અડધું સત્ર પૂર્ણ છતાં શિક્ષક વિના શાળાઓ, વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સંકટ
રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતી લાંબા સમયથી ન થતાં તેની સીધી અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર પડી રહી છે. અડધું શૈક્ષણિક સત્ર પૂર્ણ થઈ ગયું હોવા છતાં અનેક શાળાઓમાં હજુ સુધી વિષયવાર શિક્ષકો ઉપલબ્ધ નથી. સરકાર દ્વારા જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી હોવા છતાં અંગ્રેજી અને મનોવિજ્ઞાન જેવા મહત્વના વિષયોમાં એકપણ ઉમેદવાર મળ્યો નથી. અંગ્રેજીના ૭૦૦ અને મનોવિજ્ઞાનના ૩૦૦ પદો ખાલી રહ્યા હોવાથી સરકારને બીજી વખત જ્ઞાન સહાયકની જાહેરાત આપવાની ફરજ પડી છે. શાળા સંચાલક મંડળે આ મુદ્દે આક્ષેપ કર્યો છે કે રાજ્યના બંને શિક્ષણ મંત્રીઓ ઉચ્ચ શિક્ષિત હોવા છતાં કાયમી શિક્ષકોની ભરતી સમયસર ન થવી ગંભીર બાબત છે.
આગામી ૨૭મી માર્ચથી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે ત્યારે અંદાજે ૪૦ ટકા વિદ્યાર્થીઓ શિક્ષક વિના પરીક્ષા આપવા મજબૂર બનશે. આંકડાશાસ્ત્ર, ભૂગોળ, અંગ્રેજી, મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્ર જેવા વિષયોમાં શિક્ષકોની ભારે અછત સર્જાઈ છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા પ્રોવિઝનલ લિસ્ટ મુજબ ધોરણ ૧૧-૧૨માં અંગ્રેજી અને મનોવિજ્ઞાન માટે એકપણ ઉમેદવાર મળ્યો નથી, જ્યારે કેટલાક વિષયોમાં માંગ સામે ગણીગણીને જ શિક્ષકો મળ્યા છે. અમદાવાદ શહેરમાં પણ મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી હોવાથી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.
રાજ્યની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં માધ્યમિક વિભાગમાં આશરે ૧૮ હજાર અને પ્રાથમિક વિભાગમાં ૧૩ હજારથી વધુ જગ્યાઓ ખાલી છે. શાળા સંચાલકોનું માનવું છે કે જ્ઞાન સહાયકની નીતિ બંધ કરી કાયમી ભરતી કરવી જોઈએ. ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોની વ્યવસ્થા કરવામાં આવે અને જો તે પણ શક્ય ન હોય તો ભરતીની લાયકાતોમાં લવચીકતા રાખી તાલીમી અનુસ્નાતક તથા સ્નાતકોને તક આપવામાં આવે તેવી માંગ સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે.

