શરદી-કફની દવા બની શકે જોખમી? સરકારની નવી ગાઈડલાઈન જાણો
હવામાન બદલાતાની સાથે જ બીમારીઓનો રોગચાળો ખૂબ ઝડપથી ફેલાવા લાગે છે, અને તેની ચપેટમાં સૌથી પહેલા નાના બાળકો આવે છે. બદલાતી ઋતુમાં બાળકોને શરદી, ઉધરસ કે ઝીણો તાવ આવવો એ જાણે એક સામાન્ય બાબત બની જાય છે. આવી સ્થિતિમાં મોટાભાગના માતા-પિતા ડૉક્ટર પાસે જવાને બદલે ઘરમાં પડેલી જૂની દવાઓ કે સિરપ બાળકોને પીવડાવી દેતા હોય છે. પરંતુ હવે જો તમે પણ આવું કરી રહ્યા હોવ તો સાવધાન થઈ જજો, કારણ કે તમારી આ નાનકડી ભૂલ બાળકની જિંદગી પર ભારે પડી શકે છે.
કેન્દ્ર સરકારે બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક અત્યંત મહત્વનો અને મોટો નિર્ણય લીધો છે. સરકારે ‘ક્લોરફેનિરામાઈન મેલેટ’ (Chlorpheniramine Maleate) અને ‘ફેનિલેફ્રાઇન હાઇડ્રોક્લોરાઇડ’ (Phenylephrine Hydrochloride) ના મિશ્રણથી બનતી ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (FDC) દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર કડક પ્રતિબંધ મૂકી દીધો છે. આ નિર્ણય બાળકોના જીવ બચાવવાના હેતુથી લેવામાં આવ્યો છે, કારણ કે આવી ઓવર-ધ-કાઉન્ટર (OTC) દવાઓ પીવડાવવાથી ઘણા નાના બાળકોની તબિયત ગંભીર રીતે લથડી હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. આવો જાણીએ આ નવા નિયમ અને તેનાથી જોડાયેલી મહત્વની બાબતો વિશે.

કઈ દવાઓ પર મૂકવામાં આવ્યો છે સંપૂર્ણ પ્રતિબંધ?
કેન્દ્ર સરકારના આદેશ અનુસાર, જે દવાઓ અથવા કફ સિરપમાં ક્લોરફેનિરામાઈન મેલેટ અને ફેનિલેફ્રાઇન હાઇડ્રોક્લોરાઇડનું મિશ્રણ હોય, તેના ઉત્પાદન અને વેચાણ પર તુરંત અસરથી રોક લગાવી દેવામાં આવી છે. સામાન્ય રીતે આ બંને ઘટકોનો ઉપયોગ શરદી, સદી-જુકામ, નાક વહેવું કે બંધ નાકની સમસ્યામાં રાહત આપતી દવાઓમાં મોટા પ્રમાણમાં થતો આવ્યો છે.
બાળરોગ નિષ્ણાતો (Pediatricians) નું કહેવું છે કે નાના બાળકો માટે આ કેમિકલ યુક્ત ઘટકો અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. નિષ્ણાત સમિતિનું માનવું છે કે બાળકોમાં શરદી-ઉધરસની સારવાર માટે બજારમાં આના કરતાં વધુ સુરક્ષિત અને અસરકારક વિકલ્પો ઉપલબ્ધ છે, તેથી આ હાનિકારક કોમ્બિનેશનની કોઈ જરૂર નથી.
આ નિર્ણય કોઈ ઉતાવળમાં લેવામાં આવ્યો નથી, પરંતુ નિષ્ણાત સમિતિ (Expert Committee) અને ‘ડ્રગ્સ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડ’ (DTAB) ની ભલામણોના આધારે લેવાયો છે. હવેથી ફાર્માસ્યુટિકલ કંપનીઓએ દવાના પેકિંગ, લેબલ અને જાહેરાતો પર સ્પષ્ટ ચેતવણી લખવી પડશે, જેથી માતા-પિતા આ જોખમ વિશે અગાઉથી જાગ્રત થઈ શકે.
આ પહેલાં પણ કફ સિરપ પર લેવાયા છે કડક નિર્ણયો
બાળકોની દવાઓ અને કફ સિરપને લઈને સરકારે કડકાઈ દાખવી હોય તેવો આ પહેલો કિસ્સો નથી. અગાઉ ઓક્ટોબર ૨૦૨૫ માં પણ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બે વર્ષથી નાના બાળકોને ચોક્કસ પ્રકારના કફ સિરપ આપવા પર સખત મનાઈ ફરમાવી હતી. મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ઝેરી કે ભે ભેળસેળયુક્ત કફ સિરપ પીવાથી ૧૧ થી વધુ માસૂમ બાળકોના કરૂણ મોત નીપજ્યા હોવાના અહેવાલો આવ્યા બાદ સરકારે તે પગલું ભર્યું હતું.
તે સમયે પણ આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડી હતી કે સામાન્ય રીતે ૫ વર્ષથી નાની વયના બાળકોને કોઈ પણ પ્રકારના કફ સિરપ આપવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી બાળકના ફેફસાં અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર વિપરીત અસર પડી શકે છે.

માતા-પિતા માટે ખાસ ચેતવણી: જાતે ડૉક્ટર ન બનો!
આરોગ્ય વિભાગ અને બાળરોગ નિષ્ણાતોએ તમામ માતા-પિતાને નમ્ર અપીલ કરી છે કે તેઓ નાના બાળકોને ડૉક્ટરની યોગ્ય સલાહ વગર ઘરગથ્થુ રીતે કે મેડિકલ સ્ટોર પરથી સીધી કોઈ દવા કે સિરપ ન આપે.
બાળકોનું નાજુક શરીર: નાના બાળકોનું શરીર અને તેમની રોગપ્રતિકારક શક્તિ પુખ્ત વયના લોકો જેટલી મજબૂત હોતી નથી. તેથી, તીવ્ર અસર કરતી દવાઓ તેમના લિવર, કિડની અને શ્વાસ લેવાની પ્રક્રિયા પર આડઅસર (Side Effects) કરી શકે છે.
કુદરતી રીતે રિકવરી: એ સમજવું ખૂબ જરૂરી છે કે સામાન્ય શરદી-જુકામ કે વાયરલ ઇન્ફેક્શન ૧ થી ૨ અઠવાડિયામાં બાળકના શરીરમાં આપોઆપ ઠીક થઈ જાય છે. મોટાભાગના કિસ્સાઓમાં બાળકને કોઈ ભારે દવાઓની જરૂર જ હોતી નથી.
શું કરવું?: જો બાળકને હળવી શરદી કે કફ હોય તો તેને પૂરતો આરામ કરવા દો, હૂંફાળું પ્રવાહી આપો અને ગભરાઈને જાતે દવાઓ આપવાને બદલે હંમેશા સારા ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરનો સંપર્ક કરો.
બાળકોનું સ્વાસ્થ્ય અત્યંત નાજુક હોય છે. થોડીક આળસ કે બેદરકારી બાળકના ભવિષ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે, તેથી સરકારના આ નવા નિયમોનું પાલન કરવું અને તબીબી સલાહ વિના દવાઓ ન આપવી એ જ બુદ્ધિમાની છે.
