મુસાફરી વધુ આરામદાયક બનાવવા એસટી નિગમનો નવીન પ્રયાસ
એસટી નિગમની બસોમાં દરરોજ લાખો મુસાફરો સફર કરે છે અને લાંબા રૂટ દરમિયાન ચા-નાસ્તા માટે બસ રોકવાની ફરજ પડે છે. હવે મુસાફરોને વધુ સુવિધા મળે તે માટે એસટી નિગમે મહત્વનો નિર્ણય લીધો છે. રેલવેમાં જેમ ટ્રેનમાં જ ભોજન અને નાસ્તાની સુવિધા મળે છે, તે જ રીતે હવે એક્સપ્રેસ બસોમાં પણ ચાલુ બસે પેક્ડ ફૂડ ઉપલબ્ધ કરાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ સુવિધાથી મુસાફરોનો સમય બચશે અને આરામદાયક મુસાફરી શક્ય બનશે.
‘ઓન ડિમાન્ડ પેક્ડ ફૂડ ઓન બસ’ પ્રોજેક્ટ
એસટી નિગમે “ON DEMAND PACKED FOOD ON BUS” નામનો નવીન પ્રોજેક્ટ પ્રાયોગિક ધોરણે અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ નિગમની એક્સપ્રેસ બસોમાં મુસાફરોને પેક્ડ ભોજન અને નાસ્તો પૂરો પાડવામાં આવશે. આ સાથે એસટી નિગમની નોન-ટ્રાફિક આવકમાં પણ વધારો કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. યોજના માટે એજન્સીની નિમણૂક કરવા “એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ” મારફતે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
હાલ માત્ર અમદાવાદ શહેરમાં અમલ
આ નવી સુવિધા હાલમાં પ્રાયોગિક રીતે ફક્ત અમદાવાદ શહેરમાં શરૂ કરવામાં આવી રહી છે. અમદાવાદના પાલડી, સી.ટી.એમ, કૃષ્ણનગર, નરોડા પાટિયા, નેહરુનગર, રાણીપ, નારોલ ક્રોસ રોડ, સરખેજ, ઓઢવ ક્રોસ રોડ, અડાલજ અને જશોદાનગર જેવા પોઈન્ટ્સ પરથી ફૂડ ડિલિવરી કરવામાં આવશે. અલગ અલગ એજન્સીઓ પાસેથી ઓનલાઈન ભાવો મંગાવવામાં આવ્યા છે અને પ્રયોગ સફળ થયા બાદ આ સુવિધાને અન્ય શહેરોમાં વિસ્તરાવાની શક્યતા છે.
ઓનલાઈન ઓર્ડર કરવાની સરળ પ્રક્રિયા
મુસાફરો એસટી નિગમની OPRS (Online Passenger Reservation System) મારફતે ફૂડ ઓર્ડર કરી શકશે. મુસાફરી શરૂ કર્યા બાદ જે સ્થળે ફૂડ મેળવવાનું હોય તે સ્થળ પહોંચતા ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલાં ઓર્ડર આપવો ફરજિયાત રહેશે. મુસાફરો ટિકિટ બુક કરતી વખતે એડવાન્સમાં ફૂડ બુકિંગ કરી શકશે અથવા મુસાફરી દરમિયાન પણ ઓનલાઈન ઓર્ડર આપી શકશે. આથી મુસાફરોને વધુ સુવિધા અને પસંદગી મળશે.
નિયમો અને ગુણવત્તા પર કડક નજર
નક્કી કરાયેલી એજન્સી દ્વારા તમાકુ, બીડી, ગુટકા, નોનવેજ કે પ્રતિબંધિત વસ્તુઓ બસમાં સર્વ કરવાની મંજૂરી રહેશે નહીં. ફૂડ સપ્લાયમાં ગડબડ કે સમયસર ડિલિવરી ન થવાના કિસ્સામાં 5 હજારથી 10 હજાર રૂપિયાનો દંડ લાગુ કરવામાં આવશે. એસટી નિગમનું લક્ષ્ય છે કે ‘સલામત સવારી એસટી અમારી’ સૂત્રને અનુસરી મુસાફરોને ટ્રેન જેવી સુવિધા બસમાં પણ મળી રહે.

