ગુજરાત યુનિવર્સિટીમાં herSTARTના પાંચમા સંસ્કરણનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ‘વિકાસ ત્રિવેણી’ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે તેમણે યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરનું નામ ગુજરાતના પ્રથમ મહિલા સ્નાતક વિદ્યાગૌરી નિલકંઠના નામ પરથી ‘વિદ્યાગૌરી નિલકંઠ સભાપુરમ’ રાખવાની જાહેરાત કરી હતી. સાથે જ તેમણે નવનિર્મિત રિસર્ચ પાર્કનું લોકાર્પણ કર્યું અને મહિલા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપતા ‘herSTART’ કાર્યક્રમની પાંચમી આવૃત્તિનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે ગુજરાત સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિમેન-લેડ ડેવલપમેન્ટ’ (મહિલા નેતૃત્વ હેઠળનો વિકાસ) ના વિઝનને સાકાર કરવા કટિબદ્ધ છે.
મહિલા સ્ટાર્ટઅપ્સમાં ભારતની હરણફાળ અને સરકારી સહાય
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે એક દાયકા પહેલા દેશમાં માત્ર ૫૦૦ સ્ટાર્ટઅપ્સ હતા, જે આજે વધીને અંદાજે ૨ લાખ સુધી પહોંચી ગયા છે. ખાસ વાત એ છે કે આમાં મહિલાઓની ભાગીદારી અડધોઅડધ છે અને ભારત હવે મહિલા સંચાલિત સ્ટાર્ટઅપ ફંડિંગમાં વિશ્વમાં અગ્રિમ હરોળમાં છે. GUSEC દ્વારા ચલાવવામાં આવતો herSTART કાર્યક્રમ મહિલા ઉદ્યોગસાહસિકોને માર્ગદર્શન અને માર્કેટ સપોર્ટ પૂરો પાડે છે. રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી ૨.૦ માટે રૂ. ૪૫ કરોડની જોગવાઈ કરી છે, જેથી યુવાશક્તિ ટેકનોલોજી અને રિસર્ચમાં આત્મનિર્ભર બની શકે.
સેમિકંડક્ટર ક્ષેત્રે નારીશક્તિ માટે નવી તકો
સાણંદ અને ધોલેરામાં બની રહેલા સેમિકંડક્ટર હબનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ સેક્ટરમાં મહિલાઓ માટે હાઈટેક રોજગારીની મોટી તકો છે. તેઓ ઈચ્છે છે કે herSTART ના માધ્યમથી મહિલાઓ સેમિકંડક્ટર સ્ટાર્ટઅપ્સ, ચિપ ડિઝાઇન, ફેબ્રિકેશન અને ડીપટેક ઇનોવેશન જેવા ક્ષેત્રોમાં આગળ આવે. ટેકનોલોજીને માત્ર કરિયર નહીં પણ રાષ્ટ્ર નિર્માણનું મિશન ગણાવતા તેમણે ગુજરાતને ‘વિમેન-લેડ ડીપટેક ઇનોવેશન હબ’ બનાવવાનું આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં સફળ મહિલા સ્ટાર્ટઅપ્સનું સન્માન કરવામાં આવ્યું હતું અને એક કોફીટેબલ બુકનું વિમોચન પણ કરાયું હતું.

