ઉત્તરાયણ પહેલા ઠંડી વધશે, જાન્યુઆરી રહેશે સૌથી ઠંડો મહિનો
ડિસેમ્બર મહિનો અડધાથી વધુ પસાર થઈ ગયો છે, છતાં ગુજરાતમાં હજી સુધી શિયાળાની કડક ઠંડીનો અનુભવ થયો નથી. સવાર અને રાતે હલકી ઠંડક અનુભવાય છે, પરંતુ લોકો જે તીવ્ર શિયાળાની અપેક્ષા રાખે છે તે હજી દેખાતી નથી. અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઠંડીનું જોર વધવા માટે હજી થોડો સમય લાગશે. આગામી દિવસોમાં તાપમાન ધીમે ધીમે ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
પવનની દિશા બદલાતા તાપમાનમાં ફેરફારની સંભાવના
અમદાવાદ હવામાન વિભાગે આગામી સાત દિવસ માટેનું હવામાન અનુમાન જાહેર કર્યું છે. હાલ રાજ્યમાં પવનની દિશામાં ફેરફાર નોંધાયો છે અને ઉત્તરપૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે તાત્કાલિક લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જો કે, આગામી 24 કલાક બાદ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટી શકે છે.
ડિસેમ્બર અંત સુધી વરસાદની શક્યતા નહીં
હવામાન વિભાગના અનુમાન અનુસાર સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં 28 ડિસેમ્બર સુધી વાતાવરણ શુષ્ક રહેશે. આ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારના વરસાદની સંભાવના નથી. શુષ્ક હવામાનને કારણે ઠંડી ધીમે ધીમે અનુભવાશે. આ દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે, જેનાથી શિયાળાની અસર થોડી વધશે.
અંબાલાલ પટેલની આગાહી, આકરી ઠંડી માટે તૈયારી રાખો
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 23 ડિસેમ્બર આસપાસ હળવો પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાની શક્યતા છે. આ વિક્ષોભના કારણે દેશના ઉત્તરીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે. તેની સીધી અસર ગુજરાતમાં ઠંડી વધવામાં જોવા મળશે. તેમના કહેવા મુજબ 22 ડિસેમ્બર બાદ અને ફરી 27 ડિસેમ્બર પછી ઠંડી વધુ તીવ્ર બનશે.
જાન્યુઆરી મહિનો રહેશે વધુ ઠંડોગાર
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે જાન્યુઆરી 2026 મહિનો ઠંડોગાર રહેવાની પૂરી શક્યતા છે. ઉત્તરાયણ દરમિયાન પવનની ગતિ ક્યાંક તેજ અને ક્યાંક મધ્યમ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જાન્યુઆરીમાં હળવા અને મધ્યમ પશ્ચિમી વિક્ષોભ આવવાથી વાતાવરણમાં પલટો આવી શકે છે. હાલના સંજોગોને જોતા ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાવવા માટે પવન અનુકૂળ રહેવાનો અંદાજ છે.

