અમેરિકામાં હવે ભારતીય દવાઓ મોંઘી થશે? 9.7 અબજ ડોલરના ફાર્મા એક્સપોર્ટ પર ટ્રમ્પની સીધી ચેતવણી
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જેનરિક દવાઓ (Generic Drugs) પર એક નવી અને કડક ટેરિફ નીતિની જાહેરાત કરી છે. આ નવી નીતિ હેઠળ અમેરિકા બહારથી આયાત થતી જેનરિક દવાઓ પર તબક્કાવાર રીતે ભારે ટેરિફ (જકાત) લાદવામાં આવશે.
આ નિર્ણયની સીધી અને સૌથી મોટો અસર ભારત પર પડી શકે છે, કારણ કે ભારત વિશ્વમાં જેનરિક દવાઓનો સૌથી મોટો નિકાસકાર દેશ છે અને અમેરિકામાં વપરાતી મોટાભાગની જેનરિક સસ્તા દવાનો પુરવઠો ભારતથી જ જાય છે. ટ્રમ્પના આ નિર્ણયથી ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર શું જાહેરાત કરી?
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ (Truth Social) પર આ નવી નીતિની વિગતો શેર કરતા લખ્યું કે, આ ટ્રેડ પોલિસીનો મુખ્ય હેતુ જેનરિક દવાનું ઉત્પાદન ફરીથી અમેરિકાની ધરતી પર લાવવાનો (Reshoring) છે.
ટ્રમ્પના જણાવ્યા અનુસાર:
-
પ્રથમ ૨ વર્ષ (૦% ટેરિફ): ૧ ઓગસ્ટ, ૨૦૨૬થી શરૂ કરીને આગામી બે વર્ષ સુધી અમેરિકામાં આયાત થતી તમામ જેનરિક દવાઓ પર શૂન્ય ટકા (0%) ટેરિફ રહેશે.
-
ત્રીજું વર્ષ (૧૦૦% ટેરિફ): બે વર્ષ પૂરા થયા પછી, ત્રીજા વર્ષે જેનરિક દવાઓ પર સીધો ૧૦૦% ટેરિફ લાદવામાં આવશે.
-
ચોથા વર્ષથી (૨૦૦% ટેરિફ): ત્રીજા વર્ષ બાદ આ ટેરિફ વધારીને ૨૦૦% સુધી કરી દેવામાં આવશે.
ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતાં કહ્યું કે, જે કંપનીઓ આપેલા સમયગાળા દરમિયાન અમેરિકામાં પોતાના પ્લાન્ટ્સ અને મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ નહીં સ્થાપે, તેમણે આ ભારે દંડ (ટેરિફ) ચૂકવવો પડશે. તેમણે ઉમેર્યું હતું કે આ નીતિનો મૂળ ઉદ્દેશ્ય અમેરિકન નાગરિકોના સ્વાસ્થ્ય અને દેશની આત્મનિર્ભરતાને સુરક્ષિત કરવાનો છે. જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે પેટન્ટેડ, બ્રાન્ડેડ કે નવીન (Innovative) દવાઓ પર હાલની નીતિ યથાવત રહેશે.
ભારતીય ફાર્મા ક્ષેત્ર માટે આ નિર્ણય કેમ ચિંતાજનક છે?
ભારતને વૈશ્વિક સ્તરે “દુનિયાની ફાર્મસી” (Pharmacy of the World) ગણવામાં આવે છે. અમેરિકાના આરોગ્ય ક્ષેત્રમાં ભારતીય કંપનીઓનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે.
-
અમેરિકન માર્કેટમાં દબદબો: અમેરિકામાં વપરાતી કુલ જેનરિક દવાઓમાંથી જથ્થાની દ્રષ્ટિએ (By Volume) લગભગ ૪૦% દવાઓ એકલું ભારત પૂરું પાડે છે.
-
બિલિયન્સ ડોલરનો નિકાસ વેપાર: ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI)ના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતે અમેરિકામાં ૯.૭ અબજ ડોલરની ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સની નિકાસ કરી હતી. આ રકમ ભારતની કુલ ૨૫.૮ અબજ ડોલરની વૈશ્વિક ફાર્મા નિકાસના ૩૮% જેટલી થાય છે.
આ આંકડાઓ દર્શાવે છે કે ભારતીય ફાર્મા કંપનીઓ માટે અમેરિકા સૌથી મોટું અને કમાઉ બજાર છે. જો આગામી વર્ષોમાં ૨૦૦% જેટલો ટેરિફ લાદવામાં આવે, તો ભારતીય દવાઓ અમેરિકામાં ખૂબ મોંઘી થઈ જશે.

કાનૂની કરાર અને વાસ્તવિક ચિંતાઓ
જોકે, આ નવી ટેરિફ નીતિની ભારતીય કંપનીઓ પર વાસ્તવમાં કેટલી અને કેવી અસર પડશે તે અંગે હજુ પૂરી સ્પષ્ટતા નથી. ભારત અને અમેરિકા વચ્ચે ફેબ્રુઆરીમાં એક દ્વિપક્ષીય વેપાર કરાર (Trade Pact) થયો હતો. આ કરાર મુજબ, જેનરિક દવાઓ અને તેના સક્રિય ઘટકો (APIs)ના સંદર્ભમાં ભારતને વાટાઘાટો દ્વારા વિશેષ રાહતો આપવાની જોગવાઈ રાખવામાં આવી છે.
પરંતુ ટ્રમ્પની અગાઉની ચીમકીઓ અને આ નવી ટાઈમલાઈનને કારણે અમેરિકાને મળતો સસ્તો દવાનો પુરવઠો જોખમમાં મુકાઈ શકે છે. ભારતમાં બનેલી જેનરિક દવાઓ અમેરિકામાં બ્લડ પ્રેશર (હાઈપરટેન્શન), ડિપ્રેશન, ડાયાબિટીસ, કેન્સર, ચેપી રોગો અને માનસિક સ્વાસ્થ્ય જેવી ગંભીર બીમારીઓ માટે વ્યાપકપણે વાપરવામાં આવે છે.
ફાઇનાન્શિયલ પોસ્ટના એક રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૪માં અમેરિકામાં ગર્ભનિરોધક ગોળીઓ (Birth Control Pills)ના કુલ પ્રિસ્ક્રિપ્શનમાંથી આશરે ૬૫% દવાઓ માત્ર બે ભારતીય કંપનીઓ – ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ (Glenmark) અને લ્યુપિન લિમિટેડ (Lupin) દ્વારા બનાવવામાં આવી હતી.