વલસાડના પંચલાઇમાં વારી એનર્જીનો મોટો વિવાદ, TP મંજૂરી વગર જ ઊભો કરી દીધો મહાકાય પ્લાન્ટ!

By
Roshani Thakkar
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a...
4 Min Read

‘બ્રાવો’ કલેક્ટરના રાજમાં કાયદાના લીરેલીરા! વારી એનર્જી સામે તંત્ર લાલ આંખ કરશે કે મૌન રહેશે?

વલસાડ જિલ્લામાં જ્યારે પણ કડક, નીડર વહીવટ અને દરેક સરકારી કચેરીમાં તટસ્થ કામગીરીની વાત આવે ત્યારે વર્તમાન ‘બ્રાવો કલેક્ટર’નું નામ સૌથી પહેલાં લેવાય છે. પરંતુ હાલમાં પંચલાઇ (પાંચલય) ખાતે આકાર લઈ રહેલા વારી એનર્જી લિમિટેડના મહાકાય પ્રોજેક્ટમાં સરકારી નિયમોના જે રીતે સરેઆમ ધજાગરા ઉડાડવામાં આવ્યા છે, તેણે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સામે એક ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે. સમગ્ર જિલ્લાની સામાન્ય જનતા આજે પૂછી રહી છે—સાહેબની કલમ, નોટિસ અને બુલડોઝરની કડકાઈ શું માત્ર સામાન્ય નાગરિકો, નાના દુકાનદારો અને લારી-ગલ્લાંવાળાના દબાણો દૂર કરવા પૂરતી જ સીમિત છે? કે પછી વારી એનર્જી લિમિટેડ જેવી અબજોપતિ કોર્પોરેટ કંપની સામે પણ એ જ કાયદાકીય ‘તટસ્થતા’ અને કડક પગલાં જોવા મળશે?

Panchlay Water Energy

- Advertisement -

માપણી વગર ઠરાવ અને સ્થાનિક પંચાયતની લાચારી

આ સમગ્ર વિવાદની શરૂઆત જ સરકારી નિયમોના સરેઆમ ભંગ સાથે થઈ છે. પંચલાઇ ગ્રામ પંચાયતમાં જે સમયે આ મસમોટા પ્લાન્ટ માટે મંજૂરીનો ઠરાવ પસાર કરવામાં આવ્યો, તે સમયે જમીનની સત્તાવાર સરકારી માપણી (DILR Measurement) સુદ્ધાં થઈ નહોતી! સવાલ એ થાય છે કે સરકારી માપણી વગર કોના આશીર્વાદથી, કોના દબાણ હેઠળ અને કયા હિત ખાતર પંચાયતે આટલી ઉતાવળમાં ઠરાવ પાસ કરી દીધો?

આટલું ઓછું હોય તેમ, સ્થાનિક પંચાયતે પાછળથી જાગૃત થઈને વારી એનર્જી લિમિટેડને એક કે બે નહીં પરંતુ પૂરી ત્રણ-ત્રણ નોટિસો ફટકારીને પ્લાન તથા નકશા રજૂ કરવા આદેશ કર્યો હતો. છતાં આ બહુરાષ્ટ્રીય કંપનીએ પંચાયતની નોટિસોને ટાંચે મારીને નકશા જમા કરાવવાની તસ્દી સુદ્ધાં ન લીધી. આટલી ખુલ્લી અવગણના અને અપમાન છતાં સ્થાનિક પંચાયત મૌન ધરીને બેસી ગઈ છે અને સ્થળ પર કોઈ પણ અટકાયત વગર નિર્માણ કાર્ય અવિરત ચાલી રહ્યું છે.

