પાટણના ખેડૂતો માટે મોટી ખુશખબર: APMC માં શરૂ થયું કાયમી સેન્ટર, હવે પ્રાકૃતિક પેદાશોના મળશે પૂરા ભાવ!
જમીનની ઘટતી ફળદ્રુપતા અને માનવ સ્વાસ્થ્ય સામે ઊભા થયેલા ગંભીર ખતરા વચ્ચે પાટણ ખાતે યોજાયેલો ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ એક નવી આશાનું કિરણ લઈને આવ્યો છે. APMC પાટણ ખાતે આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપીને ખેડૂતો સાથે અત્યંત આત્મીય અને પ્રેરણાદાયી સંવાદ સાધ્યો હતો. રાજ્યપાલએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એ માત્ર પાક પકવવાની કોઈ રીત નથી, પરંતુ આપણી પવિત્ર ધરતી, પર્યાવરણ અને આવનારી પેઢીના સ્વાસ્થ્યના રક્ષણ માટેનો એક પવિત્ર સંકલ્પ છે.
રાજ્યપાલના જીવનનો વળાંક: હૃદયસ્પર્શી સંસ્મરણો
પરિસંવાદ દરમિયાન રાજ્યપાલએ પોતે પ્રાકૃતિક ખેતી તરફ કેવી રીતે વળ્યા તેનો એક અત્યંત સ્પર્શક પ્રસંગ શેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે ભૂતકાળમાં જ્યારે તેમણે એક ખેતમજૂરને રાસાયણિક જંતુનાશક દવાનો છંટકાવ કરતી વખતે બેભાન થઈને ઢળી પડતો જોયો, ત્યારે તેમનું અંતર દ્રવી ઊઠ્યું હતું. તે જ ક્ષણે તેમણે પોતાના ગુરુકુલના વિદ્યાર્થીઓને ઝેરમુક્ત અને પૌષ્ટિક આહાર આપવાના ઉદ્દેશ્યથી રાસાયણિક ખેતીનો કાયમી ત્યાગ કરવાનો દૃઢ નિશ્ચય કરી લીધો હતો.
તેમણે ઉપસ્થિત ખેડૂતોને ભાવુક અપીલ કરતાં કહ્યું કે, “આપણે માત્ર આપણા આજના નફા માટે ખેતી નથી કરતા, પણ આપણી ભાવિ પેઢીના ભવિષ્ય માટે કરીએ છીએ. આપણે બાળકોને સંપત્તિની સાથે શુદ્ધ હવા, શુદ્ધ જળ, સ્વસ્થ જમીન અને ઝેરમુક્ત અન્નનો સાચો વારસો આપવો જોઈએ.”

ખેડૂતો માટે વ્યવહારુ સલાહ: એક જ વારમાં આખું ખેતર ન બદલો
અનેક ખેડૂતોના મનમાં પ્રાકૃતિક ખેતી તરફ વળતા પહેલાં એક પ્રકારનો ડર હોય છે. આ અંગે માર્ગદર્શન આપતાં રાજ્યપાલએ અત્યંત વ્યવહારુ રસ્તો બતાવ્યો હતો. તેમણે કહ્યું કે ખેડૂતોએ એકસાથે પોતાના આખા ખેતરમાં પદ્ધતિ બદલવાની જરૂર નથી.
ખેડૂતો શરૂઆતમાં પોતાના ખેતરના માત્ર ચોથા ભાગમાં જ (૧/૪ ભાગમાં) પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરે. આ જમીન પર ઉત્પન્ન થતું સાત્વિક અને ઝેરમુક્ત અન્ન પોતાના પરિવારના વપરાશ માટે ઉપયોગમાં લે. જ્યારે તેમને પ્રાકૃતિક ખેતીના અદ્ભુત પરિણામો અને જમીનની ફળદ્રુપતાનો પ્રત્યક્ષ અનુભવ થાય, ત્યારે ધીમે ધીમે આખા ખેતરને પ્રાકૃતિક ખેતીમાં પરિવર્તિત કરે.
