રાજ્યમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા 8.5 લાખ બેરોજગાર યુવાનો ઉમટી પડતા એસટીને ધૂમ આવક થઈ છે,જેમાં ગુજરાત એસટી વિભાગને માત્ર એક જ દિવસમાં રૂ.10 કરોડ કરતાં વધુની આવક થઈ.
જેમાં 16 ડીવીઝનમાં મહેસાણા ડિવિઝનને સૌથી વધુ એક કરોડ કરતાં વધુ આવક થઈ છે.
એસટી વિભાગ દ્વારા દરેક જિલ્લામાં કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયો હતો. એક જ દિવસમાં ગુજરાત એસટીએ 3650 એકસ્ટ્રા ટ્રિપનું આયોજન કરતાં રાજ્યમાં કુલ 2 લાખ 18 હજાર 902 પરીક્ષાર્થીએ એસટી બસમાં મુસાફરી કરી હતી. એના થકી એસટી વિભાગને કુલ 10 કરોડ રૂપિયા કરતાં વધુની આવક થઈ હતી.
મહેસાણા એસટી ડિવિઝન અંતર્ગત આવતાં 12 એસટી ડેપો પરથી તલાટીની પરીક્ષા માટે કુલ 500 એકસ્ટ્રા ટ્રિપોનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે પરીક્ષાના દિવસે વહેલી સવારથી લઈ મોડી રાત્રિ સુધી બસો દોડાવવામાં આવી હતી. મહેસાણા ડિવિઝનમાં જ 30 હજાર કરતાં વધુ પરીક્ષાર્થીઓએ એસટી બસમાં મુસાફરી કરી હતી. એને કારણે મહેસાણા ડિવિઝનને એક જ દિવસમાં 1 કરોડ 3 લાખ રૂપિયાની આવક થઈ છે, જે રાજ્યમાં એસટી વિભાગના 16 ડિવિઝનમાં સૌથી વધુ આવક છે.