રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જ્યારે આજે સવારના 6 થી 8 વાગ્યા સુધીમાં 53 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
આજે સવારથી જ સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલી અને કચ્છ જિલ્લામાં વરસાદ ચાલુ છે. કચ્છના ભુજ અને નખત્રાણા વહેલી સવારથી જ વરસાદ પડવાનું શરૂ છે.
આજે સવારના 6 થી 8 વાગ્યા સુધીમાં જામનગરમાં દોઢ ઈંચ વરસાદ થયો છે જ્યારે દ્વારકા, લાઠી, કલ્યાણપુર અને ગીર ગઢડામાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો છે.
કચ્છ જિલ્લાના ભુજ અને નખત્રણામાં આજે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે.
વીતેલા 24 કલાકમાં ધંધુકામાં 5 ઈંચ,
પોરબંદર અને જામનગરમાં સાડા 4 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે દાંતીવાડા, પલસાણામાં 4 ઈંચ વરસાદ, પારડી અને રાણાવાવમાં પોણા 4 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત ખેરગામ, જોડિયા અને ધોલેરામાં સાડા 3 ઈંચ, અમદાવાદ શહેરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો છે.
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં સતત પડી રહેલા વરસાદના કારણે ગોંડલ પંથકના વિસ્તારોમાં આવેલા જળાશયોમાં નવા નીર આવ્યા છે અને આશાપુરા ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે,આશાપુરા ડેમ ઓવરફ્લો થતાં ગોંડલી નદી પણ ગાંડી તૂર થઈ છે. નદીની આસપાસમાં રહેતા ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરાયા હતા
આગામી ચાર દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. આ દિવસો દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.