રાસાયણિક ખેતીના દુષ્પરિણામો અને વિજ્ઞાન
રાસાયણિક ખેતીથી થતા નુકસાન અંગે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ રજૂ કરતા તેમણે સમજાવ્યું કે, યુરિયા અને ડી.એ.પી. જેવા ખાતરો તેમજ ઝેરી જંતુનાશકોના બેફામ ઉપયોગથી જમીનમાં રહેલા અળસિયા અને ઉપયોગી સૂક્ષ્મજીવો નાશ પામ્યા છે. યુરિયાના અતિરેકથી ઉત્પન્ન થતો નાઇટ્રસ ઓક્સાઇડ વાતાવરણને નુકસાન પહોંચાડે છે.
પોતાના કુરુક્ષેત્ર ફાર્મના પ્રયોગો અને વિવિધ ગામોના ભૂગર્ભજળ પરીક્ષણના ઉદાહરણ આપતાં તેમણે ઉમેર્યું કે, રસાયણોના કારણે જમીન કઠણ અને નિર્જીવ બની રહી છે તથા ભૂગર્ભ જળ પણ ઝેરી બની રહ્યા છે. આ ઝેરી રસાયણો આપણી ફ્રૂડ ચેઈન (ખોરાકની સાંકળ) માં પ્રવેશતા જ માનવ શરીરમાં ગંભીર રોગો ઉત્પન્ન કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે દેશી ગાયના એક ગ્રામ છાણમાં કરોડો સૂક્ષ્મ જીવાણુઓ હોય છે, જે જમીનમાં રહેલા કુદરતી પોષક તત્વોને સક્રિય કરી છોડ સુધી પહોંચાડે છે.
ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનું જનઆંદોલન અને વિશ્વના ઉદાહરણો
રાજ્યપાલએ ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો તફાવત સમજાવતા કહ્યું કે, ઓર્ગેનિક ખેતી ખૂબ ખર્ચાળ છે, જ્યારે પ્રાકૃતિક ખેતી સ્થાનિક સંસાધનો અને દેશી ગાય પર આધારિત હોવાથી અત્યંત બચતકારી છે. તેમણે ડેનમાર્ક જેવા વિકસિત દેશોનું ઉદાહરણ આપી સમજાવ્યું કે ત્યાં પણ જમીનમાં ઓર્ગેનિક કાર્બન જાળવવા રાસાયણિક ખાતરો પર કડક નિયંત્રણો મૂકવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં આજે માસ્ટર ટ્રેનર્સ અને ‘કૃષિ સખીઓ’ દ્વારા ગામડે-ગામડે નિઃશુલ્ક તાલીમ આપવામાં આવી રહી છે, જેથી આ અભિયાન એક વ્યાપક જનઆંદોલન બની ચૂક્યું છે.
APMC ખાતે કાયમી વેચાણ કેન્દ્રનું લોકાર્પણ અને પાટણનો સંકલ્પ
આ પ્રસંગે રાજ્યપાલના હસ્તે APMC પાટણ ખાતે પ્રાકૃતિક કૃષિ પેદાશોના કાયમી વેચાણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમના ઉત્પાદનનું યોગ્ય વળતર અને બજાર મળી રહે.
કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન આપતાં જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જીલોવાએ જણાવ્યું હતું કે, પાટણ જિલ્લામાં હાલ ૨૫ હજારથી વધુ ખેડૂતો ૩૫,૫૦૦ એકરથી વધુ જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ચાલુ વર્ષે વધુ ૨૦ હજાર લીડિંગ ફાર્મર્સ જોડવાનો લક્ષ્યાંક છે. આ ઉપરાંત, પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન માટે જીવામૃતના ઉપયોગથી કિચન ગાર્ડન વિકસાવવામાં આવી રહ્યા છે, જેથી બાળકોને શુદ્ધ આહાર મળે. કલેક્ટરએ પાટણ જિલ્લાને પ્રાકૃતિક ખેતીનું ‘રોલ મોડેલ’ બનાવવાનો દૃઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
સફળ ખેડૂતોનું સન્માન અને સામૂહિક સંકલ્પ
આ પરિસંવાદમાં પ્રાકૃતિક ખેતીમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનારા પ્રગતિશીલ ખેડૂતોનું રાજ્યપાલના હસ્તે સન્માન કરાયું હતું. શંખેશ્વરના ટુવડ ગામના ખેડૂત ડી. કે. રાવલ અને પાટણના મહિલા ખેડૂત હસુમતીબેને પોતાના સફળ અનુભવો રજૂ કરીને અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી હતી.
