સરકારી કાફલામાં EV નો વ્યાપ વધશે: સુધારેલી વાહન નીતિ હેઠળ GeM પોર્ટલ મારફતે પારદર્શક ખરીદી થશે
ગુજરાત સરકાર દ્વારા સરકારી વાહનોની ખરીદી પ્રક્રિયાને વધુ વ્યવહારુ, પારદર્શક અને આધુનિક બનાવવાના હેતુથી વાહન ખરીદ નીતિમાં મોટો અને મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને નાયબ મુખ્યમંત્રી તથા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં આ નવી સુધારેલી નીતિ અમલમાં મૂકવામાં આવી છે.
અગાઉની નીતિમાં મુખ્યત્વે અધિકારી કે મંત્રીના પદના આધારે વાહનની ફાળવણી કરવામાં આવતી હતી. પરંતુ બદલાતા સમય અને સરકારી કામગીરીના વિવિધ ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને, હવે વાહનની પસંદગી કામગીરીના વાસ્તવિક સ્વરૂપ અને સ્થળની સ્થિતિ મુજબ કરવામાં આવશે. આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ્ય ફીલ્ડમાં કામ કરતા અધિકારીઓને યોગ્ય વાહનો પૂરા પાડવાનો અને રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)ના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.

વાહન ખરીદ નીતિનો ક્રમશઃ વિકાસ: ૨૦૨૩ થી ૨૦૨૬ સુધીની સફર
રાજ્ય સરકાર દ્વારા ૧૧ એપ્રિલ ૨૦૨૩ના રોજ જૂની ૨૦૧૯ની નીતિના સ્થાને નવી નીતિ અમલી બનાવવામાં આવી હતી, કારણ કે જૂના ઘણા મોડલ્સનું ઉત્પાદન બંધ થઈ ગયું હતું અને બજારમાં નવી આધુનિક ટેક્નોલોજીવાળા વાહનો ઉપલબ્ધ થયા હતા.
૨૦૨૩ની નીતિમાં પદ અને હોદ્દાના આધારે કૅટેગરી-A થી કૅટેગરી-E સુધીનું માળખું ઘડવામાં આવ્યું હતું:
કૅટેગરી-A: મંત્રીઓ અને મુખ્ય સચિવ માટે.
કૅટેગરી-A1: અતિમહાનુભાવો (VVIP State Guests) માટે.
કૅટેગરી-B: બંધારણીય સંસ્થાઓ, બોર્ડ અને કોર્પોરેશનના વડાઓ માટે.
કૅટેગરી-C: કલેક્ટર, ડીડીઓ અને એસપી સહિતના જિલ્લા કક્ષાના અધિકારીઓ માટે.
કૅટેગરી-D: ખાતાના વડા અને સમકક્ષ અધિકારીઓ માટે.
કૅટેગરી-E: સરકારી કચેરીઓ માટે સ્ટાફ કાર (Staff Car) ની જોગવાઈ.
હવે, ૨૦૨૬ના નવા સુધારામાં આ અગાઉની કૅટેગરીઓને યથાવત્ રાખીને તેમાં કામગીરી આધારિત બે નવી અત્યંત મહત્વપૂર્ણ કૅટેગરીઓ—કૅટેગરી-F અને કૅટેગરી-F1 ઉમેરવામાં આવી છે.
કૅટેગરી-F: ફીલ્ડ ઇન્સપેક્શન અને એન્ફોર્સમેન્ટ માટે ખાસ વાહનો
જે અધિકારીઓ અને કર્મચારીઓએ સતત મેદાનમાં રહીને તપાસ, નિરીક્ષણ કે કાયદાના અમલીકરણ (Enforcement) ની કામગીરી કરવાની હોય છે, તેમના માટે કૅટેગરી-F બનાવવામાં આવી છે.
આ કૅટેગરી હેઠળ મજબૂત, ટકાઉ અને સુવિધાયુક્ત વાહનોની યાદી તૈયાર કરાઈ છે, જેમાં Mahindra Scorpio N Z4 4X4, Mahindra Thar Roxx MX5, Mahindra Bolero Neo N10 (O), Kia Carens Clavis HTE (O), Maruti Suzuki Ertiga ZXI Plus અને Toyota Rumion V નો સમાવેશ થાય છે.
