જનત્રીના દરથી જ સ્ટેમ્પ ડ્યુટી નક્કી કરવાના નવા નિયમથી ગેરરીતિઓ પર અંકુશ
ગુજરાતમાં દસ્તાવેજ નોંધણી અને સ્ટેમ્પ ડ્યુટીની વસૂલાત પ્રક્રિયામાં વધુ પારદર્શિતા લાવવા નોંધણી સર નિરીક્ષકની કચેરીએ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્યની તિજોરીને થતું નુકસાન અટકાવવા તથા ગેરરીતિઓ પર નિયંત્રણ મૂકવા માટે તલાટી-કમ-મંત્રીએ આપતા દાખલા અથવા પ્રમાણપત્રનો ઉપયોગ હવે દસ્તાવેજ નોંધણીમાં માન્ય ગણાશે નહીં. ખાસ કરીને મિલકતનું આયુષ્ય નક્કી કરવા અથવા ખેતીની જમીનને બિન પિયત ગણવાની પ્રક્રિયામાં આવા દાખલાઓનો આધાર લેવાની પ્રથા હવે સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે.
મિલકતનું મૂલ્યાંકન ઓછી બતાવવાના પ્રયાસ પર અંકુશ
તાજેતરમાં નોંધણી કચેરીના ધ્યાનમાં આવ્યું હતું કે કેટલાક સબ-રજિસ્ટ્રારો વેચાણ દસ્તાવેજોમાં બજાર કિંમત નક્કી કરતી વખતે તલાટીના દાખલાનો ઉપયોગ કરી રહ્યા હતા. આ રીતનો મૂળભૂત હેતુ મિલકતનું મૂલ્યાંકન ઓછું બતાવી સ્ટેમ્પ ડ્યુટીની રકમ ઘટાડવાનો હતો, જેના કારણે રાજ્ય સરકારને મોટું આવક નુકસાન થતું હતું. આ સાથે ગેરરીતિઓને પણ હવા મળતી હતી, જેને સામાન્ય ભાષામાં ચા-પાણીની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવતી. હવે આ પ્રથાને સંપૂર્ણપણે બંધ કરી સ્પષ્ટ મર્યાદા લાદવામાં આવી છે.
સબ-રજિસ્ટ્રારોને કડક માર્ગદર્શન
નાયબ નોંધણી સર નિરીક્ષક એસ.આર. તાબિયાર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં તમામ સબ-રજિસ્ટ્રારોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ પરિસ્થિતિમાં તલાટીના દાખલા આધારે દસ્તાવેજની નોંધણી કરવી નહીં. સ્ટેમ્પ ડ્યુટી નક્કી કરવા માટે માત્ર એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ એટલે કે જનત્રીમાં આપેલા દરોને આધાર માનવાનો રહેશે. 13 એપ્રિલ 2023ના મહેસૂલ વિભાગના ઠરાવમાં મિલકતના ઘસારા અને મૂલ્યાંકન સંબંધી જે કોષ્ટક આધારિત પદ્ધતિ આપવામાં આવી છે, તેનો જ ઉપયોગ હવેથી ફરજિયાત ગણાશે. અમુક દાખલા રજૂ કરીને મૂલ્ય ઓછું બતાવવાની તક હવે ઉપલબ્ધ રહેશે નહીં.
બિન પિયત જમીનના દાખલા પર પણ રોક
આ નવો આદેશ માત્ર મિલકતોના આયુષ્ય સુધી મર્યાદિત નથી, પરંતુ ખેતીની જમીનને બિન પિયત જાહેર કરવાની અગાઉથી ચાલતી રીત પર પણ રોક મૂકવામાં આવી છે. અગાઉ તલાટીના પ્રમાણપત્રના આધારે જમીનને બિન પિયત ગણી સ્ટેમ્પ ડ્યુટી નક્કી કરવામાં આવતી હતી, પરંતુ હવે આવી પ્રથા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આથી ખાતરી થશે કે જમીનના સ્વરૂપ અને ઉપયોગ અંગે સાચી માહિતી જ ઉપયોગમાં લેવામાં આવશે અને સરકારની આવકમાં જરૂરી વૃદ્ધિ થશે.
પારદર્શિતા અને આવકમાં વધારો થવાની આશા
નવા નિયમોથી દસ્તાવેજ નોંધણીની આખી પ્રક્રિયામાં પારદર્શિતા વધશે અને ગેરરીતિઓમાં ઘટાડો થશે એવી મજબૂત આશા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યની તિજોરીને થતું આવક નુકસાન અટકાવામાં પણ આ નિર્ણય મહત્વનો સાબિત થશે. સ્ટેમ્પ ડ્યુટી અંગેના નિર્ણયમાં સ્પષ્ટતા આવશે અને મિલકતોના મૂલ્યાંકનને લઇ ગેરસમજ અથવા ગેરલાભ લેવાની સંભાવનાઓ પર અસરકારક નિયંત્રણ મૂકાશે.

