‘બ્રાવો’ કલેક્ટરના રાજમાં કાયદાના લીરેલીરા! વારી એનર્જી સામે તંત્ર પગલાં લેશે કે મૌન રહેશે?
વલસાડ જિલ્લામાં પોતાની કડકાઈ, નીડર વહીવટ અને દરેક સરકારી કચેરીમાં તટસ્થ કામગીરી માટે ઓળખાતા ‘બ્રાવો કલેક્ટર’ના શાસનમાં એક ગંભીર સવાલ ઊભો થયો છે. પાંચલય/પંચલાઇ ખાતે આકાર લઈ રહેલા વારી એનર્જી લિમિટેડના મહાકાય પ્રોજેક્ટમાં નિયમોના જે રીતે લીરેલીરા ઉડાવાયા છે, તે જોતાં સામાન્ય જનતા પૂછી રહી છે—સાહેબની કલમ અને કડકાઈ શું માત્ર સામાન્ય નાગરિકો, નાના દુકાનદારો અને લારી-ગલ્લાંવાળાના દબાણો પર જ ચાલે છે, કે પછી વારી એનર્જી લિમિટેડ જેવી મસમોટી કોર્પોરેટ કંપની સામે પણ એ જ ‘તટસ્થતા’ જોવા મળશે?

માપણી વગર ઠરાવ અને પંચાયતની લાચારી
આ વિવાદની શરૂઆત જ નિયમોના સરેઆમ ભંગથી થઈ છે. પંચલાઇ ગ્રામ પંચાયતમાં જે સમયે આ પ્લાન્ટ માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો, તે સમયે જમીનની સત્તાવાર સરકારી માપણી સુદ્ધાં થઈ નહોતી. માપણી વગર કોના આશીર્વાદથી અને કયા હિત ખાતર ઠરાવ પાસ કરી દેવાયો? આટલું ઓછું હોય તેમ, સ્થાનિક પંચાયતે વારી એનર્જી લિમિટેડને એક, બે નહીં પરંતુ પૂરી ત્રણ-ત્રણ નોટિસો ફટકારી. છતાં કંપનીએ નકશા જમા કરાવવાની તસ્દી ન લીધી. આટલી ખુલ્લી અવગણના છતાં પંચાયત મૌન છે અને બાંધકામ અવિરત ચાલુ છે.
ટાઉન પ્લાનિંગની પરવાનગી વગર ધમધમતું નિર્માણ
સૌથી મોટો કટાક્ષ એ વાતનો છે કે, જિલ્લા કલેક્ટર કચેરીની નાક નીચે વારી એનર્જી લિમિટેડ દ્વારા ટાઉન પ્લાનિંગ (TP) ની કોઈ પણ મંજૂરી લીધા વગર જ લાખો ચોરસ મીટરનું બાંધકામ ઊભું કરી દેવાયું! એક સામાન્ય માનવી જો પરવાનગી વગર પતરાનો શેડ પણ નાખે તો તંત્ર નોટિસો અને જેસીબી સાથે ત્રાટકી પડે છે. પરંતુ વારી એનર્જી લિમિટેડ જેવી બહુરાષ્ટ્રીય કંપની કોઈપણ કાયદાકીય મંજૂરી વિના આખેઆખો પ્લાન્ટ ખડકી દે, છતાં વહીવટી તંત્રના હાથ કેમ ધ્રૂજી રહ્યા છે?
TDOનું ‘કાર્યવાહી થશે’નું રટણ અને કલેક્ટરની કસોટી
જોકે તાલુકા વિકાસ અધિકારી (TDO) એ કેમેરા સામે એટલું જરૂર કહ્યું છે કે—“કાર્યવાહી જરૂર થશે.” પરંતુ આ કાર્યવાહી ક્યારે થશે? સમગ્ર પ્લાન્ટ બનીને તૈયાર થઈ જશે ત્યારે?
અહીં સીધો સવાલ વલસાડના કલેક્ટર સામે છે. જે કલેક્ટરની છાપ ઝીરો-ટોલરન્સ અને તટસ્થ વહીવટની છે, તે કલેક્ટર સાહેબના ટેબલ સુધી આ વાત પહોંચી છે ખરી? કે પછી વારી એનર્જી લિમિટેડનું નામ એટલું મોટું છે કે તંત્રની ‘તટસ્થતા’ માત્ર કાગળની શોભા બનીને રહી ગઈ છે? શું જિલ્લાના બ્રાવો કલેક્ટર આ ગેરરીતિ સામે બુલડોઝર ચલાવવાની હિંમત દાખવશે, કે પછી “મોટી કંપની છે એટલે ચાલશે” કહીને ફાઇલ કચેરીના કોઈ ખૂણામાં ધૂળ ખાતી કરી દેવાશે?
જિલ્લાની જનતા હવે કાગળ પરની તટસ્થતા નહીં, પરંતુ પંચલાઇની જમીન પર વલસાડ કલેક્ટરનું સાચું એક્શન જોવા આતુર બનીને બેઠી છે!

ટાઉન પ્લાનિંગની પરવાનગી વગર ધમધમતું નિર્માણ