હરિયાણામાં પાઈપ લાઈન ગેસનો વધતો ક્રેઝ: 76 હજાર ઘરોમાં પહોંચ્યું PNG, 1 જુલાઈથી શહેરોમાં સિલિન્ડર પર લાગી શકે છે રોક!
હરિયાણામાં ઘરેલું ગેસના વપરાશને લઈને એક મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે સર્જાયેલા એલપીજી સિલિન્ડરના સંકટે લોકોને વૈકલ્પિક વ્યવસ્થા તરફ વિચારતા કરી દીધા છે. આ સ્થિતિનો સામનો કરવા માટે હરિયાણા સરકાર હવે પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) ના જોડાણો વધારવા પર ભાર મૂકી રહી છે. આંકડાઓ મુજબ, માત્ર એક જ અઠવાડિયામાં અંદાજે 76 હજાર ગ્રાહકોએ પરંપરાગત સિલિન્ડર છોડીને પીએનજી કનેક્શન અપનાવ્યા છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારની નવી રણનીતિ
કેન્દ્રીય ગેસ અને પેટ્રોલિયમ મંત્રાલયે ગેસ વિતરણ કંપનીઓને કડક સૂચના આપી છે કે, જે વિસ્તારોમાં પીએનજી લાઈન પહેલેથી જ બિછાવવામાં આવી છે, ત્યાંના રહિશોને જાગૃત કરી પીએનજી કનેક્શન લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે. હરિયાણા સરકારે પણ આ દિશામાં મોટું પગલું ભર્યું છે. એવી ચર્ચાઓ છે કે 1 જુલાઈ પછી જે વિસ્તારોમાં પીએનજીની સુવિધા ઉપલબ્ધ છે, ત્યાં એલપીજી સિલિન્ડરની સપ્લાય બંધ કરવામાં આવી શકે છે. આ જાહેરાત બાદ લોકોમાં પીએનજી કનેક્શન લેવાની હોડ જામી છે.
શહેરોમાં પીએનજી જોડાણોની સ્થિતિ: ક્યાં કેટલો વધારો?
હરિયાણાના મુખ્ય શહેરોમાં પીએનજી ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે.
ગુરુગ્રામ: અહીં અગાઉ સવા બે લાખ જોડાણો હતા, જે હવે વધીને પોણા ત્રણ લાખની નજીક પહોંચી ગયા છે.
ફરીદાબાદ: અંદાજે 12,000 નવા ગ્રાહકોએ પીએનજી અપનાવ્યું છે.
સોનીપત અને રેવાડી: સોનીપતમાં 5,578 અને રેવાડીમાં 2,400 લોકોએ પાઈપ લાઈન ગેસ કનેક્શન લીધા છે.
કંપનીઓ દ્વારા નિયમ બનાવવામાં આવ્યો છે કે, જો કોઈ ઘર પીએનજીની મુખ્ય લાઈનથી 300 મીટરના વિસ્તારમાં હોય, તો અરજી કરનાર ગ્રાહકને તાત્કાલિક જોડાણ આપવામાં આવે છે.
જાગૃતિ અભિયાન અને વહીવટી મંજૂરી
હરિયાણાના ખાદ્ય અને પુરવઠા રાજ્ય મંત્રી રાજેશ નાગરે જણાવ્યું હતું કે, ગેસ એજન્સીઓ દ્વારા ગ્રાહકોને પીએનજીના ફાયદા સમજાવવા માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ અને અન્ય વિતરણ કંપનીઓએ જે વિસ્તારોમાં ગેસ લાઈન બિછાવવા માટે મંજૂરી માંગી હતી, તે તમામ અરજીઓને સરકાર દ્વારા તાત્કાલિક મંજૂર કરી દેવામાં આવી છે જેથી કામ ઝડપથી પૂર્ણ થઈ શકે.
શા માટે લોકો પીએનજી પસંદ કરી રહ્યા છે?
એલપીજી સિલિન્ડરના બદલે પીએનજી પસંદ કરવા પાછળ કેટલાક મજબૂત કારણો છે:
સતત સપ્લાય: સિલિન્ડર બુક કરાવવાની કે તેના ખાલી થવાની ચિંતા રહેતી નથી.
સલામતી: સિલિન્ડરની સરખામણીએ પીએનજીને વધુ સુરક્ષિત માનવામાં આવે છે.
જગ્યાની બચત: રસોડામાં ભારેખમ સિલિન્ડર રાખવાની જરૂર પડતી નથી.
કિંમતમાં રાહત: લાંબા ગાળે પીએનજી એલપીજી કરતા સસ્તું પડે છે.

