Hyundai Vernaને Bharat NCAP ક્રેશ ટેસ્ટમાં મળ્યા 5-સ્ટાર, સુરક્ષાના મામલે બની વધુ મજબૂત; પુખ્તો અને બાળકો બંને માટે શાનદાર પ્રદર્શન
ભારતીય કાર બજારમાં સેડાન કારની લોકપ્રિયતા વચ્ચે Hyundai Vernaએ સુરક્ષાના મામલે વધુ એક મોટી સિદ્ધિ મેળવી છે. 2026 Hyundai Vernaને ભારતના Bharat NCAP ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. ખાસ વાત એ છે કે કારને પુખ્ત મુસાફરોની સુરક્ષા ઉપરાંત બાળકોની સુરક્ષામાં પણ પાંચ સ્ટાર મળ્યા છે. આ પરિણામથી Hyundai Verna ખરીદવાનું વિચારી રહેલા ગ્રાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે.
આ પહેલાં ઓક્ટોબર 2023માં પણ Hyundai Vernaને Global NCAPના ક્રેશ ટેસ્ટમાં પાંચ સ્ટાર મળ્યા હતા. હવે Bharat NCAPમાં પણ ઉત્તમ પ્રદર્શન કરીને આ સેડાને પોતાની સુરક્ષાની ક્ષમતા સાબિત કરી છે.
પુખ્ત મુસાફરોની સુરક્ષામાં 28.22 પોઇન્ટ
Bharat NCAPના પરીક્ષણમાં Hyundai Vernaને Adult Occupant Protection એટલે કે પુખ્ત મુસાફરોની સુરક્ષા માટે કુલ 32માંથી 28.22 પોઇન્ટ મળ્યા છે. ફ્રન્ટલ ઓફસેટ ક્રેશ ટેસ્ટમાં કારને 16માંથી 12.45 પોઇન્ટ મળ્યા હતા. જ્યારે સાઇડ મૂવેબલ બેરિયર ટેસ્ટમાં તેણે 16માંથી 15.77 પોઇન્ટ મેળવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ટેસ્ટ દરમિયાન ડ્રાઇવર અને આગળ બેઠેલા મુસાફરના માથા અને ગરદનને સારી સુરક્ષા મળતી હોવાનું સામે આવ્યું હતું. જોકે, ડ્રાઇવર અને કો-ડ્રાઇવરના પેલ્વિસ તથા જાંઘના ભાગને માત્ર મર્યાદિત સુરક્ષા મળી હતી. સાઇડ ઇમ્પેક્ટ ટેસ્ટમાં પણ કારનું પ્રદર્શન સારું રહ્યું હતું.
બાળકોની સુરક્ષામાં પણ મેળવી મોટી સફળતા
Hyundai Vernaએ બાળકોની સુરક્ષાના મામલે પણ નોંધપાત્ર પરિણામ મેળવ્યું છે. Child Occupant Protection કેટેગરીમાં કારને કુલ 49માંથી 44 પોઇન્ટ મળ્યા છે.
આ પરીક્ષણમાં 18 મહિનાના અને ત્રણ વર્ષના બાળકનાં ડમીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બંને બાળકોને પાછળની તરફ મોઢું રાખીને બેસાડવામાં આવતી ચાઇલ્ડ સીટમાં રાખવામાં આવ્યા હતા. ડાયનેમિક ચાઇલ્ડ પ્રોટેક્શન ટેસ્ટમાં કારને સંપૂર્ણ 24માંથી 24 પોઇન્ટ મળ્યા હતા. જ્યારે ચાઇલ્ડ રિસ્ટ્રેઇન્ટ સિસ્ટમના ઇન્સ્ટોલેશનમાં પણ 12માંથી 12 પોઇન્ટ મળ્યા હતા.
આ પરિણામ દર્શાવે છે કે બાળકો સાથે મુસાફરી કરતા પરિવારો માટે પણ Verna એક સારો વિકલ્પ બની શકે છે.
સેફ્ટી ફીચર્સમાં પણ છે ખાસ વ્યવસ્થા
નવી Hyundai Vernaમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક આધુનિક ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમાં આગળના એરબેગ્સ, સાઇડ ચેસ્ટ એરબેગ્સ અને આગળ તથા પાછળના મુસાફરો માટે સાઇડ કર્ટન એરબેગ્સનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત કારમાં ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), સીટબેલ્ટ પ્રિટેન્શનર, લોડ લિમિટર, સીટબેલ્ટ રિમાઇન્ડર અને પેડેસ્ટ્રિયન પ્રોટેક્શન જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે. બાળકોની સુરક્ષા માટે પાછળની બંને બાજુની સીટ પર ISOFIX અને i-Size માઉન્ટિંગની સુવિધા ઉપલબ્ધ છે.
Vernaના કયા વેરિઅન્ટને મળશે આ રેટિંગ?
Bharat NCAP દ્વારા HX8 1.5 Turbo GDi DCT અને HX8 1.5 MPi iVT વેરિઅન્ટનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જોકે, મળેલી પાંચ સ્ટારની રેટિંગ કંપનીના જણાવ્યા મુજબ નિર્ધારિત અન્ય વેરિઅન્ટ્સ પર પણ લાગુ પડે છે. તેમાં 1.5 MPi મેન્યુઅલ, iVT અને 1.5 Turbo GDi મેન્યુઅલ તથા DCTના પસંદગીના વેરિઅન્ટ્સનો સમાવેશ થાય છે.
આ રીતે Hyundai Vernaએ ભારતીય કાર બજારમાં પોતાની સુરક્ષાની ઓળખ વધુ મજબૂત બનાવી છે. આજના સમયમાં ગ્રાહકો કાર ખરીદતી વખતે માઇલેજ, કિંમત અને લુકની સાથે સુરક્ષાને પણ એટલું જ મહત્ત્વ આપે છે. આવી સ્થિતિમાં Bharat NCAPનું પાંચ સ્ટાર રેટિંગ Verna માટે મોટો ફાયદો સાબિત થઈ શકે છે.
