અમેરિકા કેમ વારંવાર લક્ષ્ય ચૂકી રહ્યું છે? ઈરાનમાં લશ્કરી ઠેકાણાંને બદલે રહેણાંક ઘરો અને લગ્ન સમારોહ પર પડી રહ્યા છે બોમ્બ
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકી સૈન્યની રણનીતિ અને હવાઈ હુમલાની ચોકસાઈ પર ગંભીર સવાલો ઊભા થયા છે. સુપરપાવર અમેરિકા એક તરફ ઈરાની નેતાઓની દરેક ગતિવિધિ પર નજર હોવાનો દાવો કરી રહ્યું છે, તો બીજી તરફ યુએસ નેવી અને એરફોર્સના બોમ્બ વારંવાર સૈન્ય ઠેકાણાંને બદલે શાળાઓ, સામાન્ય નાગરિકોના ઘરો અને લગ્ન સમારોહ પર પડી રહ્યા છે. આ ઘટનાક્રમે વૈશ્વિક સ્તરે મોટો વિવાદ ઊભો કર્યો છે કે શું અમેરિકા ખરેખર લશ્કરી ક્ષમતા દ્વારા વિજય મેળવી રહ્યું છે કે માત્ર સોશિયલ મીડિયા પ્રોપેગેન્ડા દ્વારા પોતાની તાકાત દર્શાવી રહ્યું છે.
સિરિક ટાપુ પર લગ્ન સમારોહ પર હવાઈ હુમલો
ગુરુવારે યુએસ સૈન્યના સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ ઈરાનના દક્ષિણ પ્રદેશોમાં વ્યાપક હવાઈ હુમલા કર્યા હતા. સેન્ટકોમે દાવો કર્યો હતો કે આ હુમલાઓમાં ઈરાની નૌકાદળ અને આઈઆરજીસી (IRGC) સાથે સંકળાયેલા વ્યૂહાત્મક ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે, જેમાં સિરિક ટાપુનો પણ સમાવેશ થાય છે. જોકે, ઈરાની તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ હુમલા દરમિયાન એક રહેણાંક મકાન પર બોમ્બમારો થયો હતો જ્યાં લગ્નનો ઉત્સવ ચાલી રહ્યો હતો. આ દર્દનાક દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે અને અનેક નાગરિકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ ઘટના અંગે વિશ્લેષણ સામે આવ્યું છે કે ખુઝેસ્તાહ વિસ્તારમાં ઈરાની નૌકાદળનો એક કમ્યુનિકેશન ટાવર આવેલો હતો. અમેરિકી બોમ્બ ધડાકામાં આ ટાવર તો નષ્ટ થયો, પરંતુ તેની સાથે જ કમનસીબે બીજો બોમ્બ માત્ર ૧૫૦ મીટર દૂર આવેલા એક સામાન્ય ઘર પર પડ્યો. યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે આ ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. વીડિયો ફૂટેજ દર્શાવે છે કે વપરાયેલ બોમ્બ એક ચોક્કસ ગાઇડેડ દારૂગોળો હતો, પરંતુ તે સૈન્ય છાવણીને બદલે સીધો નાગરિકોના ઘરની છત ફાડીને અંદર ત્રાટક્યો હતો.

ટ્રમ્પના વિવાદિત નિવેદનો અને ભૂતકાળની ગંભીર ભૂલો
જે દિવસે ઈરાનમાં લગ્નનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો, તે જ દિવસે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક આશ્ચર્યજનક નિવેદન આપતાં દાવો કર્યો કે અમેરિકી ગુપ્તચર એજન્સીઓની પહોંચ ઈરાની નેતાઓના બાથરૂમ સુધી છે. અગાઉ પણ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાનના ખાર્ગ ટાપુ પર હુમલાની ચેતવણી આપતો એઆઈ (AI) જનરેટેડ વીડિયો શેર કર્યો હતો, જેને લઈને તેમની ભારે ટીકા થઈ હતી.
અમેરિકી મિસાઇલ તેના નિર્ધારિત માર્ગથી ભટકીને નાગરિકો પર પડી હોય તેવી આ પહેલી ઘટના નથી. ૨૮ ફેબ્રુઆરીના રોજ યુદ્ધના પ્રારંભિક તબક્કામાં ઈરાનના મીનાબ શહેરમાં એક શાળા પર ટોમાહોક મિસાઇલ પડી હતી, જેમાં આશરે ૧૭૫ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના મોત થયા હતા. તે સમયે પણ અમેરિકાએ માત્ર તપાસના આદેશ આપીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
ઇતિહાસ સાક્ષી છે કે અમેરિકી સૈન્યની આવી ભૂલો ભૂતકાળમાં પણ થતી રહી છે. અફઘાનિસ્તાનમાં ૨૦૦૨ માં ઓરોઝગન પ્રાંતમાં અને ૨૦૦૮ માં કંદહારના એક ગામમાં ઉજવણીના ગોળીબારને તાલિબાનનું ઠેકાણું સમજીને અમેરિકાએ લગ્ન સમારોહ પર બોમ્બમારો કર્યો હતો, જેમાં ૭૦ થી વધુ નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. વર્તમાન પરિસ્થિતિ અમેરિકાના સ્માર્ટ બોમ્બિંગ અને ગુપ્તચર તંત્રની નિષ્ફળતા તરફ સચોટ ઈશારો કરે છે.
