ફેબ્રુઆરીમાં નેત્રંગ, નાંદોદ, દેડિયાપાડા અને વઘઈમાં હાથીપગા સામે આરોગ્ય અભિયાન
રાજ્યના આરોગ્ય કમિશનર ડૉ. રતનકંવર ગઢવીચારણે જાહેરાત કરી છે કે આગામી ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમિયાન ભરૂચ, નર્મદા અને ડાંગ જિલ્લાના ચાર પ્રભાવિત તાલુકાઓમાં ‘સામૂહિક દવા વિતરણ’ (MDA) અભિયાન યોજાશે. કેન્દ્ર સરકારના ૨૦૩૦ સુધીમાં હાથીપગા નિર્મૂલન લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે આ એક મહત્વનું પગલું છે. આ અભિયાન અંતર્ગત ભરૂચના નેત્રંગ, નર્મદાના નાંદોદ અને દેડિયાપાડા તેમજ ડાંગના વઘઈ તાલુકાની અંદાજે ૫.૪૮ લાખથી વધુ વસ્તીને આવરી લેવામાં આવશે.
મચ્છરથી ફેલાતો આજીવન દિવ્યાંગતાનો ખતરો
લિમ્ફેટીક ફાઈલેરીયાસીસ, જેને સામાન્ય ભાષામાં હાથીપગો કહેવામાં આવે છે, તે ક્યુલેક્ષ નામના મચ્છરથી ફેલાય છે. આ રોગની ગંભીરતા એ છે કે એકવાર હાથીપગો થયા પછી તેનો કોઈ ઇલાજ નથી અને વ્યક્તિ જિંદગીભર માટે દિવ્યાંગ બની જાય છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૧૭ જિલ્લાઓ આ રોગ માટે સંવેદનશીલ છે. તાજેતરમાં હાથ ધરાયેલા રાત્રી બ્લડ સર્વેમાં ઉપર્યુક્ત ૪ તાલુકાઓમાં હાથીપગાના કૃમિ મળી આવતા સરકાર દ્વારા તાત્કાલિક અસરથી દવા વિતરણનો ત્રીજો રાઉન્ડ હાથ ધરવાનું આયોજન કરાયું છે.
કોણે દવા લેવી અને કોણે ટાળવી?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ યોજાનારા આ અભિયાનમાં ૨ વર્ષથી ઉપરની વયના તમામ નાગરિકોને તેમની ઉંમર મુજબ આરોગ્ય કર્મચારીઓની નજર સમક્ષ જ દવા ગળાવવામાં આવશે. જોકે, નીચે મુજબના વ્યક્તિઓએ આ દવા લેવાની નથી:
-
સગર્ભા બહેનો
-
ધાત્રી માતાઓ (સ્તનપાન કરાવતી માતાઓ)
-
અતિશય બીમાર વ્યક્તિઓ
-
૨ વર્ષથી નાની ઉંમરના બાળકો
જનભાગીદારીથી જ રોગનું નિર્મૂલન શક્ય
આરોગ્ય કમિશનરશ્રીએ ભારપૂર્વક જણાવ્યું છે કે આ વિસ્તારમાં રહેતા કાયમી કે કામચલાઉ તમામ નાગરિકોએ આ દવા લેવી અનિવાર્ય છે, જેથી રોગને અન્ય વિસ્તારોમાં ફેલાતો અટકાવી શકાય. આ આયોજન બેઠકમાં પંચાયત, શિક્ષણ, આયુષ અને નગરપાલિકા સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. જો નાગરિકો જાગૃત બનીને સરકારના આ અભિયાનમાં જોડાશે, તો જ આપણે આવનારી પેઢીને હાથીપગાના જોખમથી મુક્ત અને તંદુરસ્ત બનાવી શકીશું.

