બોલિવિયામાં ચલણી નોટોથી ભરેલું વાયુસેનાનું વિમાન ક્રેશ, ૧૫ના કરૂણ મોત.
દક્ષિણ અમેરિકાના દેશ બોલિવિયામાં શુક્રવારે સાંજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. બોલિવિયાની વાયુસેનાનું શક્તિશાળી ‘હર્ક્યુલસ C-130’ વિમાન રાજધાની લા પાઝ પાસે આવેલા અલ અલ્ટો (El Alto) શહેરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૫ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે ૩૦ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે વિમાન એરપોર્ટની હદ તોડીને જાહેર રસ્તા પર આવી ગયું હતું.
અકસ્માત કેવી રીતે થયો?
સ્થાનિક સમય મુજબ શુક્રવારે સાંજે અંદાજે ૬:૦૦ વાગ્યે આ દુર્ઘટના બની હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાન લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે અચાનક રનવે પરથી લપસી ગયું હતું. વિમાનની ગતિ એટલી તેજ હતી કે તે એરપોર્ટની ફેન્સિંગ (જાળી) તોડીને બહાર નીકળી ગયું અને સીધું જ બાજુમાં આવેલા વ્યસ્ત હાઇવે પર ખાબક્યું હતું. હાઇવે પર જઈ રહેલા અનેક વાહનો અને કાર સાથે આ વિશાળ વિમાન અથડાયું હતું, જેના કારણે રોડ પર ઉભેલી ગાડીઓનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
આકાશમાંથી ચલણી નોટોનો વરસાદ
આ અકસ્માતની સૌથી ચોંકાવનારી વાત એ હતી કે આ કોઈ સામાન્ય પેસેન્જર વિમાન નહોતું. બોલિવિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ લશ્કરી વિમાનમાં દેશના વિવિધ ભાગોમાં વિતરણ કરવા માટે છાપેલી ‘નવી ચલણી નોટો’ લઈ જવામાં આવી રહી હતી. અકસ્માત થતા જ વિમાનમાં રહેલા નોટોના બોક્સ તૂટી ગયા હતા અને નવી ચકચકિત નોટો રસ્તા પર વિખરાઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં રસ્તા પર વિમાનના કાટમાળની સાથે હજારોની સંખ્યામાં નોટો ઉડતી જોવા મળી રહી છે.
રાહત અને બચાવ કામગીરી
ફાયર ચીફ પાવેલ તોવરે મીડિયાને જણાવ્યું હતું કે, બચાવ કામગીરી અત્યંત મુશ્કેલ હતી કારણ કે વિમાન હાઇવે પરની કાર સાથે અથડાયું હતું. હાલમાં એ સ્પષ્ટ નથી થયું કે જે ૧૫ લોકોના મોત થયા છે તે વિમાનમાં સવાર હતા કે રસ્તા પર જઈ રહેલી કારમાં હતા. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુરક્ષાના કારણોસર અલ અલ્ટો આંતરરાષ્ટ્રીય વિમાનમથકને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય એરલાઇનની સ્પષ્ટતા
અકસ્માત બાદ દેશમાં ફેલાયેલી અફવાઓ વચ્ચે રાષ્ટ્રીય એરલાઇન ‘બોલિવિયાના ડી એવિએશિયને’ સ્પષ્ટતા કરી છે કે આ દુર્ઘટનાગ્રસ્ત વિમાન તેમના કાફલાનું નહોતું, પરંતુ વાયુસેનાનું લશ્કરી વિમાન હતું. આ વિમાન સાન્ટા ક્રુઝ શહેરથી ઉડાન ભરીને અલ અલ્ટો આવી રહ્યું હતું.
આ ઘટનાએ સમગ્ર બોલિવિયાને હચમચાવી દીધું છે. એક તરફ ૧૫ લોકોના મોતનો શોક છે, તો બીજી તરફ કરોડોની ચલણી નોટો રસ્તા પર હોવાને કારણે સુરક્ષા એજન્સીઓ માટે આ વિસ્તારને સીલ કરવો એક મોટો પડકાર બની ગયો છે. તપાસ એજન્સીઓ અત્યારે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ અકસ્માત ટેકનિકલ ખામીને કારણે થયો હતો કે લેન્ડિંગ વખતે રનવેની સ્થિતિ ખરાબ હતી.

