કિસાન સંઘ સાથે બેઠક બાદ સરકારના મહત્વના નિર્ણય, તાર ફેન્સિંગ સબસીડીથી લઈને RTO રાહત સુધીના પગલાં
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભારતીય કિસાન સંઘ અને કિસાન મોર્ચાના હોદ્દેદારો સાથે બેઠક યોજીને ખેડૂતોના હિતમાં અનેક મહત્વના નિર્ણયોની જાહેરાત કરી છે. મંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું કે રાજ્ય સરકાર ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે અને તેમના ઉકેલ માટે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની બનેલી વિશેષ કમિટી સતત કાર્યરત છે. સરકારના આ હકારાત્મક વલણને કારણે ખેડૂતોમાં વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે અને ખેતીલક્ષી પાયાની સુવિધાઓમાં સુધારો કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા-નિર્દેશ મુજબ સત્વરે કામગીરી કરવામાં આવી રહી છે.
સિંચાઈ સુવિધામાં વધારો અને ખેતીમાં સબસિડીના દરમાં મોટો સુધારો
ખેડૂતોને પૂરતું સિંચાઈનું પાણી મળી રહે તે માટે સુજલામ-સુફલામ અને સૌની યોજના અંતર્ગત ગામના તળાવો અને ચેકડેમો ભરવાની પ્રક્રિયાને વધુ વેગ આપવામાં આવશે. મંત્રીશ્રીએ જણાવ્યું કે પાણીના તળ ઊંચા લાવવા માટે પાઇપલાઇન થકી વધુમાં વધુ જળાશયો ભરવાની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. આ ઉપરાંત, પાણીની બચત કરતી ફુવારા અને ડ્રીપ પદ્ધતિ અપનાવતા ખેડૂતો માટે સબસિડીમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. વડીલોપાર્જિત મિલકતના વારસદારોને સ્ટેમ્પ ડ્યૂટીમાંથી મુક્તિ આપવાનો ઐતિહાસિક નિર્ણય પણ સરકારે કિસાન સંઘની રજૂઆતને ધ્યાને રાખીને લીધો છે.
તાર-ફેન્સિંગ યોજનામાં ધરખમ વધારો અને આર.ટી.ઓ. નિયમોમાં રાહત
ખેતરમાં ઉભા પાકને જંગલી પશુઓથી બચાવવા માટે અમલી ‘તાર-ફેન્સિંગ યોજના’માં સરકારે મોટો ફેરફાર કર્યો છે. હવે ૨ હેક્ટર સુધીની જમીન ધરાવતા નાના ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઈ શકશે. આ યોજનામાં અગાઉ રનિંગ ફૂટ દીઠ મળતી રૂ. ૨૦૦ની સહાય વધારીને હવે રૂ. ૩૦૦ કરવામાં આવી છે. વધુમાં, ખેડૂતોની લાંબા સમયની માંગણીને સ્વીકારીને ટ્રેક્ટર-ટ્રોલીને ૫ વર્ષ સુધી આર.ટી.ઓ. પાસિંગમાંથી મુક્તિ આપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. વીજ ટાવરના પ્રશ્નો અને જમીન વળતર માટે પણ સરકાર આગામી સમયમાં નવી અને પારદર્શક પોલિસી જાહેર કરશે.
કૃષિ શિક્ષણની ગુણવત્તા અને રાસાયણિક ખાતર વિતરણની નવી પોલિસી
રાજ્યમાં કાર્યરત ખાનગી કૃષિ કોલેજોમાં શિક્ષણની ગુણવત્તા જળવાઈ રહે તે માટે સરકાર કડક વલણ અપનાવશે. આઈ.સી.એ.આર. (ICAR) ના નિયમોનું પાલન ન કરનાર કોલેજોની એડમિશન પ્રક્રિયા રદ કરવાની ચીમકી મંત્રીશ્રીએ આપી છે. આ માટે નીતિન સાંગવાનના અધ્યક્ષસ્થાને એક તપાસ સમિતિ પણ રચવામાં આવી છે. આ સાથે જ, વર્ષ ૧૯૯૯થી ચાલી આવતી રાસાયણિક ખાતર વિતરણની વ્યવસ્થામાં સુધારો કરીને ખેડૂતોને સરળતાથી ખાતર મળી રહે તે માટે નવી ખેડૂતલક્ષી પોલિસી બનાવવામાં આવશે. ગીર સોમનાથ અને જૂનાગઢના સેટલમેન્ટ ગામોના પ્રશ્નોનું પણ વન મંત્રી સાથે પરામર્શ કરી સકારાત્મક નિરાકરણ લાવવામાં આવશે.

