મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં GCRIની ઐતિહાસિક પ્રગતિ, 2025માં લાખો દર્દીઓને મળી સારવાર
અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) આજે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારત માટે કેન્સરની શ્રેષ્ઠ સારવારનું રાષ્ટ્રીય કેન્દ્ર બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાખેલા મજબૂત પાયા પર આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ સંસ્થા અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ થઈ છે. વર્ષ ૨૦૨૫ના આંકડા મુજબ, અહીં નોંધાયેલા નવા દર્દીઓમાંથી લગભગ ૩૪ ટકા દર્દીઓ ગુજરાત બહારના રાજ્યો જેવા કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશથી આવ્યા હતા.
રોબોટિક આસિસ્ટેડ સર્જરી અને HIPEC ટેકનોલોજી
GCRI એ સર્જિકલ ઓન્કોલોજીમાં રોબોટિક સર્જરી જેવી અદ્યતન પદ્ધતિ અપનાવીને નવો માઈલસ્ટોન સ્થાપ્યો છે. છેલ્લા ૬ મહિનામાં રેકોર્ડબ્રેક ૫૦ રોબોટિક સર્જરીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત, પેટની અંદર ફેલાયેલા જટિલ કેન્સર માટે HIPEC (Hyperthermic Intraperitoneal Chemotherapy) સારવાર પણ અહીં ઉપલબ્ધ છે. PET-CT સ્કેન જેવી તપાસની સંખ્યામાં પણ વર્ષ ૨૦૨૧ની સરખામણીએ વર્ષ ૨૦૨૫માં ત્રણ ગણો વધારો થયો છે, જે રોગના સચોટ નિદાનમાં મદદરૂપ બને છે.
રેકોર્ડબ્રેક સારવાર અને નિદાનના આંકડા
સંસ્થાની વિશ્વસનીયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વર્ષ ૨૦૨૫માં ૨.૫૯ લાખથી વધુ દર્દીઓએ OPDનો લાભ લીધો હતો. આ એક જ વર્ષમાં ૧૭,૮૦૦થી વધુ સર્જરીઓ, ૫૦,૧૩૦ કીમોથેરાપી અને ૫૦ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. સાથે જ ૨૪.૬ લાખથી વધુ લેબોરેટરી ટેસ્ટ દ્વારા દર્દીઓને ઝડપી રિપોર્ટ્સ અને સારવાર પૂરી પાડવામાં આવી છે.
પ્રારંભિક ઓળખ અને સામુદાયિક પહોંચ
કેન્સરને વહેલા તબક્કે ઓળખવા માટે GCRI એ ‘નો-કોસ્ટ કેન્સર સ્ક્રીનિંગ OPD’ અને ૧૧૦ જેટલા સામુદાયિક કેમ્પ્સ દ્વારા ૬૨,૦૦૦ થી વધુ લોકોનું સ્ક્રીનિંગ કર્યું છે. ખાસ કરીને HIV સંક્રમિત મહિલાઓ માટે HPV DNA સ્ક્રીનિંગ કાર્યક્રમ ચલાવીને ગર્ભાશયના કેન્સરના જોખમને વહેલા ઓળખીને સમયસર સારવાર શરૂ કરવામાં આવી છે. વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે સંસ્થા ૧૦ વર્ષથી કેન્સર મુક્ત જીવન જીવતા ૫૦૦ સર્વાઇવરોનું સન્માન કરી સમાજમાં હકારાત્મકતા ફેલાવશે.

