મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સ્ટાર્ટઅપ ક્ષેત્રે અગ્રેસર
ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાતની વધુ એક ઐતિહાસિક સિદ્ધિની જાહેરાત કરવામાં આવી છે. ભારત સરકારના DPIIT દ્વારા જાહેર કરાયેલા નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાતને વર્ષ ૨૦૨૪ માટે સતત પાંચમી વખત ‘બેસ્ટ પરફોર્મર સ્ટેટ’નો એવોર્ડ મળ્યો છે. અગાઉ ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૨માં પણ ગુજરાતે આ શ્રેષ્ઠતાનો તાજ પોતાના નામે કર્યો હતો. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકારની ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપતી મજબૂત નીતિઓના કારણે જ આજે ગુજરાત સ્ટાર્ટઅપ ક્ષેત્રે દેશમાં અગ્રેસર રહ્યું છે.
૧૬ હજારથી વધુ સ્ટાર્ટઅપ્સ અને આર્થિક પ્રોત્સાહન
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં નાખેલા ‘સ્ટાર્ટઅપ પોલિસી’ના પાયાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી ઊંચાઈ આપી છે. હાલમાં રાજ્યમાં ૧૬,૦૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સ ધમધમી રહ્યા છે. ગુજરાત ઔદ્યોગિક નીતિ હેઠળ ૪૩૦થી વધુ એકમોને રૂ. ૬૫ કરોડની માતબર આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. ખાસ કરીને મહિલાઓની આગેવાની હેઠળના ૮૫૦થી વધુ સ્ટાર્ટઅપ્સ અને ગ્રામીણ વિસ્તારોના ૩૫૦ જેટલા પાયાના સ્ટાર્ટઅપ્સ ગુજરાતની સર્વગ્રાહી વિકાસગાથાના સાક્ષી બન્યા છે. નવા વિચારોને મૂર્તિમંત કરવા માટે ૧૮૦થી વધુ ઇન્ક્યુબેટર્સ પણ કાર્યરત છે.
SSIP 2.0: વિદ્યાર્થીઓના ઇનોવેશન માટે ૩૦૦ કરોડનું બજેટ
રાજ્યમાં સંશોધન અને નવીનતાનું વાતાવરણ બનાવવા માટે ‘સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી ૨.૦’ (SSIP 2.0) અમલી બનાવવામાં આવી છે. આ પોલિસી અંતર્ગત આગામી ૫ વર્ષ માટે રૂ. ૩૦૦ કરોડનું બજેટ ફાળવાયું છે, જે શાળાથી લઈને યુનિવર્સિટી સુધીના વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સને આર્થિક પીઠબળ પૂરું પાડશે. હવે માત્ર અમદાવાદ-ગાંધીનગર જ નહીં, પણ સુરત, રાજકોટ અને જામનગર જેવા શહેરો પણ સ્ટાર્ટઅપ હબ તરીકે ઉભરી રહ્યા છે. યુવાનોના કૌશલ્યને નિખારવા માટે રાજ્ય સરકાર આગામી સમયમાં વધુ ‘i-Hub’ કેન્દ્રો સ્થાપવાનું આયોજન કરી રહી છે.
રાષ્ટ્રીય મિશનમાં ગુજરાતની મહત્વની ભૂમિકા
વર્ષ ૨૦૧૬માં શરૂ થયેલા ‘નેશનલ સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશન’માં ગુજરાત એક રોલ મોડેલ સ્ટેટ તરીકે કાર્ય કરી રહ્યું છે. ઇન્ક્યુબેટર્સ, શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગ સાહસિકો વચ્ચેના મજબૂત જોડાણને કારણે ગુજરાતે ઉદ્યોગ સાહસિકતાનું આદર્શ વાતાવરણ નિર્મિત કર્યું છે. મંત્રીમંડળની બેઠકમાં આ સફળતા માટે ઉદ્યોગ સાહસિકો અને વહીવટી તંત્રને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાતના આ સફળ સ્ટાર્ટઅપ્સ કરોડરજ્જુ સમાન સાબિત થશે, તેવો આત્મવિશ્વાસ સરકાર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

