વલસાડમાં બાયોડીઝલના ઓથા હેઠળ ઈમ્પોર્ટેડ ડીઝલનો કાળો કારોબાર પૂરજોશમાં, તંત્ર સામે ઉઠયા સવાલ
ગુજરાતના દક્ષિણ પંથકમાં આવેલા વલસાડ અને નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે તેમજ અંતરિયાળ ગ્રામ્ય માર્ગો પર હાલમાં એક એવું મોટું રેકેટ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેણે માત્ર સરકારી તિજોરીને જ નહીં પરંતુ સામાન્ય પ્રજાની સુરક્ષાને પણ ગંભીર જોખમમાં મૂકી દીધી છે. સરકારની બાયોડીઝલ નીતિના આડમાં અસલી બાયોડીઝલના બદલે સસ્તા અને હાનિકારક ઈમ્પોર્ટેડ હાઈડ્રોકાર્બન ડીઝલનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. સામાન્ય પેટ્રોલ અને ડીઝલના સરકારી ભાવ કરતાં ઓછા ભાવે ઇંધણ આપીને ગ્રાહકોને આકર્ષતી આ માફિયા ટોળકીઓ રોજ લાખો રૂપિયાનો નફો રળી રહી છે. આ ગેરકાયદે ખેલ સામે હવે જિલ્લા વહીવટી તંત્રના સર્વોચ્ચ વડા એટલે કે વલસાડ કલેક્ટર સાહેબ સીધી અને લાલ આંખ કરે તે સમયની અત્યંત તાતી અને અનિવાર્ય માંગ બની ગઈ છે. વહીવટી તંત્રની નિષ્ક્રિયતાના કારણે આ કારોબાર કરનારા તત્વોના હોંસલા એટલા બુલંદ થઈ ગયા છે કે તેમને કોઈનો પણ ડર રહ્યો નથી.
આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ પાછળ કેટલાક મુખ્ય અને ચિંતાજનક પાસાઓ સામે આવ્યા છે, જેમના પર કલેક્ટરશ્રીનું ધ્યાન કેન્દ્રિત થવું ખૂબ જ જરૂરી છે:
નથી પુરવઠા વિભાગની મંજૂરી, નથી એક્સપ્લોઝિવ વિભાગનું લાયસન્સ
કોઈપણ પ્રકારની પેટ્રોલિયમ પેદાશો કે જ્વલનશીલ પદાર્થોના વેચાણ માટે સેન્ટ્રલ એક્સપ્લોઝિવ ડિપાર્ટમેન્ટ અને રાજ્યના પુરવઠા વિભાગના અત્યંત કડક નિયમોનું પાલન કરવું અનિવાર્ય હોય છે. પરંતુ, વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક મામલતદાર અને પુરવઠા અધિકારીઓની રહેમનજર કે નજર સામે જ કોઈપણ પ્રકારના કાયદેસર લાયસન્સ વિના આ જોખમી અને ગેરકાયદે બાયોડીઝલ પંપો બેરોકટોક ધમધમી રહ્યા છે. કાયદાના કાગળ પર પ્રતિબંધિત હોવા છતાં જમીની હકીકત કંઈક અલગ જ કહાની કહી રહી છે.
અત્યંત જ્વલનશીલ હાઈડ્રોકાર્બન અને મોટી જાનહાનિનું ભયાનક જોખમ
બાયોડીઝલના બહાના હેઠળ ગ્રાહકોને વેચાતું આ પ્રવાહી વાસ્તવમાં અત્યંત જ્વલનશીલ ઈમ્પોર્ટેડ હાઈડ્રોકાર્બન પદાર્થ છે. આ પ્રકારના પંપો પર અગ્નિશામક કે સેફ્ટીના પાયાના નિયમો કે સાધનોનું પણ કોઈ પાલન થતું નથી. વસ્તીવાળા વિસ્તારો કે હાઈવેની નજીક ચાલતા આ અસુરક્ષિત અડ્ડાઓને કારણે ગમે ત્યારે ભયંકર આગ લાગવાની કે કોઈ મોટી વિસ્ફોટક હોનારત સર્જાવાની સંભાવના રહેલી છે. નિર્દોષ નાગરિકોના જીવ દાવ પર લગાવીને આ ગોરખધંધો ચલાવવામાં આવી રહ્યો છે.

