બ્રિટિશ દંપતીનો અનોખો પ્રેમ: ભારતથી ઓટો રિક્ષા ખરીદીને સીધી યુકે મોકલી!
સામાન્ય રીતે લોકો વેકેશન કે ફરવા માટે વિદેશ જાય ત્યારે યાદગીરી રૂપે ફોટા, મેગ્નેટ કે કોઈ નાની ચીજવસ્તુઓ સાથે લાવતા હોય છે. પરંતુ, હાલમાં સોશિયલ મીડિયા પર એક એવું બ્રિટિશ દંપતી ચર્ચામાં છે, જેમણે ભારત પ્રવાસની યાદમાં કંઈક એવું કર્યું જેની કોઈ કલ્પના પણ નહીં કરી હોય. હેલેન અને મિક નામના આ બ્રિટિશ યુગલે ભારતમાં પ્રવાસ કરવા માટે એક ઓટો રિક્ષા ખરીદી હતી અને બાદમાં તેને સમુદ્ર માર્ગે પોતાના દેશ બ્રિટન (યુકે) શિપ કરી દીધી છે.
૭૫ દિવસનો રોમાંચક પ્રવાસ અને ‘ટિમ્મી’
અહેવાલો અનુસાર, આ યુગલે ભારતમાં લગભગ ૭૫ દિવસ વિતાવ્યા. આ સમય દરમિયાન, તેમણે લાલ અને કાળા રંગની બજાજ ઓટો-રિક્ષામાં સમગ્ર દેશમાં આશરે ૪,૨૧૮ કિલોમીટરની મુસાફરી કરી. આ રિક્ષામાં મુસાફરી કરતી વખતે તેઓએ ભારતના અનેક જાણીતા સ્થળોની મુલાકાત લીધી—જેમાં આગરાનો તાજમહેલ પણ સામેલ છે.

ખાસ વાત એ છે કે આ દંપતીએ પોતાની આ પ્રિય રિક્ષાનું નામ પ્રેમથી ‘ટિમ્મી ધ ટિન કેન’ (Timmy the Tin Can) રાખ્યું હતું. રિક્ષાના આગળના ભાગ પર હસતો ચહેરો અને કાર્ટૂન જેવી આંખો દોરવામાં આવી હતી, જેથી તે રસ્તા પર ચાલતી વખતે લોકોનું ધ્યાન આકર્ષિત કરતી.
છ મહિનાની રાહ અને લંડન બંદર પર આગમન
ભારત પ્રવાસ પૂરો થયા પછી આ દંપતી માટે પોતાની આ ખાસ સાથી સમાન રિક્ષાને અહીં જ છોડીને જવું મુશ્કેલ બન્યું. લાંબી સફરમાં આ રિક્ષા તેમના પરિવારના સભ્ય જેવી બની ગઈ હતી. આથી, તેમણે આ વાહનને બ્રિટન લઈ જવાનો નિર્ણય કર્યો.
View this post on Instagram
લાંબી કસ્ટમ પ્રક્રિયા અને આશરે છ મહિનાની રાહ જોયા બાદ, ગત ૨૩ ઓક્ટોબરે આ ભારતીય ઓટો રિક્ષા સહીસલામત લંડન ગેટવે બંદર પર પહોંચી ગઈ છે. જોકે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ અનોખી કહાની પર લોકો વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને આ વિદેશી યુગલના ભારતીય રિક્ષા પ્રત્યેના લગાવની પ્રશંસા કરી રહ્યા છે.
