રાજ્યમાં ભારે વરસાદના વાવડ મળી રહયા છે ત્યારે સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં બારે મેઘ ખાંગા થયા છે અને ચારે તરફ પાણી પાણી નજરે પડી રહ્યું છે અને હોનારત સર્જાતા લોકો ભયભીત બન્યા છે.
ગિરનાર પર્વત ઉપર 14 ઇંચ જેટલો વરસાદ થતાં પર્વત ઉપરનું પાણી શહેરમાં ઘૂસ્યા બાદ જૂનાગઢ શહેરમાં આજે 8 ઈંચ જેટલો વરસાદ વરસતા અહીં સ્થિતિ વિકટ બની છે.
જૂનાગઢમાં હાલ જળ હોનારતનો માહોલ છે, મુબારક બાગ વિસ્તારમાં તો મકાનો ડૂબ્યા હતા.
રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે. રસ્તા પર વાહનો ડુબી રહ્યા છે. જેથી વાહનચાલકોની સ્થિતિ હાલ ખુબ ખરાબ જોવા મળી છે. ભવનાથ વિસ્તારમાં કેબિનો, રેકડી, ગાયો સહિત પશુઓ પણ તણાયા હતા. કડવા ચોક નજીક આવેલું મુબારક પરામાં પણ આવી જ સ્થિતિ છે. લોકોના ઘરમાં રહેલા ઘરવખરીનો સામાન પણ તણાઈ ગયા હતા.
કાળવા પૂલ પર પાણીનો ભારે પ્રવાહ વહેતા હાલ આ પૂલને પર અવર-જવર માટે પોલીસે બંધ કરી દીધો છે. લોકોમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
દૂર્વેશનગર, ગણેશ નગર, જોષીપરા સહિતના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. અનેક મકાનોમાં નદીઓની જેમ પાણી વહી રહ્યા છે. શહેર દરિયો બન્યો તો રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે. આ વચ્ચે એક યુવક પણ કાર સાથે જ તણાયો હતો.