ઈરાન સામે ખાડી દેશોના વલણમાં મોટો ફેરફાર: શું UAE અને સાઉદી અરેબિયા યુદ્ધમાં જોડાશે?
મધ્ય પૂર્વના રાજકારણમાં એક મોટો વળાંક જોવા મળી રહ્યો છે. ઈરાન વિરુદ્ધ અમેરિકા અને ઈઝરાયેલના ચાલી રહેલા સંઘર્ષમાં અત્યાર સુધી તટસ્થ કે શાંતિની અપીલ કરનારા ખાડી દેશોના વલણમાં હવે ગંભીર બદલાવ આવ્યો છે. તાજેતરના અહેવાલો મુજબ, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને સાઉદી અરેબિયા જેવા દેશો હવે ઈરાન પરના હુમલા ચાલુ રાખવા માટે વોશિંગ્ટન પર દબાણ કરી રહ્યા છે.
ઈઝરાયેલી મીડિયા આઉટલેટ ‘ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ’ના અહેવાલ મુજબ, ખાડીના ચાર દેશોના વરિષ્ઠ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે તેઓ ઈચ્છે છે કે આ યુદ્ધના અંતે ઈરાનની સૈન્ય તાકાત એટલી નબળી પડી જાય કે તે ભવિષ્યમાં તેમના માટે ખતરો ન બની રહે.
શા માટે ખાડી દેશો ઈરાનની વિરુદ્ધ થયા?
યુદ્ધની શરૂઆતમાં સાઉદી અરેબિયા અને અન્ય પાડોશી દેશોએ ટ્રમ્પ વહીવટીતંત્રને ઈરાન સામે સીધું યુદ્ધ ન છેડવાની ચેતવણી આપી હતી. જોકે, બદલાયેલી પરિસ્થિતિ પાછળ કેટલાક મુખ્ય કારણો જવાબદાર છે:
સીધા હુમલાઓનો ભય: યુદ્ધ શરૂ થયા બાદ ઈરાને માત્ર ઈઝરાયેલ કે અમેરિકી ઠેકાણાઓ પર જ નહીં, પરંતુ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) ના તમામ છ દેશો પર પણ વારંવાર હુમલા કર્યા છે. ઈરાને નાગરિક વિસ્તારો અને મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવતા ખાડી દેશોમાં રોષ વ્યાપ્યો છે.
વ્યૂહાત્મક જોખમ: ખાડી દેશો હવે અનુભવી રહ્યા છે કે જો ઈરાન પાસે તેની સૈન્ય શક્તિ અને હથિયારો અકબંધ રહેશે, તો તે પ્રાદેશિક સુરક્ષા માટે કાયમી ખતરો બની રહેશે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, “ઈરાન પાસે હથિયારો રહેવા દઈને યુદ્ધ સમાપ્ત કરવું એ વ્યૂહાત્મક આપત્તિ સમાન હશે.”
શું આરબ દેશો ઈઝરાયેલ-અમેરિકા સાથે યુદ્ધમાં જોડાશે?
સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ઈરાનની સૈન્ય ક્ષમતાઓને ખતમ કરવા માટે સાઉદી અરેબિયા અને UAE જેવા દેશો હવે અમેરિકા અને ઈઝરાયેલના સૈન્ય અભિયાનમાં સક્રિયપણે જોડાવા પર વિચાર કરી રહ્યા છે. ખાડીના દેશોમાં હવે એવી સર્વસંમતિ બની રહી છે કે માત્ર રાજદ્વારી ઉકેલ પૂરતો નથી, પરંતુ ઈરાનને લશ્કરી રીતે નબળું પાડવું અનિવાર્ય છે.
જોકે, તમામ ખાડી દેશો આ મતના નથી. ઓમાન જેવા દેશો હજુ પણ મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યા છે. ઓમાનના વિદેશ મંત્રી બદ્ર અલ્બુસૈદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે દુશ્મનાવટ વહેલી તકે સમાપ્ત થવી જોઈએ, કારણ કે તે અમેરિકા અને ઈરાન બંનેના હિતમાં છે.
ખાડી દેશોની આ બદલાયેલી રણનીતિ મધ્ય પૂર્વના નકશાને બદલી શકે છે. જો સાઉદી અને UAE સીધા જ આ યુદ્ધમાં સામેલ થાય, તો તે ઈરાન માટે મોટો ફટકો સાબિત થશે. પરંતુ આ સાથે જ સમગ્ર પ્રદેશમાં લાંબા ગાળાના અસ્થિરતા અને તેલના ભાવમાં ઉછાળા જેવી સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે.
અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈચ્છે છે કે આ યુદ્ધ એ રીતે સમાપ્ત થાય કે ઈરાન તેના પાડોશી દેશોને નુકસાન પહોંચાડવાની ક્ષમતા સંપૂર્ણપણે ગુમાવી દે.

