બાળકોમાં મેદસ્વિતા અટકાવવા જીવનશૈલી અને ખાનપાનમાં ફેરફાર જરૂરી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને પગલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મેદસ્વિતા માત્ર શરીરનો દેખાવ નથી, પરંતુ તે અનેક ગંભીર બીમારીઓનું મૂળ છે. જો સમયસર તકેદારી રાખવામાં આવે, તો જીવનશૈલીમાં નાના ફેરફારો કરીને તેને મ્હાત આપી શકાય છે.
બાળકોમાં વધતું જોખમ અને સ્ક્રિન ટાઈમ
આજના ડિજિટલ યુગમાં બાળકોમાં વધતો ‘સ્ક્રિન ટાઈમ’ મેદસ્વિતા માટે સૌથી મોટું કારણ બની રહ્યો છે. હાઈટેક ઉપકરણોના વપરાશને કારણે બાળકો મેદાનની રમતો અને વ્યાયામથી દૂર થઈ રહ્યા છે.
-
માતાપિતાની ભૂમિકા: બાળકોને મોબાઈલ કે ટીવીથી દૂર રાખી આઉટડોર રમતો માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.
-
શારીરિક પ્રવૃત્તિ: નિયમિત વ્યાયામ અને રમતગમતથી બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ વેગવંતો બને છે.
ખાનપાનમાં પરિવર્તન: જંકફૂડને કહો ‘ના’
ઝડપી જીવનશૈલીમાં પેકેજ્ડ અને પ્રોસેસ ફૂડનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. મેંદાવાળી વસ્તુઓ, વધુ પડતી મીઠાઈઓ અને કોલ્ડ્રિંક્સ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
૧. પૌષ્ટિક આહાર: રોજિંદા ખોરાકમાં તાજો અને રાંધેલો ખોરાક લેવો જોઈએ.
૨. ફળો અને શાકભાજી: વિટામિન અને મિનરલ્સના ભરપૂર સ્ત્રોત એવા ફળો અને લીલા શાકભાજીને બાળકોની આદત બનાવવી જોઈએ.
૩. જંકફૂડથી અંતર: નાસ્તાના પેકેટ કે જંકફૂડને બદલે પૌષ્ટિક નાસ્તો આપવાથી બાળકોમાં મેદસ્વિતા અટકાવી શકાય છે.
બીએમઆઈ (BMI): સ્વાસ્થ્ય માપવાનું સાધન
મેદસ્વિતાની સ્થિતિ જાણવા માટે બોડી માસ ઇન્ડેક્સ (BMI) એક વૈજ્ઞાનિક પરિમાણ છે. વ્યક્તિની ઊંચાઈ અને વજનના આધારે બીએમઆઈ માપી શકાય છે, જે નજીકના આરોગ્ય કેન્દ્ર પર ઉપલબ્ધ છે. મેદસ્વિતાને કારણે થતા બિન-ચેપી રોગો (Non-Communicable Diseases) થી બચવા માટે નિયમિત તપાસ અને જાગૃતિ એ જ શ્રેષ્ઠ સુરક્ષા છે.

