નકલી ભાડાની રસીદો આપી ટેક્સ બચાવનારાઓ પર તરાપ! જાણો શું છે સરકારનું નવું ‘ફોર્મ ૧૨૪’.
ભારત સરકારના આવકવેરા વિભાગે કરચોરી રોકવા અને ટેક્સ સિસ્ટમને વધુ પારદર્શક બનાવવા માટે હાઉસ રેન્ટ અલાઉન્સ (HRA) ના નિયમોમાં અત્યંત મહત્વના ફેરફારો કર્યા છે. આ નવા ફેરફારોની સીધી અસર એવા લોકો પર પડશે જેઓ અત્યાર સુધી ટેક્સ બચાવવા માટે નકલી ભાડાની રસીદોનો ઉપયોગ કરતા હતા. ૧ એપ્રિલ, ૨૦૨૬ થી આ નવા નિયમો અમલમાં આવવા જઈ રહ્યા છે, જે અંતર્ગત હવે ફોર્મમાં વધારાની અને વિગતવાર માહિતી આપવી ફરજિયાત બનશે.
નવું ‘ફોર્મ ૧૨૪’ અને તેની પાછળનો હેતુ
અત્યાર સુધી કર્મચારીઓએ HRA ક્લેમ કરવા માટે તેમના એમ્પ્લોયર (ઓફિસ) માં ‘ફોર્મ 12BB’ જમા કરાવવું પડતું હતું. પરંતુ ૧ એપ્રિલ, ૨૦૨૬ થી સરકાર આ જૂના ફોર્મને હટાવીને તેના સ્થાને નવું ‘ફોર્મ ૧૨૪’ (Form 124) લાગુ કરી રહી છે. આ નવું ફોર્મ વધુ કડક છે અને તેમાં રોકાણકારો કે કર્મચારીઓએ પહેલા કરતા વધુ પારદર્શક માહિતી આપવી પડશે.
આ ફોર્મનો મુખ્ય હેતુ એ છે કે કંપની તમારું TDS (Tax Deducted at Source) કાપતી વખતે તમારી પાસે સાચી માહિતી હોય તેની ખાતરી કરી શકે. સરકારને જાણવા મળ્યું હતું કે ઘણા લોકો માત્ર કાગળ પર ભાડાની રસીદો બનાવીને ટેક્સમાં છૂટ મેળવે છે, જ્યારે હકીકતમાં તેઓ કોઈ ભાડું ચૂકવતા હોતા નથી.
સંબંધીઓને ભાડું ચૂકવતા લોકો માટે નવા નિયમો
આ સુધારાનો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે જો તમે તમારા કોઈ સંબંધીના મકાનમાં રહેતા હોવ અને તેમને ભાડું ચૂકવીને HRA ક્લેમ કરતા હોવ, તો હવે તમારે તે સંબંધની સ્પષ્ટતા કરવી પડશે.
નવા ફોર્મ મુજબ, તમારે જણાવવું પડશે કે મકાનમાલિક તમારા માતા-પિતા છે, પતિ-પત્ની છે, ભાઈ-બહેન છે કે અન્ય કોઈ સંબંધી છે. આ માહિતી આપવાનો અર્થ એ છે કે હવે આવકવેરા વિભાગ તે સંબંધીના ટેક્સ રિટર્ન (ITR) સાથે પણ તમારી માહિતી મેળવશે. જો તમે ભાડું ચૂકવી રહ્યા છો, તો તે મકાનમાલિકની આવક ગણાશે અને તેમણે તે આવક પોતાના રિટર્નમાં બતાવવી પડશે.
સરકારે આ કડક નિર્ણય કેમ લીધો?
ઘણા કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે લોકો પોતાના જ પરિવારના સભ્યોના નામે ખોટી ભાડાની રસીદો બનાવી લે છે જેથી ટેક્સ લાયબિલિટી ઘટાડી શકાય. ઘણીવાર મકાનમાલિક (જેમ કે પિતા કે પત્ની) ને પણ ખબર હોતી નથી કે તેમના નામે ભાડું વસૂલવામાં આવી રહ્યું છે.
નવા નિયમોથી નીચે મુજબના ફાયદા થશે:
-
ફર્જી ક્લેમ પર લગામ: જે લોકો ખરેખર ભાડું નથી આપતા તેઓ પકડાઈ જશે.
-
પારદર્શિતા: મકાનમાલિક અને ભાડૂત બંનેની વિગતો આવકવેરા વિભાગ પાસે હોવાથી ડેટા મેચિંગ સરળ બનશે.
-
કરચોરીમાં ઘટાડો: મકાનમાલિકોએ પણ મળેલી ભાડાની આવક પર ટેક્સ ભરવો પડશે અથવા તેને રિટર્નમાં બતાવવી પડશે.
સાચા કરદાતાઓએ શું કાળજી રાખવી?
જો તમે ખરેખર ભાડું ચૂકવી રહ્યા છો અને તમારા દાવા સાચા છે, તો તમારે ડરવાની જરૂર નથી. પરંતુ ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન આવે તે માટે તમારે નીચેની બાબતોનું પાલન કરવું જોઈએ:
-
બેંકિંગ ચેનલનો ઉપયોગ: બને ત્યાં સુધી ભાડું રોકડમાં આપવાને બદલે ચેક અથવા ઓનલાઇન ટ્રાન્સફર (UPI/NEFT) થી આપો. આ સૌથી મોટો પુરાવો છે.
-
ભાડા કરાર (Rent Agreement): તમારી પાસે કાયદેસરનો ભાડા કરાર હોવો જોઈએ.
-
ભાડાની રસીદ: મકાનમાલિકની સહી વાળી યોગ્ય રસીદ તમારી પાસે હોવી જોઈએ. જો ભાડું વાર્ષિક ૧ લાખ રૂપિયાથી વધુ હોય, તો મકાનમાલિકનો PAN કાર્ડ નંબર આપવો પણ ફરજિયાત છે.
-
મકાનમાલિકનું ITR: જો તમે તમારા માતા-પિતાને ભાડું આપો છો, તો ખાતરી કરો કે તેઓ પણ તેમનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરે અને તેમાં આ આવક દર્શાવે.
HRA ની ગણતરી કેવી રીતે થાય છે?
HRA માં મળતી ટેક્સ છૂટની ગણતરી નીચેની ત્રણ રકમમાંથી જે સૌથી ઓછી હોય તેના આધારે કરવામાં આવે છે:
-
તમારી કંપની તરફથી મળતું વાસ્તવિક HRA.
-
તમારા પગારના (મૂળ પગાર + મોંઘવારી ભથ્થું) ૫૦% જો તમે મેટ્રો શહેરમાં રહેતા હોવ (૪૦% જો નોન-મેટ્રો હોય).
-
તમે ચૂકવેલું વાસ્તવિક ભાડું – તમારા પગારના ૧૦%.
તમારા માટે એ જાણવું જરૂરી છે કે HRA ક્લેમનો ફાયદો માત્ર જૂની ટેક્સ સિસ્ટમ (Old Tax Regime) પસંદ કરનારને જ મળે છે. જો તમે નવી ટેક્સ સિસ્ટમ પસંદ કરી હોય, તો તમે HRA ની છૂટ મેળવી શકશો નહીં.

