રાજ્યમાં કડકડતી ઠંડીનું જોર, આઠ શહેરોમાં ૧૫ ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું
રાજ્યમાં માવઠા બાદ હવે ઠંડીનો વધુ એક તીવ્ર રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા બે દિવસથી ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. અમદાવાદ સહિત મોટા શહેરોમાં સવાર અને રાતના સમયે ઠંડીનો ચમકારો વધ્યો છે. સુસવાટાભર્યા પવનો સાથે વાતાવરણ વધુ ઠંડુ બન્યું છે. લોકો ગરમ કપડાંનો સહારો લેતા જોવા મળી રહ્યા છે.
આઠ શહેરોમાં તાપમાન ૧૫ ડિગ્રીથી નીચે
હાલની સ્થિતિ મુજબ રાજ્યના આઠ શહેરોમાં લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રીથી નીચે ઉતરી ગયું છે. અમદાવાદમાં સવારના સમયે તાપમાન ૧૩ ડિગ્રી નોંધાયું છે. નલિયામાં તાપમાન ૮ ડિગ્રી સુધી ગગડ્યું છે જ્યારે રાજકોટમાં ૯.૫ ડિગ્રી ઠંડી નોંધાઈ છે. ભુજમાં ૧૧ અને ગાંધીનગર તથા દાહોદમાં ૧૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે.
નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલમાં નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બની ગયું છે. નલિયામાં ૮ ડિગ્રી તાપમાન નોંધાતા ઠંડીનું જોર સ્પષ્ટ રીતે અનુભવાઈ રહ્યું છે. રાજકોટમાં પણ ૯ ડિગ્રી સાથે ઠંડીનું પ્રમાણ ઊંચું છે. ડીસામાં તાપમાન ઘટીને ૧૦ ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જેના કારણે ઠંડીની અસર વધી છે.
ઉત્તર ભારતની હિમવર્ષાની અસર ગુજરાત પર
ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ચાલી રહેલી હિમવર્ષાની સીધી અસર ગુજરાતના હવામાન પર જોવા મળી રહી છે. ઉત્તરપૂર્વથી પૂર્વ દિશા તરફ પવન ફૂંકાઈ રહ્યા છે. આ પવનોના કારણે લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડી વધુ તીવ્ર બની છે.
આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડાની આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં તાપમાનમાં હજુ બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. નવા વર્ષની શરૂઆતથી જ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. બીજી તરફ રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ ૩ ડિગ્રી સુધી પહોંચ્યું છે. ભારે ઠંડી છતાં પ્રવાસીઓ ઠંડા વાતાવરણમાં ફરવાનું માણતા નજરે પડી રહ્યા છે.

