કેસુડા, બીટરૂટ અને પાલકથી તૈયાર કુદરતી રંગો સાથે કેમ્પસમાં ટકાઉ અને વૈજ્ઞાનિક હોળીની ઉજવણી
ગાંધીનગર નજીક આવેલા ગ્દ્યાના ગુજરાત કેમ્પસના વિદ્યાર્થીઓએ પરંપરા, વિજ્ઞાન અને પર્યાવરણની જાળવણીનો અનોખો સમન્વય સાધ્યો છે. અહીંના બાળકોએ કેસુડાના ફૂલ, બીટ, પાલક અને જાસમિન જેવા કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કરીને ઇકો-ફ્રેન્ડલી રંગો તૈયાર કર્યા છે. આ પ્રવૃત્તિ દ્વારા આખું કેમ્પસ એક જીવંત પ્રયોગશાળામાં ફેરવાઈ ગયું હતું. આ રંગોમાં મકાઈના લોટ (કોર્ન સ્ટાર્ચ) નો ઉપયોગ બેઝ તરીકે કરવામાં આવ્યો છે, જેનાથી આ ગુલાલ ત્વચા માટે સુરક્ષિત, કેમિકલ મુક્ત અને પર્યાવરણને અનુકૂળ બન્યા છે.
રંગો બનાવવાની પ્રક્રિયામાં છુપાયેલું વિજ્ઞાન
રંગો બનાવવાની આ પ્રવૃત્તિ માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ તેમાં વિજ્ઞાનનો પણ સમાવેશ થયો હતો. જ્યારે બાળકો કોર્ન સ્ટાર્ચને કુદરતી રંગો સાથે મિશ્રિત કરતા હતા, ત્યારે તેમણે ‘નોન-ન્યુટોનિયન’ પ્રવાહી (Oobleck) વિશે રોમાંચક અનુભવ કર્યો હતો. આ મિશ્રણ દેખાવમાં પ્રવાહી હતું પણ દબાણ આપતા તે કડક થઈ જતું હતું. આ વૈજ્ઞાનિક પ્રયોગે બાળકોમાં જિજ્ઞાસા અને સર્જનાત્મકતા જગાડી હતી, જેના કારણે ઉત્સવની તૈયારી એક શીખવાની પ્રક્રિયામાં ફેરવાઈ ગઈ હતી.
માટી-થેરાપી અને ઇકો-ફ્રેન્ડલી ઉજવણીનો સંદેશ
શાળાના સ્થાપક ડૉ. બૃજેશભાઈના જણાવ્યા મુજબ, અહીં બાળકોને હોળીના તહેવાર નિમિત્તે માટી અને પાણીની થેરાપી (Mud & Water Therapy) વિશે સમજાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ પોતે ગોબર અને માટીમાંથી હોળી માટેના છાણા તૈયાર કર્યા હતા અને પરંપરાગત ‘મટકા ઊંધિયું’ પણ બનાવ્યું હતું. આ બાળકોએ પોતાના હાથે બનાવેલા રંગો ઘરે લઈ જઈને પરિવાર અને મિત્રોને વહેંચ્યા હતા, જેથી કેમિકલ મુક્ત અને કુદરતી હોળી ઉજવવાનો સશક્ત સંદેશ સમાજમાં ફેલાવી શકાય.