- Advertisement -

ટાઉન પ્લાનિંગ (TP) મંજૂરી વિના ધમધમતું નિર્માણ

સિસ્ટમ પર સૌથી મોટો કટાક્ષ અને આઘાતજનક બાબત એ છે કે જિલ્લા કલેક્ટર કચેરીના નાક નીચે જ વારી એનર્જી લિમિટેડ દ્વારા ટાઉન પ્લાનિંગ (TP) વિભાગની કોઈપણ પ્રકારની પરવાનગી કે મંજૂરી લીધા વગર જ લાખો ચોરસ મીટર જમીન પર મહાકાય બાંધકામ ખડકી દેવાયું છે!

Panchlay Water Energy

જો જિલ્લાનો એક સામાન્ય નાગરિક પોતાની રોજગારી કે રહેઠાણ માટે પરવાનગી વગર પતરાનો એક નાનો શેડ પણ નાખે, તો તંત્ર નોટિસો, દંડ અને જેસીબી મશીન સાથે સ્થળ પર ત્રાટકી પડે છે. પરંતુ વારી એનર્જી લિમિટેડ જેવા મોટા કોર્પોરેટ ગજગ્રાહ સામે કોઈપણ કાયદાકીય મંજૂરી વિના આખેઆખો પ્લાન્ટ ઊભો થઈ જાય, છતાં સરકારી વહીવટી તંત્રના હાથ કેમ ધ્રૂજી રહ્યા છે? શું કાયદાની કલમો અમીર અને ગરીબ માટે અલગ-અલગ કામ કરે છે?

- Advertisement -

TDOનું ‘કાર્યવાહી થશે’નું રટણ અને કલેક્ટરની ખરી કસોટી

આ સમગ્ર મામલે જ્યારે તાલુકા વિકાસ અધિકારી (TDO) નો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે કેમેરા સામે એટલું ચોક્કસ રટણ કર્યું હતું કે—“નિયમ મુજબ તપાસ કરીને કાર્યવાહી જરૂર થશે.” પરંતુ જનતા પૂછી રહી છે કે આ કાર્યવાહી ક્યારે થશે? સમગ્ર પ્લાન્ટ બનીને તૈયાર થઈ જશે અને પ્રોડક્શન શરૂ થઈ જશે ત્યારે? કે પછી સમય વીતવાની સાથે આ મુદ્દાને સરકારી ચોપડે દબાવી દેવામાં આવશે?

અહીં સીધો અને તીખો સવાલ વલસાડના કલેક્ટર સાહેબ સામે છે. જે કલેક્ટરની છાપ ઝીરો-ટોલરન્સ, નીડરતા અને તટસ્થ વહીવટની છે, તે કલેક્ટર સાહેબના ટેબલ સુધી આટલી મોટી ગેરરીતિ અને કાયદા ભંગની ફાઇલ પહોંચી છે ખરી? કે પછી વારી એનર્જી લિમિટેડનું નામ એટલું મોટું છે કે તંત્રની ‘તટસ્થતા’ માત્ર કાગળની શોભા બનીને રહી ગઈ છે?

શું જિલ્લાના આ ‘બ્રાવો’ કલેક્ટર વારી એનર્જી લિમિટેડના ગેરકાયદે બાંધકામ સામે બુલડોઝર ચલાવવાની કે સ્ટે ઓર્ડર આપવાની હિંમત દાખવશે? કે પછી “મોટી કંપની છે એટલે ચાલશે” કહીને ફાઇલ કચેરીના કોઈ ખૂણામાં ધૂળ ખાતી કરી દેવાશે? જિલ્લાની જાગૃત જનતા હવે કાગળ પરની તટસ્થતા નહીં, પરંતુ પંચલાઇની જમીન પર વલસાડ કલેક્ટરનું સાચું, કડક અને તટસ્થ સરકારી એક્શન જોવા આતુર બનીને બેઠી છે!

Share This Article
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a passion for journalism and a deep understanding of regional issues, she covers everything from current affairs to cultural stories with authenticity and care. Her writing reflects a strong connection with the Gujarati-speaking audience, ensuring that news is not only informative but also relatable. Stay updated with Roshani Thakkar for reliable stories and insightful reporting — in your language, for your world.