ખેડૂતોને યોગ્ય ભાવ અને નાગરિકોને વિશ્વસનીય ખોરાક
ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ કે. દવેના માર્ગદર્શન હેઠળ, ગાંધીનગરના શહેરી વિસ્તારમાં ખેડૂતો પોતાની ૧૦૦% ગાય આધારિત ખેત પેદાશોનું સીધું વેચાણ કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ કુડાસણ ખાતે પોદાર સ્કૂલની સામે આવેલ ગુડા શાકભાજી માર્કેટમાં ‘પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ વેચાણ કેન્દ્ર’નો પ્રારંભ થયો છે.
આત્મા પ્રોજેક્ટ અને વિશ્વસનીયતા
આ વેચાણ કેન્દ્રની વિશેષતા એ છે કે અહીં માત્ર ‘આત્મા’ (ATMA) પ્રોજેક્ટ સાથે જોડાયેલા અને ૧૦૦% ગાય આધારિત ખેતી કરતા ખેડૂતો જ પોતાની પેદાશો વેચી શકશે.
-
ખેડૂતોને ફાયદો: વચેટિયાઓ દૂર થતા ખેડૂતોને પોતાની મહેનતનો પૂરેપૂરો અને સારામાં સારો ભાવ મળશે.
-
ગ્રાહકોને ફાયદો: ગાંધીનગરના નાગરિકો હવે કોઈ પણ શંકા વગર વિશ્વાસપાત્ર, સ્વાસ્થ્યવર્ધક અને રસાયણમુક્ત શાકભાજી, અનાજ તથા કઠોળ ખરીદી શકશે.
રાષ્ટ્રવ્યાપી પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રાકૃતિક ખેતીના વિઝનને સાકાર કરવા તરફ આ એક મજબૂત પગલું છે. આ કેન્દ્ર જમીન સુધારણાની સાથે માનવ કલ્યાણની ભાવનાને પણ ચરિતાર્થ કરે છે. શહેરી નાગરિકોને તેમણે ખર્ચેલા પૈસા સામે ઉત્તમ ગુણવત્તાનો આહાર મળે અને ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બને તેવો ઉમદા ઉદ્દેશ્ય આ પ્રોજેક્ટ પાછળ રહેલો છે.

