સર્વાન્ટેસ એટલે કે ‘એલ મેન્ચો’ માત્ર એક ગેંગસ્ટર જ નહીં, પણ ગુનાખોરીની દુનિયાનો એક મોટો બિઝનેસમેન ગણાતો હતો. અમેરિકાની ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન (DEA) ના અંદાજ મુજબ, અલ મેન્ચોની વ્યક્તિગત નેટવર્થ 500 મિલિયન ડોલર (આશરે ₹4,100 કરોડ) થી લઈને 1 બિલિયન ડોલર (₹8,200 કરોડથી વધુ) ની વચ્ચે હોઈ શકે છે. જો કે, તેના આખા કાર્ટેલ CJNG ની કુલ મિલકત તો અબજો ડોલરમાં હોવાનું મનાય છે.

અલ મેન્ચોની આ અઢળક કમાણી પાછળ અમેરિકામાં કોકેઈન, ફેન્ટાનાઈલ અને મેથામ્ફેટામાઈન જેવા જીવલેણ ડ્રગ્સની સપ્લાયનો મોટો હાથ હતો. તેનું નેટવર્ક એટલું મજબૂત હતું કે તે સિનાલોઆ કાર્ટેલ જેવા જૂના અને સ્થાપિત ગુનાહિત સંગઠનોને પણ ટક્કર આપતું હતું. ગુનાખોરી દ્વારા મેળવેલા આ નાણાંનો ઉપયોગ તે આધુનિક હથિયારો ખરીદવા અને પોતાના લડવૈયાઓની ખાનગી સેના બનાવવા માટે કરતો હતો, જેના કારણે મેક્સિકોની સરકાર માટે તેને પકડવો વર્ષો સુધી લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું.

પરિવારની વાત કરીએ તો, એલ મેન્ચોની પત્ની રોસાલિન્ડા ગોન્ઝાલેઝ વેલેન્સિયા પોતે પણ એક શક્તિશાળી ગુનાહિત પરિવારમાંથી આવે છે અને તે તેના કાર્ટેલના નાણાકીય વ્યવહારો સંભાળતી હોવાનું મનાય છે. તેના બાળકો પણ પિતાના આ કાળા સામ્રાજ્યમાં સક્રિય રહ્યા છે. તેનો પુત્ર ‘એલ મેન્ચિટો’ હાલમાં અમેરિકાની જેલમાં સજા કાપી રહ્યો છે, જ્યારે તેની પુત્રી જેસિકા જોહાના ઓસેગુએરા પણ ડ્રગ્સ અને મની લોન્ડરિંગના કેસમાં સંડોવાયેલી રહી છે. અલ મેન્ચોના પરિવારે આ સામ્રાજ્યને લોહીની નદીઓ વહાવીને ઊભું કર્યું હતું.

- Advertisement -

એલ મેન્ચોના મોત પછી હવે તેના અબજો ડોલરના સામ્રાજ્યનું શું થશે, તે મોટો સવાલ છે. ડ્રગ્સના વેપાર દ્વારા મેળવેલી આ ગેરકાયદે સંપત્તિ ઘણીવાર બેનામી પ્રોપર્ટીઝ, શેલ કંપનીઓ અને મોંઘા લક્ઝરી ફાર્મહાઉસમાં વહેંચાયેલી હોય છે. હવે મેક્સિકો અને અમેરિકાની એજન્સીઓ આ આખા નાણાકીય માળખાને તોડી પાડવા માટે તપાસ તેજ કરશે. એક સામાન્ય પોલીસ ઓફિસરથી શરૂ કરીને દુનિયાનો મોટો ડ્રગ માફિયા બનનાર એલ મેન્ચોનો અંત આવ્યો છે, પણ તેની પાછળ તે હિંસા અને અઢળક કાળા નાણાંનો મોટો વારસો છોડી ગયો છે.

Share This Article