2030 કોમનવેલ્થ ગેમ્સ માટે ગુજરાતનું પ્રતિનિધિમંડળ રજૂ કરશે વિશાળ પ્રેઝન્ટેશન
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે સ્કોટલેન્ડ માટે નીકળી ગયા છે, જ્યાં ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનની જનરલ એસેમ્બલીમાં તેઓ હાજરી આપશે. 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદને યજમાન શહેર તરીકે પસંદ કરાવવામાં ગુજરાત તરફથી આ મહત્વપૂર્ણ પ્રસ્તુતિ મનાઈ રહી છે. સંઘવી આ બેઠકમાં રાજ્ય સરકાર તરફથી શહેરની સુવિધાઓ અને આયોજનક્ષમતાની સાચી ઝાંખી રજૂ કરશે.
ગુજરાતના પ્રતિનિધિમંડળનું વિશાળ પ્રેઝન્ટેશન
આ પ્રવાસમાં હર્ષ સંઘવી સાથે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ, ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના સભ્યો અને ખેલકૂદ ક્ષેત્રના નિષ્ણાતોનું મોટુ ગ્રૂપ જોડાયુ છે. આ પ્રતિનિધિમંડળ ગ્લાસગોમાં AMC દ્વારા તૈયાર કરાયેલ એક વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરશે, જેમાં સુવિધાસભર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાફિક મેનેજમેન્ટ, સુરક્ષા તેમજ ખેલ મહોત્સવ માટે જરૂરી વ્યવસ્થાઓની જાણકારી આપવામાં આવશે. ગુજરાત દ્વારા કરવામાં આવી રહેલા આ પ્રયાસોથી અમદાવાદની દાવેદારી વધુ મજબૂત બની રહી છે.
આવતીકાલે જાહેર થશે 2030 ગેમ્સનું યજમાન શહેર
25 નવેમ્બરે યોજાનારી CGFની જનરલ એસેમ્બલીમાં આગામી કોમનવેલ્થ ગેમ્સ માટેના યજમાન શહેરની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. પ્રેઝન્ટેશન પૂર્ણ થયા બાદ સભ્યો મતદાન કરશે અને પ્રસ્તાવ સ્વીકારવામાં આવશે કે નહીં તેનો નિર્ણય થશે. અત્યાર સુધી મળતી માહિતીઓ અનુસાર અમદાવાદને મજબૂત દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યું છે, જેના કારણે રાજ્યમાં અપેક્ષા અને ઉત્સુકતા વધેલી છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે બેઠકોથી વધશે અમદાવાદની તકો
હર્ષભાઈ સંઘવી આ પ્રવાસ દરમ્યાન કોમનવેલ્થ દેશોના ખેલમંત્રી અને અધિકારીઓ સાથે પણ અનૌપચારિક તથા ઔપચારિક ચર્ચાઓ કરશે. આ ચર્ચાઓ અમદાવાદને યજમાની અપાવવા માટેના માર્ગોને વધુ સરળ બનાવે તેવી અપેક્ષા છે. ગુજરાતના લોકોમાં આ ગૌરવપૂર્ણ જાહેરાતની આશા સાથે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