આ જોગવાઈથી ફીલ્ડમાં ફરજ બજાવતા અધિકારીઓની કાર્યક્ષમતામાં મોટો વધારો થશે અને તેઓ કોઈપણ ભૌગોલિક સ્થિતિમાં પોતાની ડ્યુટી સરળતાથી બજાવી શકશે.

કૅટેગરી-F1: અતિ મુશ્કેલ અને ઓલ-ટેરેન (Off-Road) કામગીરી માટે સુવિધા
રાજ્યના કેટલાક વિભાગોની કામગીરી શહેરોથી દૂર અંતરિયાળ વિસ્તારો, જંગલો કે કાચા રસ્તાઓ પર હોય છે. આવા અધિકારીઓ માટે ‘કૅટેગરી-F1 – Officers on Off Road Duties’ નો ઉમેરો કરવામાં આવ્યો છે.
આ કૅટેગરી ખાસ કરીને નીચે મુજબના વિભાગો માટે અત્યંત ઉપયોગી નીવડશે:
ગૃહ વિભાગ અને મહેસૂલ વિભાગ
વન અને પર્યાવરણ વિભાગ
ઉદ્યોગ અને ખાણ વિભાગ
નર્મદા, જળસંપત્તિ અને કલ્પસર વિભાગ
પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને માર્ગ-મકાન વિભાગ
આ કૅટેગરીમાં કૅટેગરી-F ના તમામ વાહનો ઉપરાંત અતિ મુશ્કેલ રસ્તાઓ માટે Tata Yodha Pickup, Isuzu V-Cross 4WD Z, Mahindra Bolero Pick-Up 4WD અને Mahindra Bolero Camper Gold RX 4WD જેવા વિશિષ્ટ ફોર-વ્હીલ ડ્રાઇવ (4WD) અને પિકઅપ વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઇલેક્ટ્રિક વાહનો (EV) ને પ્રોત્સાહન અને પર્યાવરણીય અભિગમ
ગુજરાત સરકારના આ નિર્ણયનું સૌથી આકર્ષક પાસું ઇલેક્ટ્રિક વાહનો (EV) નો વ્યાપક સ્વીકાર છે. ૨૦૨૩ ની નીતિમાં કૅટેગરી-D અને E માં માત્ર Tata Tigor EV નો સમાવેશ કરાયો હતો.
પરંતુ ૨૦૨૬ ના નવા સુધારામાં ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે નવી કૅટેગરી-F માં Mahindra XUV400 EL Pro 39.4 kWh અને Tata Nexon EV Creative 45 જેવા વધુ રેન્જ અને ક્ષમતા ધરાવતા EV મોડલ્સને સ્થાન આપવામાં આવ્યું છે.
હવે માત્ર સામાન્ય કચેરીના કામકાજ માટે જ નહીં, પરંતુ ફીલ્ડ ઇન્સપેક્શન અને ચકાસણી જેવી સઘન કામગીરી માટે પણ અધિકારીઓ ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરી શકશે. આ નિર્ણય રાજ્યના પર્યાવરણ રક્ષણ અને હરિત ઉર્જા (Green Energy) ની નીતિ સાથે સુસંગત છે.
GeM પોર્ટલ દ્વારા પારદર્શક ખરીદી અને નાણાકીય શિસ્ત
નવી નીતિમાં સુવિધાઓ અને વાહનોનો વ્યાપ વધારવાની સાથે નાણાકીય અનુશાસન પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે:
તમામ વાહનોની ખરીદી ‘ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ’ (GeM) પોર્ટલ મારફતે વર્તમાન બજાર ભાવ મુજબ જ કરવાની રહેશે.
નિયત યાદી બહારના વાહનની ખરીદી માટે વિશેષ કારણો દર્શાવી સરકારની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય રહેશે.
આનાથી સરકારી ભંડોળનો યોગ્ય અને પારદર્શક ઉપયોગ સુનિશ્ચિત થશે.
