કોણ છે ભારતનો સૌથી અમીર માણસ? ફોર્બ્સની નવી લિસ્ટ જોઈને તમારા હોશ ઉડી જશે!
ફોર્બ્સ (Forbes) દ્વારા બહાર પાડવામાં આવેલી ભારતની ૧૦૦ સૌથી અમીર વ્યક્તિઓની તાજી યાદીમાં ગૌતમ અદાણીએ ફરી એકવાર શાનદાર વાપસી કરીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી બીજા ક્રમે રહેલા અદાણીએ આ વર્ષે જબરદસ્ત કમાણી કરી છે. ફોર્બ્સ ઇન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૬ ના આંકડા મુજબ, છેલ્લા એક વર્ષમાં તેમની સંપત્તિમાં ૨૦.૭ અબજ ડોલર (અંદાજે ૧.૭૩ લાખ કરોડ રૂપિયા) નો મોટો વધારો થયો છે. આ સાથે અદાણી પરિવારની કુલ સંપત્તિ વધીને ૧૧૨.૭ અબજ ડોલર પર પહોંચી ગઈ છે.

વિપરીત બજાર પરિસ્થિતિઓ છતાં ૧ ટ્રિલિયન ડોલરનો આંકડો યથાવત
ગુરુવારે જાહેર થયેલી આ યાદી અનુસાર, ભારતના ૧૦૦ સૌથી ધનિક લોકોની સંયુક્ત સંપત્તિ ગયા વર્ષ જેટલી જ એટલે કે આશરે ૧ ટ્રિલિયન ડોલર જેટલી જળવાઈ રહી છે. આ સિદ્ધિ એવા સમયે મળી છે જ્યારે રૂપિયાના મૂલ્યમાં ૮.૫ ટકાનો ઘટાડો થયો હતો અને શેરબજાર પણ ૯.૫ ટકા ગગડ્યું હતું. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેમજ આઈટી ક્ષેત્રના દિગ્ગજો શિવ નાડાર અને અઝીમ પ્રેમજીના શેરોમાં ઘટાડો થયો હોવા છતાં, ગૌતમ અદાણીની જબરદસ્ત કમાણી અને લક્ષ્મી મિત્તલની સંપત્તિમાં થયેલા ૭૪ ટકાના વધારાએ આ નુકસાનની પૂર્તિ કરી લીધી છે.
ડોલરની દ્રષ્ટિએ સૌથી મોટા ગૈનર રહ્યા ગૌતમ અદાણી
આ વર્ષે ડોલરની કમાણીના મામલામાં ગૌતમ અદાણી ભારતના સૌથી મોટા ગૈનર (બિઝનેસમેન) સાબિત થયા છે. જોકે, આ આંકડો હજુ પણ વર્ષ ૨૦૨૨માં નોંધાયેલા ૧૫૦ અબજ ડોલરના સર્વોચ્ચ રેકોર્ડથી ઓછો છે. અદાણી ગ્રૂપ હાલમાં પોતાના બિઝનેસને વ્યાપક સ્તરે વિસ્તારવા માટે સક્રિય છે અને આ દિશામાં તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ૧૦૦ અબજ ડોલરનું મોટું રોકાણ કરવાનું આયોજન પણ કર્યું છે. આ તરફ ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ ફાયદો લક્ષ્મી મિત્તલને થયો છે, જેમની સંપત્તિમાં ૭૪ ટકાનો મોટો ઉછાળો આવ્યો છે અને તેઓ આઠમા સ્થાન પરથી સીધા ચોથા ક્રમે પહોંચી ગયા છે.

મુકેશ અંબાણી કેમ સરકીને બીજા સ્થાને આવ્યા?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ૮૬.૩ અબજ ડોલરની નેટવર્થ સાથે આ યાદીમાં બીજા સ્થાને આવી ગયા છે. ચાલુ વર્ષે તેમની સંપત્તિમાં ૧૮.૭ અબજ ડોલર (અંદાજે ૧.૫૬ લાખ કરોડ રૂપિયા) નો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા પાછળ રિલાયન્સના રિટેલ બિઝનેસના પ્રોફિટ માર્જિનમાં આવેલી નરમાઈ મુખ્ય કારણ રહી છે. ઉપરાંત, ઓઇલ-ટુ-કેમિકલ્સ (O2C) એટલે કે તેલ અને રિફાઇનરી બિઝનેસ પર વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવમાં થયેલા વધઘટ (અસ્થિરતા) ની માઠી અસર પડી છે અને કંપનીનું વધતું દેવું પણ રોકાણકારો માટે ચિંતાનો વિષય બન્યું હતું.
શિખર યાદીમાં અન્ય દિગ્ગજ ઉદ્યોગપતિઓનું સ્થાન
ફોર્બ્સ ઇન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૬ મુજબ, ૩૯.૮ અબજ ડોલર (અંદાજે ૩.૩૩ લાખ કરોડ રૂપિયા) ની કુલ સંપત્તિ સાથે સાવિત્રી જિંદાલ (ઓ.પી. જિંદલ ગ્રૂપ) ત્રીજા સ્થાન પર છે. તેમના પછી ચોથા ક્રમે લક્ષ્મી મિત્તલ અને પાંચમા ક્રમે જાણીતી ટેલિકોમ કંપની ભારતી એરટેલના ફાઉન્ડર અને ચેરમેન સુનીલ મિત્તલ છે, જેમની કુલ સંપત્તિ ૩૨.૯ અબજ ડોલર (અંદાજે ૨.૭૬ લાખ કરોડ રૂપિયા) આસપાસ છે.
