યુદ્ધથી તેહરાનની સત્તા નહીં હલે: તુર્કીએ દુનિયાને સમજાવી ઈરાનની અસલી તાકાત
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે તુર્કીએ ઈરાન અંગે એક સ્પષ્ટ અને કડક સંદેશ આપ્યો છે. તુર્કીના વિદેશ મંત્રી હકાન ફિદાનનું કહેવું છે કે યુદ્ધ, એરસ્ટ્રાઈક અથવા બાહ્ય દબાણથી ઈરાનમાં સત્તા પરિવર્તન શક્ય નથી. તેમણે ચેતવણી આપતા કહ્યું કે જો કોઈ એવું વિચારતું હોય કે સૈન્ય કાર્યવાહીથી તેહરાનની સરકાર પાડી શકાય છે, તો તે એક ખતરનાક ભ્રમ છે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે રાજદ્વારી વાતચીત ચાલી રહી છે અને પ્રદેશમાં અસ્થિરતાની આશંકા સતત બની રહી છે.
“દેખાવમાં નબળું, હકીકતમાં મજબૂત”
સીએનએન તુર્કીને આપેલા ઇન્ટરવ્યુમાં હકાન ફિદાનએ કહ્યું કે ઈરાનને બહારથી જોતા તેની સરકાર નબળી લાગી શકે છે, પરંતુ જમીની હકીકત તદ્દન અલગ છે. તેમના મતે, તુર્કી ઈરાનની સામાજિક અને રાજકીય સંરચનાને નજીકથી સમજે છે અને આ જ કારણે તે ટકરાવને બદલે વાતચીતનો રસ્તો અપનાવવાની હિમાયત કરે છે.
ઈરાનમાં સત્તાપલટો કેમ સરળ નથી?
તુર્કીના વિદેશ મંત્રીએ તેની પાછળ કેટલાક નક્કર કારણો ગણાવ્યા:
- મિડલ ઈસ્ટ હવે યુદ્ધ સહન કરી શકે તેમ નથી: ફિદાન મુજબ આખું ક્ષેત્ર પહેલેથી જ અસ્થિરતા, શરણાર્થી સંકટ અને આર્થિક દબાણ સામે ઝઝૂમી રહ્યું છે. વધુ એક યુદ્ધનું પરિણામ માત્ર ઈરાન જ નહીં, પરંતુ સમગ્ર મિડલ ઈસ્ટને ભોગવવું પડશે.
- ઈરાનની સત્તાનું માળખું અલગ છે: ફિદાનએ કહ્યું કે ઈરાન કોઈ રાજાશાહી મોડેલ પર નથી ચાલતું, જેવું અનેક આરબ દેશોમાં જોવા મળે છે. ત્યાં સત્તાની વ્યવસ્થા ધાર્મિક અને સંસ્થાકીય માળખા પર ટકેલી છે.
- સિસ્ટમને નબળી પાડી શકાય, હટાવી શકાય નહીં: તેમનું કહેવું હતું કે સૈન્ય હુમલાઓથી સરકારી માળખાને નુકસાન પહોંચાડી શકાય છે, પરંતુ તેને સંપૂર્ણપણે ખતમ કરવું શક્ય નથી. સામાન્ય નાગરિકોને નુકસાન પહોંચાડીને સત્તા પરિવર્તન કરાવી શકાતું નથી.
- પરમાણુ હથિયારોના દાવા પર સવાલ: ફિદાનએ એમ પણ કહ્યું કે ઈરાન પાસે પરમાણુ હથિયાર હોવાના કોઈ નક્કર પુરાવા નથી. તેમણે યાદ અપાવ્યું કે તેઓ પોતે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) માં ગવર્નર રહી ચૂક્યા છે.
“ઈરાનની નીતિઓ નબળી હોઈ શકે છે, પરંતુ…”
ફિદાનએ એ સ્વીકારવામાં કોઈ ખચકાટ ન બતાવ્યો કે ઈરાનના વહીવટ અને આર્થિક નીતિઓથી ત્યાંના લોકો પરેશાન છે. પરંતુ તેમણે સવાલ ઉઠાવ્યો કે જો આ જ માપદંડ હોય, તો દુનિયાના અન્ય ઘણા દેશોમાં પણ સ્થિતિ ખરાબ છે—ત્યાં અમેરિકા હસ્તક્ષેપ કેમ નથી કરતું? તેમના મતે, ઈરાનમાં નિયમિત ચૂંટણીઓ થાય છે અને આર્થિક સંકટનો ઉકેલ લાવવાની જવાબદારી ચૂંટાયેલી સરકારની જ છે.
અમેરિકાને સ્પષ્ટ સંદેશ
તુર્કીએ સ્પષ્ટ કરી દીધું છે કે તે ઈરાન વિરુદ્ધ કોઈ પણ સૈન્ય કાર્યવાહીમાં અમેરિકાનો સાથ નહીં આપે. ફિદાનએ કહ્યું કે તુર્કીની પ્રાથમિકતા શાંતિ છે, અને રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોઆન પોતે રાજદ્વારી ઉકેલ માટે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.
તુર્કીના આ નિવેદને સ્પષ્ટ કરી દીધું છે કે ઈરાન અંગે પ્રાદેશિક વિચારસરણી હવે બદલાઈ રહી છે. બાહ્ય શક્તિઓ માટે આ એક સંકેત છે કે તેહરાનની સત્તા માત્ર હથિયારોથી હલાવી શકાતી નથી.