રાજ્ય સરકારની તિજોરીને ૨૦ થી ૨૨ ટકા વેટનું સીધું અને મોટું નુકસાન
સામાન્ય રીતે પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર રાજ્ય સરકારને આશરે ૨૦ થી ૨૨ ટકા જેટલો ઊંચો વેટ એટલે કે સેલ્સ ટેક્સ મળે છે. પરંતુ આ ગેરકાયદે બાયોડીઝલ પંપ સંચાલકો સરકારમાં કોઈપણ પ્રકારનો ટેક્સ જમા કરાવતા નથી. જેના કારણે ગુજરાત સરકારની રાજસ્વ તિજોરીને રોજિંદા ધોરણે લાખો અને કરોડો રૂપિયાનો સીધો ચૂનો લાગી રહ્યો છે. આ આર્થિક નુકસાન આડકતરી રીતે રાજ્યના વિકાસ કાર્યોને પણ અસર કરે છે.
સરકારી પ્રતિબંધ છતાં લીગલ મેટ્રોલોજી વિભાગ દ્વારા સ્ટેમ્પિંગ કોના આશીર્વાદથી?
રાજ્ય સરકારે અગાઉ જ સ્પષ્ટ આદેશો આપ્યા હતા કે આવા કોઈપણ ગેરકાયદે પંપોને લીગલ મેટ્રોલોજી વિભાગ (તોલમાપ વિભાગ) દ્વારા તોલમાપ માટેનું સર્ટિફિકેટ કે સ્ટેમ્પિંગ ન કરી આપવામાં આવે. છતાં પણ સ્થાનિક સ્તરે કથિત ‘સેટિંગ’ અને ભ્રષ્ટ વહીવટના જોરે આ નિયમનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. વહીવટી તંત્રના જ કેટલાક નીચલા સ્તરના કર્મચારીઓની ભૂમિકા આમાં શંકાના ઘેરામાં આવે છે.
ભૂતકાળની જેમ ફરી આક્રમક એક્શન મોડમાં આવવાની પ્રબળ જરૂરિયાત
અગાઉના સમયમાં જ્યારે વલસાડ જિલ્લામાં આ પ્રકારે ગેરકાયદે પંપોનો ઉપદ્રવ ખૂબ વધ્યો હતો, ત્યારે જિલ્લાના તત્કાલીન કલેક્ટર તંત્રએ સરાહનીય અને કડક વલણ દાખવ્યું હતું. વાપી અને અન્ય વિસ્તારોમાં મામલતદાર અને પોલીસની સંયુક્ત ટીમો બનાવીને દરોડા પાડવામાં આવ્યા હતા, ગુનાહિત ફરિયાદો નોંધાઈ હતી અને કોર્ટ કેસ કરીને પંપોને સીલ કરી દેવામાં આવ્યા હતા.
પરંતુ હાલના સમયમાં પેટ્રોલ પંપ એસોસિએશનો અને સ્થાનિક જવાબદાર અધિકારીઓની રહસ્યમય ચુપકીદીના કારણે આ તેલ માફિયાઓ ફરીથી બેફામ બની ગયા છે. વલસાડ જિલ્લાના લોકપ્રિય અને સક્ષમ કલેક્ટરશ્રી દ્વારા આ ગંભીર મામલે તાત્કાલિક ધોરણે એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) ની રચના કરવામાં આવે, જિલ્લાભરમાં ઓચિંતા દરોડા પાડીને આ ગેરકાયદે પંપોને કાયમ માટે સીલ કરવામાં આવે અને આ ગુનાહિત કારોબારમાં સંડોવાયેલા તમામ ઈસમો સામે પાસા હેઠળ કડકમાં કડક કાનૂની પગલાં લેવામાં આવે તેવી પ્રબળ લોકલાગણી અને માંગ ઉઠી છે.
