સોનાના વેપારમાં મોટું કૌભાંડ! વજન વધારવા માટે સોનામાં ભેળવાઈ રહી છે ભારે ધાતુઓ, એસિડ ટેસ્ટ પણ આપી રહ્યો છે દગો
સોનું ખરીદતી વખતે દરેક ગ્રાહકના મનમાં એક જ સવાલ હોય છે કે જે દાગીના માટે આટલા બધા રૂપિયા ખર્ચી રહ્યા છીએ તે ખરેખર શુદ્ધ છે કે નહીં? સામાન્ય રીતે સોનાની ચમક, વજન અને હોલમાર્કના આધારે તેની ગુણવત્તાનો અંદાજ લગાવવામાં આવે છે. પરંતુ હવે સોનાના વેપારમાં ભેળસેળની એક એવી ચોંકાવનારી પદ્ધતિ સામે આવી છે, જેણે ઝવેરીઓથી લઈને બુલિયન વેપારીઓ સુધી સૌની ચિંતા વધારી દીધી છે. ચિંતાની વાત એ છે કે આ રીતે તૈયાર કરવામાં આવેલું ભેળસેળવાળું સોનું સામાન્ય તપાસમાં અસલી સોના જેવું જ દેખાઈ શકે છે.
સોનાનું વજન વધારવા માટે ભારે ધાતુઓનો ઉપયોગ
‘મિન્ટ’ના અહેવાલ મુજબ, કેટલાક ભેળસેળ કરનારાઓ સોનામાં રૂથેનિયમ, ઇરિડિયમ અને ઓસ્મિયમ જેવી ભારે ધાતુઓનો બારીક પાવડર ભેળવી રહ્યા હોવાની ફરિયાદો સામે આવી છે. બજારમાં આ પ્રકારની ભેળસેળને ‘ગોલ્ડ પાવડર’ તરીકે ઓળખવામાં આવે છે.

આ ધાતુઓની ઘનતા વધારે હોવાથી સોનામાં તેમની હાજરીથી કુલ વજન વધી શકે છે. જોકે, તેના કારણે સોનાની વાસ્તવિક શુદ્ધતા ઘટે છે. એટલે કે વેપારી કે ગ્રાહકને દેખાતું વજન ભલે વધારે હોય, પરંતુ તેમાં શુદ્ધ સોનાનું પ્રમાણ અપેક્ષા કરતાં ઓછું હોઈ શકે છે.
એસિડ ટેસ્ટ અને ટચસ્ટોન ટેસ્ટ પણ બની રહ્યા છે પડકાર
સોનાની શુદ્ધતા તપાસવા માટે વર્ષોથી એસિડ ટેસ્ટ અને ટચસ્ટોન ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે આ પદ્ધતિઓથી સોનાની ગુણવત્તાનો પ્રાથમિક અંદાજ મેળવી શકાય છે. પરંતુ નવી પ્રકારની ભેળસેળમાં આ તપાસ પૂરતી સાબિત ન થતી હોવાના અહેવાલો છે.
આ પ્રકારનું સોનું શરૂઆતની તપાસમાં અસલી હોવાનો ભ્રમ ઊભો કરી શકે છે. જોકે, જ્યારે ઘરેણાં બનાવવાની પ્રક્રિયા દરમિયાન તેને ભઠ્ઠીમાં ઓગાળવામાં આવે છે ત્યારે વાસ્તવિક સ્થિતિ સામે આવે છે. ઓગાળ્યા બાદ અપેક્ષા કરતાં ઓછું શુદ્ધ સોનું મળતાં કારીગરોને શંકા જાય છે.
ઇન્દોરના ઝવેરી બજારમાં મચી ચિંતા
આ સમગ્ર મામલો ઇન્દોરના સરાફા બજારમાં કામ કરતા કેટલાક ઘરેણાંના કારીગરોની ફરિયાદો બાદ ચર્ચામાં આવ્યો હતો. કારીગરોએ સ્થાનિક વેપારીઓને સોનાની ગુણવત્તા અને ઓગાળ્યા બાદ મળતા ઓછા સોના અંગે જાણ કરી હતી.
આ ફરિયાદોને ગંભીરતાથી લઈને ઇન્દોર સિલ્વર, ગોલ્ડ એન્ડ જ્વેલરી ટ્રેડર્સ એસોસિએશને તાત્કાલિક બેઠક બોલાવી હતી. બેઠકમાં બુલિયન વેપારીઓ અને દલાલોને મોટા વ્યવહારો કરતાં પહેલાં સોનાની શુદ્ધતાની યોગ્ય તપાસ કરવા સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ વેપારીઓએ પોતાની જૂની તપાસ પદ્ધતિઓની સમીક્ષા શરૂ કરી છે.

મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ મારફતે સપ્લાયની આશંકા
બજારના કેટલાક વેપારીઓના જણાવ્યા પ્રમાણે, શંકાસ્પદ ગોલ્ડ પાવડર મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ મારફતે ભારતીય બજારમાં પહોંચતું હોવાની આશંકા છે. જોકે, તેની સપ્લાય ચેઇન અને મૂળ સ્ત્રોત અંગે હજુ સ્વતંત્ર પુષ્ટિ જરૂરી છે.
સોનું ખરીદતા ગ્રાહકોએ શું ધ્યાન રાખવું?
આવી ઘટનાઓ બાદ ગ્રાહકોએ સોનું ખરીદતી વખતે વધારે સાવચેતી રાખવી જરૂરી છે. હંમેશાં વિશ્વસનીય ઝવેરી પાસેથી જ ખરીદી કરવી. BIS હોલમાર્ક અને HUID નંબરની ખરાઈ કરવી તથા પાકું બિલ લેવું. શંકા હોય તો માન્ય અને વિશ્વસનીય લેબોરેટરીમાં આધુનિક ટેક્નોલોજીથી સોનાની તપાસ કરાવવી.
