હિંમતનગરમાં કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો: શું દારૂબંધી માત્ર કાગળ પર?
સાબરકાંઠા: ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો અમલ કડકાઈથી કરવાના દાવાઓ વચ્ચે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. હિંમતનગર શહેરના A ડિવિઝન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાના આક્ષેપો સાથેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેના કારણે પોલીસ તંત્રની કામગીરી પર અનેક પ્રશ્નો ઊભા થયા છે.
ખેડતસિયા રોડ બન્યો અડ્ડો?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શહેરના વ્યસ્ત ગણાતા ખેડતસિયા રોડ પર આવેલા ભગવતી પેટ્રોલ પંપ અને ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડની ઓફિસની આસપાસનો વિસ્તાર હાલમાં અસામાજિક તત્વો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. અહીં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાના દાવાઓથી સ્થાનિક રહીશોમાં પણ ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે.
શિક્ષણના ધામ નજીક અસામાજિક પ્રવૃત્તિઓ
સૌથી ચિંતાજનક બાબત એ છે કે, આ વિસ્તારમાં વિદ્યાર્થીઓ માટેના અનેક ટ્યુશન ક્લાસીસ આવેલા છે. જ્યાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડાઈ રહ્યું છે, તેવા શૈક્ષણિક માહોલની સાવ નજીક જ દારૂના વેચાણ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવી તે વહીવટી તંત્રની નિષ્ક્રિયતા દર્શાવે છે. વાલીઓ અને સ્થાનિક લોકોમાં આ વાતને લઈને ખૂબ જ આક્રોશ છે કે વિદ્યાર્થીઓ માટે આ પ્રકારનું વાતાવરણ કેમ ખતરનાક બની રહ્યું છે.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો
ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં, આ પ્રકારના વીડિયો વાયરલ થવા તે પોલીસની કામગીરી પર મોટું ગ્રહણ લગાવી રહ્યા છે. લોકોમાં એવી ચર્ચા છે કે શું હિંમતનગર હવે ‘રાજસ્થાન’ જેવું બની ગયું છે, જ્યાં દારૂબંધીના નિયમોનો કોઈ ડર જ ન હોય? સામાન્ય નાગરિકો હવે પોલીસ તંત્રની કામગીરી સામે સ્પષ્ટ સવાલો કરી રહ્યા છે કે, જો આ વીડિયો સાચો હોય તો જવાબદાર લોકો સામે ક્યારે અને કેવી કાર્યવાહી કરવામાં આવશે?
શું આ અસામાજિક તત્વો સામે પોલીસ તંત્ર કોઈ કડક પગલાં ભરશે, કે પછી આ ઘટના માત્ર એક અહેવાલ બનીને જ રહી જશે? તે જોવું હવે અનિવાર્ય બન્યું છે.

