કિડનીના દર્દીઓ માટે હાઈ-પ્રોટીન ડાયેટ કેમ છે જોખમી? નિષ્ણાત ડાયેટિશિયનની ચેતવણી
આજકાલ ફિટનેસ મેળવવા અને મસલ્સ બનાવવાની ઘેલછામાં પ્રોટીનનું સેવન વધારવાનો ક્રેઝ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. પ્રોટીન શેક, હાઈ-પ્રોટીન ડાયેટ અને પ્રોટીન સપ્લીમેન્ટ્સ દરેક વ્યક્તિની દિનચર્યાનો હિસ્સો બની રહ્યા છે. પરંતુ શું વધુ પડતું પ્રોટીન ખાવાથી શરીરને ફાયદો થાય છે કે નુકસાન?
આજના આધુનિક યુગમાં ફિટ રહેવા માટે પ્રોટીન ડાયેટ લેવાનો ટ્રેન્ડ ખૂબ જ લોકપ્રિય બન્યો છે. જિમ જતા યુવાનોથી લઈને વજન ઘટાડવા ઈચ્છતા લોકો સુધી, દરેક વ્યક્તિ પોતાના ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારી રહી છે. પ્રોટીન એ શરીર માટે અત્યંત મહત્વપૂર્ણ પોષક તત્વ છે, જે એમિનો એસિડથી બનેલું છે. તે આપણા કોષો, મસલ્સ, ત્વચા, વાળ અને નખના નિર્માણ તેમજ શરીરના રિપેરિંગમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
પરંતુ ફિટનેસની આ આંધળી દોડમાં લોકો એ ભૂલી રહ્યા છે કે કોઈપણ પૌષ્ટિક તત્વનું અતિશય સેવન શરીર માટે ઝેર સમાન બની શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે પ્રોટીન પણ આ નિયમમાંથી બાદ નથી.
ફિટનેસનો ભ્રમ અને અતિશય સેવનનું સાચું ગણિત
સમાજમાં અને સોશિયલ મીડિયા પર એવો ભ્રમ ફેલાવવામાં આવ્યો છે કે તમે જેટલું વધુ પ્રોટીન ખાશો, તેટલા વધુ ફિટ અને મજબૂત બનશો. જોકે તબીબી વિજ્ઞાન આ દાવાને સંપૂર્ણપણે સાચો માનતું નથી.
જો કોઈ વ્યક્તિ સંપૂર્ણપણે સ્વસ્થ છે, તો તે ટૂંકા સમય માટે હાઈ-પ્રોટીન ડાયેટ લે તો તેનાથી સામાન્ય રીતે કોઈ મોટો અકસ્માત થતો નથી. પરંતુ જો લાંબા સમય સુધી જરૂરિયાત કરતા વધુ પ્રોટીનનું સેવન કરવામાં આવે, તો તે શરીરના આંતરિક અંગો પર ભારે દબાણ લાવે છે. ખાસ કરીને રેડ મીટ કે પ્રોસેસ્ડ પ્રોટીન સપ્લીમેન્ટ્સમાંથી મેળવવામાં આવતું પ્રોટીન શરીરમાં સેચ્યુરેટેડ ફેટ વધારે છે, જે આગળ જતાં હૃદયરોગ અને હાઈ કોલેસ્ટરોલ જેવી ગંભીર સમસ્યાઓ નોતરી શકે છે.
કિડનીના દર્દીઓ અને પથરીનું જોખમ: એક્સપર્ટ્સની સલાહ
સિનિયર ડાયેટિશિયન અને આહાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જે લોકોને પહેલાથી જ કિડની સંબંધિત કોઈ બીમારી કે નબળાઈ છે, તેમણે હાઈ-પ્રોટીન ડાયેટથી ખાસ દૂર રહેવું જોઈએ.
જ્યારે આપણે પ્રોટીન પચાવીએ છીએ, ત્યારે શરીરમાં નાઇટ્રોજન જેવા ઉત્સર્ગ પદાર્થો બને છે, જે જેને ફિલ્ટર કરવાનું કામ કિડનીનું છે. વધુ પડતા પ્રોટીનથી કિડની પર વધારાનો બોજ પડે છે, જેનાથી કિડની ડેમેજ થવાનો ભય રહે છે. વિવિધ મેડિકલ સંશોધનો દર્શાવે છે કે બિનજરૂરી માત્રામાં એનિમલ પ્રોટીન લેવાથી કિડનીમાં પથરી (Kidney Stones) થવાનું જોખમ પણ અનેકગણું વધી જાય છે.
માત્ર પ્રોટીન પર ફોકસ કરવાથી થતા નુકસાન
હાઈ-પ્રોટીન ડાયેટ ફોલો કરતા લોકો અવારનવાર એક મોટી ભૂલ કરે છે. તેઓ પ્રોટીનની માત્રા વધારવા માટે ફળો, લીલા શાકભાજી, આખા અનાજ અને કઠોળનું સેવન ઘટાડી દે છે.
આના પરિણામે શરીરમાં ફાઇબર, એન્ટી-ઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સની ભારે ઉણપ સર્જાય છે. આહારમાં ફાઇબરનો અભાવ હોવાથી આંતરડાની ગતિ ધીમી પડી જાય છે અને વ્યક્તિને ક્રોનિક કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી પાચનની તકલીફો ઘેરી લે છે.
કેવો હોવો જોઈએ તમારો દૈનિક આહાર?
આરોગ્ય નિષ્ણાતો સલાહ આપે છે કે આંખ બંધ કરીને પ્રોટીનની પાછળ ભાગવાને બદલે તમારી ઉંમર, દૈનિક શારીરિક પ્રવૃત્તિ (Physical Activity) અને શરીરની તંદુરસ્તી મુજબ જ પ્રોટીનનું આયોજન કરવું જોઈએ. સામાન્ય રીતે એક સામાન્ય વયસ્ક વ્યક્તિ માટે પ્રતિ કિલો વજન દીઠ ૦.૮ થી ૧ ગ્રામ પ્રોટીન પર્યાપ્ત માનવામાં આવે છે.
ઉપરાંત, માત્ર સપ્લીમેન્ટ્સ કે પ્રોટીન પાવડર પર નિર્ભર રહેવાને બદલે કઠોળ, બીન્સ, સુકો મેવો (ડ્રાયફ્રૂટ્સ), દૂધ-પનીર જેવી ડેરી પ્રોડક્ટ્સ, ઈંડા અને માછલી જેવા કુદરતી સ્ત્રોતોમાંથી પ્રોટીન મેળવવું વધુ હિતાવહ છે. સાચું સ્વાસ્થ્ય માત્ર પ્રોટીનથી નહીં પણ તમામ પોષક તત્ત્વોથી ભરપૂર એવા સંતુલિત આહાર (Balanced Diet) થી જ મળે છે.