રસોઈ માટે કયું તેલ છે સર્વશ્રેષ્ઠ? તેલ ખરીદતી વખતે આ વાતોનું રાખશો ધ્યાન, તો હૃદય રહેશે હંમેશા હેલ્ધી
આપણા રસોડામાં વપરાતું તેલ માત્ર ખોરાકનો સ્વાદ જ નથી વધારતું, પણ તે આપણા સ્વાસ્થ્યનો પાયો પણ છે. ઘણા લોકો બજારમાં મળતા તેલના ડબ્બા કે પેકેટ તેની પાછળ આપેલી માહિતી વાંચ્યા વગર જ ખરીદી લેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ખોટા તેલનો વપરાશ શરીરમાં કોલેસ્ટ્રોલ વધારી શકે છે અને હૃદયની બીમારીઓ, હાર્ટ એટેક કે સ્ટ્રોકનું જોખમ ઊભું કરી શકે છે? ચાલો જાણીએ કે રસોઈ માટે કયું તેલ શ્રેષ્ઠ છે અને ખરીદતી વખતે કઈ બાબતો તપાસવી જોઈએ.
કયું તેલ વાપરવું જોઈએ? નિષ્ણાતોની સલાહ
નિષ્ણાતોના મતે, હંમેશા એક જ પ્રકારનું તેલ વાપરવાને બદલે તેને બદલતા રહેવું જોઈએ (Oil Rotation)
- જો તમે એક મહિનો સરસિયું (Mustard Oil) વાપરો છો, તો બીજા મહિને મગફળીનું તેલ (Groundnut Oil) વાપરો. આનાથી તમારા શરીરને જરૂરી તમામ પ્રકારના હેલ્ધી ફેટ્સ મળી રહેશે.
- તમારા કુકિંગ ઓઈલમાં મોનો-અનસેચ્યુરેટેડ (MUFA) અને પોલી-અનસેચ્યુરેટેડ (PUFA) ફેટનું યોગ્ય મિશ્રણ હોવું જોઈએ.
- ઓમેગા-૩ અને ઓમેગા-૬ આ બંને ફેટી એસિડ્સ હૃદયને સ્વસ્થ રાખવા માટે અનિવાર્ય છે. સૂર્યમુખી, કેનોલા અને કુસુમ (Safflower) જેવા તેલમાં આ તત્વો ભરપૂર હોય છે.
રસોઈ માટે સૌથી ઉત્તમ તેલના પ્રકારો
ભારતીય રસોઈ પદ્ધતિ મુજબ નીચેના તેલ સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે:
- ઓલિવ ઓઈલ (Olive Oil): તે હૃદય માટે વરદાન સમાન છે.
- સરસિયું તેલ: તે પરંપરાગત અને ગુણકારી છે.
- રાઈસ બ્રાન ઓઈલ: આ તેલનો સ્મોક પોઈન્ટ ઊંચો હોય છે, જે તળવા માટે ઉત્તમ છે.
- સોયાબીન અને સૂર્યમુખી તેલ: જે વિટામિન્સથી ભરપૂર હોય છે.
ખાસ ટિપ્સ: તમે રસોઈમાં ‘બ્લેન્ડેડ ઓઈલ’ (મિશ્રિત તેલ) નો પણ ઉપયોગ કરી શકો છો. જેમાં એક ચમચી દેશી ઘી, એક ચમચી સરસિયું અને એક ચમચી સૂર્યમુખી તેલનું મિશ્રણ કરી શકાય છે. બજારમાં અત્યારે ઘણી કંપનીઓ આવા બ્લેન્ડેડ ઓઈલ સીધા પણ વેચે છે.
તેલ ખરીદતી વખતે કઈ વાતો ચેક કરવી જોઈએ?
જ્યારે પણ તમે સુપરમાર્કેટમાં તેલ લેવા જાવ, ત્યારે લેબલ પર નીચેની વિગતો ખાસ વાંચો:
- કોલ્ડ પ્રેસ્ડ કે વુડ પ્રેસ્ડ ઓઈલ (Pressed Oil): કેમિકલથી રિફાઈન કરેલા તેલને બદલે લાકડાના ઘાણામાં પીલાયેલું અથવા પ્રેસ્ડ ઓઈલ લેવાનો આગ્રહ રાખવો. સરસિયું તેલ આ શ્રેણીમાં શ્રેષ્ઠ છે.
- ઓમેગા રેશિયો (Omega-3 & 6): તેલના પેકેટ પર જુઓ કે ઓમેગા-૩ નું પ્રમાણ ઉપર અને ઓમેગા-૬ નું પ્રમાણ તેની નીચે હોય. આનો અર્થ એ છે કે તેલમાં ઓમેગા-૩ વધુ છે, જે હૃદય માટે સારું છે.
- ઝીરો ટ્રાન્સ ફેટ (Zero Trans Fat): આ સૌથી મહત્વની વાત છે. જે તેલમાં ટ્રાન્સ ફેટ હોય તે નસોમાં બ્લોકેજ કરી શકે છે. હંમેશા ‘ઝીરો ટ્રાન્સ ફેટ’ લખેલું તેલ જ ખરીદવું.
- ફોર્ટિફાઈડ ઓઈલ: ઘણા તેલ વિટામિન A અને D થી ફોર્ટિફાઈડ (ઉમેરેલા પોષક તત્વો) હોય છે, જે હાડકાં અને આંખો માટે ફાયદાકારક છે.

