હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોને થોડી રાહત, આગામી દિવસોમાં વરસાદની શક્યતા નકારાઈ
ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે જામી રહ્યો હતો ત્યારે અચાનક વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે. 31 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા પડ્યા હતા. નવા વર્ષની શરૂઆત એટલે 1 જાન્યુઆરી, 2026ના દિવસે પણ અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ યથાવત્ રહ્યું છે. આ પરિસ્થિતિએ ખાસ કરીને ખેડૂતોમાં ચિંતા વધારી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં તાપમાનમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.
સાબરકાંઠામાં વાદળછાયું વાતાવરણ અને ખેડૂતોની ચિંતા
સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ અચાનક વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું. સાથે સાથે અનેક વિસ્તારોમાં ધુમ્મસ પણ જોવા મળ્યું હતું, જેના કારણે ખેતરોમાં કામ કરતા ખેડૂતોમાં ચિંતા વધી છે. ઘઉં, બટાકા, ચણા અને શાકભાજી જેવા પાકોને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાનની અનિશ્ચિતતાને કારણે ખેડૂતોએ પાક બચાવવાની તૈયારી શરૂ કરી છે.
અરવલ્લીમાં ઠંડીનો પારો ગગડ્યો, પાક માટે આશા
અરવલ્લી જિલ્લામાં ઠંડીનું જોર વધ્યું છે અને વહેલી સવારે તાપમાન 14 ડિગ્રી સુધી ઘટ્યું છે. ગાઢ ધુમ્મસના કારણે વાહનચાલકોને મુસાફરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, કાતિલ ઠંડીને કારણે ઘઉં જેવા શિયાળુ પાક માટે લાભદાયી માહોલ સર્જાયો છે. ખેડૂતોને આશા છે કે યોગ્ય ઠંડી રહેતા ઉત્પાદન વધશે. ઠંડી વધતા સામાન્ય લોકો પણ ઠુંઠવાયા છે.
ગીર સોમનાથમાં કાળા વાદળો અને કેરીના પાકની ચિંતા
ગીર સોમનાથ જિલ્લામાં સવારથી જ ઘેરા કાળા વાદળો છવાતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. અગાઉના કમોસમી વરસાદ બાદ સંભાળે ઉભા થયેલા ખેડૂતો ફરી મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને કેસર કેરીના ફ્લાવરિંગ અને ઘઉંના પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. વાદળછાયું વાતાવરણ રહેતા રોગચાળો અને જીવાત ફેલાવાની શક્યતા પણ વધી છે.
દક્ષિણ ગુજરાતમાં શિયાળે વરસાદી ઝાપટાં
ઉત્તર ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં શિયાળાની મોસમમાં અચાનક વરસાદી ઝાપટાં પડ્યા હતા. નવસારીના મરોલી પંથકમાં હળવો કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે જનજીવન પર અસર પડી છે. કેરી, ચીકુ અને અન્ય પાકોને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. ઠંડી સાથે વરસાદ પડતા મુસાફરોને પણ અવરજવરમાં અસુવિધા પડી રહી છે.
હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોને રાહત
હવામાન વિભાગની તાજી આગાહી મુજબ નવા વર્ષની શરૂઆતથી બે દિવસ સુધી તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં તાપમાન ફરી વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે. મહત્વની વાત એ છે કે હાલ કોઈ મોટા વરસાદની આગાહી નથી, જેના કારણે ખેડૂતોને થોડી રાહત મળી છે. જોકે, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે હળવા છાંટા નોંધાયા હતા.

